K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મોહનીય કર્મ પર વિજય એ પરમ જય : આચાર્યશ્રી મહાશ્રમણજી

25 February




મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીનો માંડવીમાંથી મંગલ પ્રસ્થાન

ભુજ : માંડવીવાસીઓને બે દિવસ સુધી આધ્યાત્મિક ખોરાક પ્રદાન કરીને, સોમવારની પ્રભાતે શ્રી જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અહિંસા યાત્રા પ્રણેતા અને શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ મંગલ પ્રસ્થાન કર્યું હતુ. પ્રભાતના સમયે દરિયા અને નદીના મિલનસ્થાન તરીકે જાણીતા માંડવીનું વાતાવરણ અત્યંત સોહામણ હતું. રસ્તામાં અનેક જગ્યાઓએ નવી નૌકાઓના નિર્માણકાર્ય ચાલી રહ્યાં હતાં. રસ્તામાં લોકો માટે મંગલ આશિષ પ્રદાન કરતા આચાર્યશ્રી પોતાના આગામી ગંતવ્ય તરફ આગળ વધ્યા હતા. લગભગ બાર કિમીનો વિહાર કરીને આચાર્યશ્રી તલાવાણા ખાતે આવેલા શ્રી મામલ ભવન પધાર્યા હતા. આચાર્યશ્રીનો એક દિવસનો પ્રવાસ આ ભવનમાં થયો હતો. ભવન સાથે જોડાયેલા ભક્તજનોએ ભાવભીનું અભિનંદન કર્યું હતુ.ભગવાન મહાવીરના પ્રતિનિધિ, શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ શ્રદ્ધાળુ જનતાને પાવન પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે આત્મા પર વિજય મેળવો એ પરમ જય છે. પ્રશ્ન થઇ શકે કે પરમ જય કેવી રીતે? તેનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે માનવને પોતાને જીતવા માટે મોહનીય કર્મ પર વિજય મેળવવો જરૂરી છે. મોહનીય કર્મ પર વિજય મેળવવો સહેલો નથી. જે વ્યક્તિ તેને ક્ષીણ કરી શકે, તે પરમ વિજયી બને છે.  જૈન વિદ્યા અનુસાર આઠ પ્રકારના કર્મ જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે - મોહનીય કર્મ. ક્રોધ, અહંકાર, દ્વેષ, લોભ, મિથ્યાદર્શન વગેરે એ બધા મોહનીય કર્મના પરિવારના સભ્યો છે. જે વ્યક્તિ આ બધાને ક્ષીણ કરી શકે, તે પરમ જય પ્રાપ્ત કરે છે. ભગવાન મહાવીરે ગાઢ તપશ્ચર્યા અને સાધનાના દ્વારા વૈશાખ શુક્લ દશમીના દિવસે મોહનીય કર્મનો નાશ કર્યો હતો, અને એ જ દિવસે તેમનો પરમ જય થયો હતો. મોહનીય કર્મ પર વિજય મેળવવો એ એક મહાન સાધના છે.
આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, જે સાધુ બની જાય છે, તેઓ પરિવાર, સંપત્તિ અને ભૌતિક સુખ છોડી દે છે. સંપત્તિ અને વૈભવ હોવા છતાં તેને ત્યજીને સાધુ જીવન અપનાવવું મોટું કાર્ય છે. કેટલાક બાળપણમાં, કેટલાક યુવાન અવસ્થામાં અને કેટલાક વૃદ્ધાવસ્થામાં પણ સંસારનો ત્યાગ કરી સાધુ બની જાય છે. જે આત્માને જીતે છે, તે પોતાની ઇન્દ્રિયોને પણ કાબૂમાં રાખી શકે છે. તે કષાયોને જીતે છે અને પરમ જય પ્રાપ્ત કરે છે. સાધુઓનું જીવન સાદું અને ક્યારેક કઠિન હોઈ શકે, પણ તેમને અંતરથી એક શાંતિની અનુભૂતિ થાય છે. તેઓ વર્તમાનમાં જીવે છે, સંતોષના ભાવ સાથે જીવતા હોય છે અને આંતરિક આનંદ પ્રાપ્ત કરે છે. સાધુત્વની પ્રાપ્તિ માત્ર ત્યારે જ શક્ય બને છે, જ્યારે મોહનીય કર્મ ક્ષીણ થાય. આચાર્યશ્રીએ અંતમાં સંદેશ આપ્યો કે અહીં વસતા તમામ જૈન-અજૈન લોકોમાં ધાર્મિક ભાવનાઓ જાગૃત રહે, ત્યાગ-સંયમની સાધના સતત ચાલતી રહે અને દરેક વ્યક્તિ પોતાની આત્માને જીતવાની દિશામાં આગળ વધે, તે જ શ્રેયસ્કર છે.તલવાણા ખાતે યુગપ્રધાન પ.પૂ. આચાર્યશ્રીની તલવાણા ગામે પધરામણી થઇ ત્યારે ગામજનો તથા ગુરૂભક્તો તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઉદયપુર (રાજસ્થાન)ના લક્ષ્મણસિંહ કર્ણાવતની વિનંતીને માન આપીને ગાયોની હોસ્પિટલ માટે  તલવાણા બસસ્ટેશનથી મામલભવન સુધી ગામજનોની બહુ મોટી હાજરીમાં શોભાયાત્રા નિકળેલ હતી. ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ દેઢિયાએ સુમતિનાથ પાંગળાઘરથી વિગતવાર માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે માંડવી તાલુકાના કા.ચેરમેન વિક્રમસિંહ જાડેજા, ગામના સરપંચ કનુભા જાડેજા, ક્ષત્રિય અગ્રણી જટુભા રાઠોડ, મે.ટ્રસ્ટી હરીસીંહ જાડેજા, ટ્રસ્ટી સુરેન્દ્ર દેઢિયાનું સન્માન કરાયું હતું. ઇશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધ લક્ષી ટ્રસ્ટના પ્રમુખ તલકચંદભાઇ દેઢિયાએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી કે.કે. સંઘવી, નરેન્દ્ર  મહેતા, પ્રવિણભાઈ છેડા, મહેન્દ્રભાઇ પોલડિયા, શશીકાંતભાઇ દેઢિયા, કિરીટસીંહ જાડેજા, ચંદુભાઈ સંઘવી, રાજેશ દોશી, પ્રવિણભાઈ ફુરીયા, જીવરાજભાઈ ગઢવી, વસંતભાઇ પોલડિયા, હરીસિંહ જાડેજા (પૂર્વ સરપંચ) સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોડાય સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક  શા.સ્વામી કૃષ્ણજીવનદાસજીએ પણ સ્વાગત કર્યું હતું અને ગુરુકુળમાં ચાલતી શિક્ષણ પ્રવૃત્તિ અને ગૌશાળાની માહિતી આપી હતી. આચાર્યશ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા.આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. તેરાપંથી સભા ગાંધીધામમાં આચાર્યશ્રી મહાશ્રમણજીનો આગામી  ૫ માર્ચથી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેમજ તેઓ પણ સેવામાં છે તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM