K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

રણોત્સવ ટેન્ડરિંગ પ્રક્રિયા વિવાદમાં પડતા ભુજના હોટેલ-ગેસ્ટહાઉસ ધારકો ચિંતિત

11 September



ભુજ : કચ્છ પ્રવાસનના સુરજને મધ્યાહને પહોંચાડતા રણોત્સવની ટેન્ડર પ્રક્રિયા વિવાદમાં પડતાં રણોત્સવ પર સંકટના વાદળો ઘેરાયા છે, ત્યારે ચિંતિત બનેલા ભુજના હોટેલ ધારકોએ આપાતકાલીન બેઠક બોલાવીને સ્થાનિક વહીવટી તંત્ર, પ્રવાસન વિભાગ અને સરકારને વિવિધ સ્તરે રજુઆત કરવા સહીત આગામી દિવસોની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.ભુજ સ્થિત મીરજાપર રોડ પર આવેલી હોટલ લા કાસા ખાતે યોજાયેલ મિટિંગમાં વિવિધ હોટલોના સંચાલકો - મેનેજરો સહીતના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે રણોત્સવ અને કચ્છનું પ્રવાસન પરસ્પર પર્યાય બની ચુક્યા છે. રણોત્સવના આયોજનમાં આ રીતે વિલંબ થવોએ નહીં માત્ર હોટલ ઉદ્યોગ પર પરંતુ પ્રવાસન સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રના હજારો ધંધાર્થી પરિવારો પર આફતના વાદળો ઘેરાયા છે. રણોત્સવનું આયોજન ઘોંચમાં પડે તો કચ્છ આવતા ભારતભરના લાખો પ્રવાસીઓ કચ્છ સિવાય બીજા કોઈ સ્થળે ફંટાઈ જાય અને પરિણામે કચ્છમાં પાછલા દોઢ દાયકાથી ધમધમતા પ્રવાસન ઉદ્યોગને મરણતોલ ફટકો લાગવાની નોબત ઉભી થાય એમ છે.આ સંદર્ભે સાંસદ અને ધારાસભ્ય સહિત જન પ્રતિનિધિઓને મળીને રજુઆત કરવામાં આવશે. આગામી તા. ૧૮-૯ના ફરીથી બેઠક બોલાવવામાં આવશે, જેમાં ભુજ ઉપરાંત સમગ્ર કચ્છના હોટલ ધારકો, પ્રવાસન સંલગ્ન અન્ય ધંધાર્થીઓ જેવા કે ટુર્સ અને ટ્રાવેલ્સ એસોસીએશન, ગાઈડ એસોસીએશન, હેન્ડીક્રાફ્ટ એસોસીએશન, રેસ્ટોરન્ટ એસોસીએશન જેવા વિવિધ સંગઠનોને સાથે રાખીને આ વિષય સંદર્ભે આવેદનપત્ર સ્વરૂપે કલેકટર તેમજ પ્રવાસન વિભાગના અધિકારીઓને પણ મળીને રજુઆત કરવામાં આવશે. બેઠકમાં અન્ય એક મુદ્દો સપાટી પર આવ્યો હતો કે દરેક વ્યવસાર્થી સોશિયલ મીડિયા પર પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાનની જાહેરાતમાં ધોરડો રણોત્સવ સહીત ક્ચ્છના વિવિધ પ્રવાસન સ્થળોને આવરી લઈને પ્રચાર પ્રસાર કરે જેથી કરીને રાષ્ટ્રીય ફલક પર રણોત્સવ અને અન્ય સ્થળો વધુને વધુ પ્રચલિત થાય અને સરવાળે કચ્છના પ્રવાસનની વૃદ્ધિ થાય. વિનયભાઈ રેલોને જણાવ્યું હતું કે, ભુજને એક પ્રવાસન નગરીના રૂપમાં મોડલ ટાઉન તરીકે વિકસાવવામાં આવે તેમજ રણોત્સવનું વિધિવત ઉદ્‌ઘાટન દર વખતે દિવાળી પછી ઘણા દિવસો બાદ યોજાતું હોઈ ક્રાફ્ટ અને ફૂડ માર્કેટ પણ ત્યારથી જ શરૂ થતા હોય છે પણ પ્રવાસીઓનો ધસારો દિવાળીથી જ પ્રારંભ થઈ જતો હોઈ આ બજારો પણ દિવાળીથી જ કાર્યરત કરવી અનિવાર્ય બને છે. વિજયભાઈ સોનીએ જણાવ્યું હતું કે પ્રવાસન નિગમ દ્વારા અગાઉ કરેલ અમિતાભ બચ્ચન જેવું એડ કેમ્પેઈન ફરીથી ચલાવવામાં આવે અને ભુજમાં કચ્છ કાર્નિવલનું આયોજન અગાઉની માફક ફરીથી થવું જોઈએ જેથી કચ્છના પ્રવાસનને નવી ઊંચાઈઓ મળે.બેઠકમાં ગૌતમભાઈ શેઠિયા, ધનજીભાઈ વરસાણી, શૈલેશભાઈ પટેલ, પપ્પુભાઈ ભારતી, જી.એસ. રાવત, સમીર ગોર, રોહિત શેલડીયા, ધર્મેન્દ્રભાઈ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું હતું.




.....................



હાજીપીરના રણમાં સર્જાઈ અજાયબી, 
મીઠાનું રણ બન્યું દરિયો



ભુજ : દર વર્ષે કચ્છના રણમાં ભવ્ય રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છનું મુખ્ય આકર્ષણ સફેદ મીઠાનું રણ છે,પરંતુ અત્યારે ભારે વરસાદના લીધે આખું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે. પાણીમાં ડૂબેલા રણમાં સમુદ્રની લહેરો જોવા મળી રહી છે. દર વર્ષે વરસાદનું પાણી સૂકાયા બાદ મીઠાનું રણ બની જાય છે, પરંતુ દૂર દૂર રહેણાંક વિસ્તાર ન હોવાથી આ સમુદ્ર જેવું લાગે છે.  ધોરડોમાં આવેલા સફેદ રણમાં ભારે વરસાદના લીધે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આખે આખું રણ જાણે દરિયો બની ગયું હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા બાદ ઑગસ્ટના અંત સુધીમાં ધીમે ધીમે પાણી ઓસરવા લાગે છે. ત્યારબાદ નવેમ્બર મહિનામાં રણમાંથી પાણી સૂકાઇ જાય છે અને રણમાં દરિયાની ખારાશની ચાદર પથરાઈ જાય છે અને શિયાળામાં આખું રણ સફેદ મીઠામાં ફેરવાઈ જાય છે. બૉર્ડર વિસ્તાર હોવાથી અહીં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા રહે છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદના લીધે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખાસ કરીને શિયાળામાં આ રણ વધુ સુંદર અને મનમોહક લાગે છે. દર વર્ષે દેશ - વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીં આવનાર પ્રવાસીઓ ચાંદની રાતમાં કચ્છના સફેદ રણની મજા માણે છે. ત્યારે જ લોકો કહે છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા. પાણી ભરાવાના કારણે કચ્છના રણ ઉત્સવ ઉપર હાલે તો પાણી ફરી ગયો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસ પૂર્વે સફેદ રણમાં કાળી માટીના ઢગલાઓના પગલે આ વર્ષે શિયાળામાં સફેદ રણનું સૌદર્ય જોવા મળશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા હતા. વહિવટીતંત્ર દ્વારા પણ જે તે સમયે રણમાં પાણીની આવ કેમ ઘટી છે તેની સમીક્ષા માટે ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જો કે, ચોમાસુ વરસાદ બાદ રણમાં પાણી ફરી વળતાં કાળી માટીના પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. 

 

Comments

COMMENT / REPLY FROM