K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

મોટા કાંડાગરાની ભુખી નદીમાં રેતીચોરી કરતા બે ટ્રેકટર અને લોડર કબજે કરાયા

24 August





ત્રણ દિવસ અગાઉ કેવડી નદીમાં ખનિજ ચોરોએ ખોદેલા ખાડામાં ડૂબી જવાના કારણે બે બાળકોના મોત બાદ થઈ કાર્યવાહી : મોટા પ્રમાણમાં રેતીચોરીના આક્ષેપો બાદ એલસીબીએ વાહનો કબજે કર્યા : ખાણ ખનિજ વિભાગ હજુય કુંભકર્ણી નિંદ્રામાં




મુંદરા : ત્રણ દિવસ અગાઉ મુંદરાની કેવડી નદીમાં ખનિજ ચોરી માટે ખોદાયેલા ખાડામાં વરસાદી પાણી ભરાયેલા હોઈ રમવા માટે નિકળેલા બે બાળકોના આ ખાડામાં ડુબી જવાથી મોત થયા હતા. જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા સાથે સ્થાનીકે અગ્રણીઓએ આક્રોશ વ્યકત કર્યો હતો. મુંદરા વિસ્તારમાં ઠેકઠેકાણે થતી બેફામ ખનિજચોરી પર લગામ લગાવવા માટે માંગણી બાદ ખાણ ખનિજ વિભાગ હજુય કાર્યવાહી માટે બાતમીની રાહ જુએ છે ત્યાં ભુજ એલસીબીએ મોટા કાંડાગરા પાસે ભુખી નદીમાં રેતી ઉસેળતા બે ટ્રેકટર અને લોડર કબજે કર્યા હતા.
આ અંગેની વિગતો મુજબ મોટા કાંડાગરા ગામના પુલીયા પાસે ભુખી નદીમાં અમુક ઈસમો ગેરકાયદે રીતે લોડર મારફતે ટ્રેકટરમાં રેતી ભરી ગેરકાયદે વહન કરતા હોવાની બાતમી આધારે ભુજ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવતા વાહનો મળી આવતા આધાર પુરાવા માંગતા ચાલકો રજુ કરી શકયા ન હતા. જેથી ખનિજ ચોરી બાબતે વાહનો ડીટેઈન કરી આગળની કાર્યવાહી માટે મુંદરા પોલીસને જાણ કરાઈ છે. રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનિજ ખનન કરવામાં આવતું હતું. સ્થળ પરથી મોટા ભાડીયાના લાલાભાઈ પોપટભાઈ નાયક અને મોટા કાંડાગરાના રવીકુમાર રાધેશ્યામ સોનકર અને મોટા કાંડાગરાના દિલીપસિંહ હરભમજી રાઠોડ મળી આવ્યા હતા. અત્રે મહત્વની બાબત એ પણ છે કે રેતીચોરો દ્વારા બેફામ ખનિજ ચોરી કરવામાં આવતા મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે કેવડી અને ભુખી નદીનો પટ હવે ગોજારો પણ બની રહ્યો છે. સતત રેતીચોરી થતી હોવા છતાં તંત્ર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ખનન બેફામ બન્યું છે. બે બાળકોના મોત બાદ પણ તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી નથી. ખરેખર મુંદરા વિસ્તારમાં ખનીજચોરી પર લગામ કસવામાં આવે અને ધાક બેસાડતી કાર્યવાહી કરાય તે જરૂરી બની ગયું છે.

Comments

COMMENT / REPLY FROM