K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મોત

28 June




માંડવીના જનકપુરની વાડીમાં ખાડો ખોદતી વેળાએ સર્પે દંશ મારતા આધેડનું મોત નિપજયું : વાડી વિસ્તારમાં બોડેલીના યુવાને મોનોકોટો પી લેતા જીવ ગયો : ગાંધીધામના ચીરઈ સોલ્ટમાં મીઠાની બોરીઓ તળે દબાઈ જવા ઉદયપુરના યુવાનના શ્વાસ થંભ્યા


ભુજ : જિલ્લામાં અપમૃત્યુની અલગ અલગ ચાર ઘટનાઓ સામે આવી છે. જેમાં માંડવી તાલુકાના તલવાણા ગામે કીચડમાં પડી જવાના કારણે ગુંગળાઈ જવાથી યુવાનનું મોત થયું છે. હાલે જયારે વરસાદી સીઝન છે ત્યારે આ પ્રમાણેના બનાવો અટકાવવા માટે લોકો વરસાદ અને તે બાદના સમયગાળામાં બીનજરૂરી બહાર જવાનું ટાળે તે જરૂરી છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં ઝેરી જીવ-જંતુઓ બહાર નિકળતા હોય છે જેનાથી પણ સાવધાની રાખવાનો સમય છે. માંડવીના જનકપુરમાં ખાડો ખોદતી વખતે સર્પે દંશ મારતા આધેડનું મોત થયું હતું. જે લાલબતી સમાન કિસ્સો છે. આ ઉપરાંત પૂર્વ કચ્છમાં વધુ એકવાર કામદાર સુરક્ષાના ધજાગરા ઉડયા છે અને પૂર્વ કચ્છની શ્રમ કચેરી હજુ પણ સબ સલામતની આલબેલ પોકારી શ્રમિકોના નહીં પણ કંપનીઓના હિતમાં કામગીરી કરી રહી છે.  હાલે વરસાદની સીઝનમાં ઠેકઠેકાણે ખાડા જોખમી સાબિત થઈ રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના તલવાણા ગામે કીચડમાં પડી જવાથી ગુંગળાઈ જવાના કારણે યુવાનનું મોત થયું હતું. કોડાય પોલીસે આપેલી વિગતો મુજબ તલવાણા ગામે મલાપીરના મંદિરની પાછળ વરસાદી નાળામાં પાણીના કીચડમાં કોઈ કારણોસર ગામના ૩૪ વર્ષિય મહેન્દ્રસિંહ જીલુભા જાડેજા પડી ગયા હતા. કીચડમાં પડી જવાના કારણે ગુંગળાઈ જવાથી આ યુવાનનું મોત થયું હતું. રાતે દસ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોઈ આસપાસમાં કોઈ ન હોવાથી મદદ ન મળવાને કારણે શ્વાસ થંભી ગયા હતા. આ બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. માંડવી તાલુકાના જનકપુર ગામે આવેલી વાડીમાં સર્પે દંશ દેતા આધેડનું મોત થયું હતું. માંડવી પોલીસે જણાવ્યું કે, જનકપુરના પપ વર્ષિય પ્રવિણભાઈ ધનજીભાઈ સુરાણી (પટેલ) પોતાની વાડીએ ખાડો ખોદતા હતા એ દરમ્યાન ખાડામાં હાથ નાખતા ખાડામાં રહેલા સાપે જમણા હાથની ટચલી આંગળીમાં ડંખ મારતા સારવાર માટે માંડવીની હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જયાંથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા. તે દરમ્યાન મોત થયું હતું. આ તરફ જનકપુર ગામે અન્ય એક બનાવમાં ધીરજ સામજી ચોપડાની વાડીએ છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના વાદેડા ગામના શૈલેષ દિનેક નાયક નામના યુવકે કપાસમાં છાંટવાની મોનોકોટો દવા પી જઈ મોતને વ્હાલું કરી લીધું હતું. પૂર્વ કચ્છમાં ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. થોડા દિવસો અગાઉ નમકની બોરીઓ ટ્રેલર પર રાખતી વખતે પગ સ્લીપ થતા પટકાઈ જવાના કારણે યુવાનનું મોત થયું હતું. ત્યારે હવે ચીરઈ સોલ્ટમાં મીઠાની બોરીઓ તળે દબાઈ જવાથી યુવાનનું મોત થયું છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ હાઉસિંગ બોર્ડની સામે ચીરઈ સોલ્ટમાં આ બનાવ બન્યો હતો. હતભાગી ર૬ વર્ષિય મુળ રાજસ્થાનના ઉદયપુરનો મીન્ટુ પ્રભુલાલ મીણા કંપનીમાં કામ કરતો હતો ત્યારે મીઠાની બોરીઓ પોતાના પર પડતા દબાઈ જવાના કારણે તેનું મોત થયું હતુ જે અંગે બી ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM