કંડલામાં બોગસ ગેટપાસથી એન્ટ્રીનો મામલો : આરોપીઓના રિમાન્ડ પૂર્ણ પણ ‘ભેદ’ હજુય અકબંધ

0
24

શીપીંગ કંપનીએ કર્મચારી સહિત ત્રણ જણા સામે નોંધાવી હતી ફરિયાદ : ઝડપાયેલા શખ્સોના અઢી દિવસના રિમાન્ડ પૂર્ણ થતા બપોર બાદ કોર્ટમાં કરાશે રજૂ  :અગાઉ પણ બોગસ પાસ થકી જેટી સુધી આરોપી ગયો હોવાની માહિતી રિમાન્ડમાં ખુલી

ગાંધીધામ : કંડલાની ઓઈલ જેટીમાં ખોટા ગેટપાસના આધારે પ્રવેશ કરતા શખ્સને સીઆઈએસએફની ટુકડીએ ઝડપી પાડયો હતો. જે કેસમાં શીપીંગ કંપનીનો કર્મચારી સામેલ હોવાથી કંપની દ્વારા ત્રણ ઈસમો સામે કંડલા મરીન પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે ત્રણેયની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા અઢી દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જે આજે બપોરે પૂર્ણ થઈ જશે પરંતુ મહત્વની વાત એ છે કે, આરોપીઓએ કયા ઈરાદાથી જેટીની અંદર જવા માટે બોગસ ગેટપાસ બનાવ્યો તેનું રહસ્ય હજુય પણ અકબંધ રહેવા પામતા અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.

મુળ કેરલાના અને હાલે ગાંધીધામ રહેતા યશ્વી શીપીંગ કંપનીના ઓથોરાઈસ પર્સન સુરેશભાઈ શ્રીધરણ મંગલતેએ જણાવ્યું કે, દીનદયાળ પોર્ટ કંડલાના સીઆઈએસએફ યુનિટના કર્મચારીએ તેમની કંપનીના ગેટપાસથી ઓઈલ જેટીમાં પ્રવેશેલા તુણાના સુલતાન જાનમામદ નોતિયારને ૧૪ સીમકાર્ડ, મોબાઈલ અને ર૦ હજાર રોકડા સાથે ઝડપી લીધો હતો. યશ્વી શીપીંગ કંપની દ્વારા તેને ગેટપાસ બનાવી અપાયો હતો, જે બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. કંપનીના કર્મચારી સુરેશ લક્ષ્મણભાઈ અંબાતીએ પોતાના અંગત આર્થિક લાભ માટે પોર્ટ ગેટ પાસે ચાની કેબીન ધરાવતા અબ્દુલ સુમરાના કહેવાથી બોગસ ગેટપાસ બનાવી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી કર્મચારી સુરેશ તેમજ ચાની હોટલવાળા અબ્દુલ સુમરા અને ખોટા ગેટ પાસના આધારે પ્રવેશ કરતા સુલતાન નોતિયાર સામે કંડલા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. કંડલા મરીન પોલીસે આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા જેમાં આરોપીએ કબુલાત આપી હતી કે, આ પૂર્વે પણ તે એકવાર બોગસ પાસના આધારે અંદર જઈ ચુકયો છે. પરંતુ આ ટોળકીનો ઈરાદો શું હતો તે હજુ સુધી સામે આવ્યું નથી. મહત્વની વાત એ છે કે, એક સાથે ૧૪ સીમકાર્ડ લઈને આરોપી સુલતાન નોતિયાર કેમ ઓઈલ જેટીમાં પ્રવેશ કરવા માંગતો હતો ? તેમજ ખાનગી વ્યક્તિને ઓઈલ જેટીમાં જવાની જરૂર કેમ પડી ? તેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ બહાર ચા ની કેબીન ધરાવતા અબ્દુલ સુમરાના કહેવાથી આ ગેટ પાસ બનાવી અપાયો હતો, ત્યારે અબ્દુલ સુમરાએ કોને કોને ભલામણ કરીને બોગસ પાસ બનાવડાવી દીધા હશે ? તે સહિતના પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

આ બાબતે કંડલા મરીનના પીઆઈ હીનાબેન હુંબલથી વાત કરતા તેમણે જણાવ્યું કે, અઢી દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય ઈસમોને આજે કોર્ટમાં ફરી રજુ કરવામાં આવશે. રિમાન્ડ દરમ્યાન સામે આવ્યું છે કે, આરોપી અગાઉ પણ બોગસ પાસના આધારે અંદર પ્રવેશી ચુકયો હતો. પરંતુ તેનો ઈરાદો શું છે ? તે હજુ સુધી સામે આવ્યું નથી.