કચ્છની તમામ છ બેઠકો પર ભાજપ જંગી બહુમતિથી જીતશે : કેશુભાઈ પટેલ

0
86

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કચ્છની તમામ છ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. અબડાસા બેઠક પર પ્રધ્યુમનસિંહ જાડેજાને રિપિટ કરાયા છે. માંડવી બેઠક પર અનિરૂદ્ધ દવે, ભુજ બેઠક પર કેશુભાઈ પટેલ, અંજાર બેઠક પર ત્રિકમભાઈ છાંગાના નામ જાહેર કરાયા છે. ગાંધીધામ બેઠક પર માલતીબેન મહેશ્વરીને ફરી તક અપાઈ છે. જયારે માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રાપર બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા છે.
આ પ્રસંગે ‘કચ્છ ઉદય’ સાથે વાતચીત કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઈ પટેલે કચ્છની તમામ છ બેઠકો પર ભાજપ જંગી બહુમતિથી વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના પાંચેય ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્નો હલ કર્યા છે. કચ્છને લગતા તમામ મોટા પ્રશ્નો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન દ્વારા હલ થયા છે. જેમાં નર્મદાના વધારાના પાણીની વાત હોય કે, અન્ય સમસ્યાઓ લોકોની વચ્ચે જ રહી ભાજપના ધારાસભ્યોએ લોકોના પ્રશ્નોને વાચા આપી છે. વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર દ્રઢ થયો છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં કચ્છની છએ છ બેઠકો ભાજપ જંગી બહુમતિથી જીતશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.