પતિ સાથે બોલાચાલી થતા બિદડાની પરિણીતાએ કર્યો આપઘાત

બે મહિના પૂર્વે જ થયેલા લગ્ન બાદ નવોઢા યુવતીએ પકડી અનંતની વાટ


(ક્રાઈમ પ્રતિનિધિ)માંડવી : તાલુકાના બિદડા ગામે બે મહિના પૂર્વે જ પરણેલી નવોઢા યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવને પગલે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા ભુજ વિભાગના ના.પો.અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના બિદડા ગામે પીપલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મઠ ફળિયામાં રહેતી છાયાબેન ઉમેશગીરી મનસુખગીરી ગોસ્વામીએ માંડવી પોલીસ મથકે અકસ્માત મોતની નોંધ કરાવી હતી, જેને આધારે માંડવી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પુજાબેન ઉર્ફે પ્રાચીબેન દિવ્યગીરી ગોસ્વામી (ઉ.વ.ર૦) એ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસમાં અપાયેલી કેફિયત મુજબ હતભાગીના લગ્ન બે મહિના પૂર્વે જ થયા હતા. હતભાગી પોતાના લગ્ન પહેલા ફોન રાખતી હોવાથી તેના કારણે તેના પતિ સાથે ફોન રાખવા બાબતે બોલાચાલી થતી હોઈ તેનું મનમાં લાગી આવતા નવોઢાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે માંડવી પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરતા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરાઈ છે.