ભુજની કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ

0
49

સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયોઃ સંતો-મહંતોએ માનવસેવાનો મહાયજ્ઞ આદરનાર હોસ્પિટલને પાઠવ્યા આશિર્વચનઃ સાંજે હોસ્પિટલનું પ્રથમ બાયપાસ ઓપરેશન (ઓપર હાર્ટ સર્જરી) હાથ ધરાશેઃ આધુનિક વિજ્ઞાનના સહારે કચ્છવાસીઓની આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનાવવા સંચાલક સંસ્થાએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા

 

ભુજ : કચ્છમાં આરોગ્ય સેવા ક્ષેત્રે માનવ સેવાનો મહાયજ્ઞ આદરનાર કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક નરનારાયણદેવ કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજરોજ શુક્રવાર તા. 14-10ના સવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માનવસેવાનું જે ભગીરથ કાર્ય કરી રહી છે તેની સરાહના કરી હતી. અને આવનારા દિવસોમાં પણ આધુનિક વિજ્ઞાનના સહારે દિનઃદુખિયાઓની સારવાર વધુ સુચારૂ રીતે કરે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.

કેથલેબ અંગે વિગતો આપતા હોસ્પિટલના ડો. પ્રદિપ નિંગરાડીયાએ જણાવ્યું હતું કે, ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી મળેલા રૂ. 5 કરોડના અનુદાનથી આ કેથલેબનું નિર્માણ કરાયું છે. આધુનિક સાધનોથી સજ્જ કેથલેબ કાર્યરત થતા હૃદયના વિવિધ રોગોનું નિદાન સચોટ રીતે થઈ શકશે, જેનો કચ્છભરના હૃદયરોગના દર્દીઓને લાભ મળશે. હોસ્પિટલ શરૂ થયા બાદ કોરોના કાળમાં લોકડાઉનના કારણે હોસ્પિટલ માટે જરૂરી અમુક આધુનિક સારવાર સાધનો લાવવામાં વિલંબ થયો હતો. હવે સ્થિતિ સામાન્ય થયા બાદ હોસ્પિટલને સારવારના નવા આધુનિક સાધનોથી સજ્જ કરવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. ત્યારે કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગંભીર પ્રકારના રોગોની સારવારમાં વધારો થશે. લોકાર્પણ સમારોહમાં પટેલ ચોવીસીના દરેક ગામના સ્વામીનારાયણ મંદિરો, કચ્છી લેવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ મહિલા સંગઠન જાગૃતિમંચ, કચ્છી લેવા પટેલ યુવક મંડળના ચાર-ચાર પ્રતિધિનિઓને આમંત્રિત કરાયા હતા.

આ પ્રસંગે મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદારજી સ્વામી, કોઠારી જાદવજી ભગત, ઉમહંત ભાગવદજીવનદાસજી સ્વામી વગેરે સંતો-મહંતો અને સાંખ્યયોગી બહેનોનું કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ વતી સન્માન કરાયું હતું. અત્યાધુનિક કેથલેબના લોકાર્પણ બાદ આજરોજ સાંજે હોસ્પિટલના બાયપાસ ઓપરેશન (ઓપન હાર્ટ સર્જરી) હાથ ધરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણને સોશિયલ મીડિયાના માધ્યમથી કચ્છ ઉપરાંત દેશ-વિદેશમાં લોકોએ નિહાળ્યો હતો.