ભુજ રેલ્વે સ્ટેશનને ભાતીગળ સંસ્કૃતિનો ટચ અપાશે

0
37

ર૦૦ કરોડના માતબર ખર્ચે પુનઃ નિર્માણ કાર્ય હાથ ધરાયું : ડિસેમ્બર – ર૦ર૪ સુધી કામગીરી પૂર્ણ થવાનો લક્ષ્યાંક

ભુજ : રેલ્વે મંત્રાલય દ્વારા દેશના વિવિધ રેલ્વે સ્ટેશનોના પુનઃ નિર્માણનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન હેઠળ ભુજ રેલ્વે સ્ટેશનનું પણ પુનઃ નિર્માણ કરવાની જાહેરાત થઈ છે.રેલ્વે વિભાગમાંથી મળતી માહિતી અનુસાર પુનઃ નિર્માણ કાર્ય માટે સોઈલ ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પુનઃ નિર્માણ કામગીરી આગામી ડિસેમ્બર – ર૦ર૪ સુધી પુરી કરવાનો લક્ષ્યાંક રખાયો છે. કચ્છના પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ બાદ પ્રતિવર્ષ કચ્છમાં આવતા પર્યટકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુ સાથે ભુજ રેલ્વે સ્ટેશનને ભાતીગળ સંસ્કૃતિના ટચ સાથે આદ્યુનિક બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. ભુજ રેલ્વે સ્ટેશનની આગળની દિવાલને માટી અને આભલા સાથે સુશોભિત કરવામાં આવશે. રેલ્વે સ્ટેશનના દેખાવને સમકાલીન અને સ્થાનિક સ્થાપત્ય કલા સાથે નવા રૂપરંગ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનને આદ્યુનિક બનાવવાનો પ્રોજેકટ પૂર્ણ થયો છે. હવે અમદાવાદ, સુરત, ભુજ સહિત રાજ્યના અન્ય રેલ્વે સ્ટેશનોના પુનઃ નિર્માણનું કાર્ય હાથ ધરાયું છે. ભુજને નવા અત્યાદ્યુનિક બસ સ્ટેશનની સાથે નવા રેલ્વે સ્ટેશનની પણ ભેટ નજીકના જ ભવિષ્યમાં મળશે.