ભુજ આશાપુરા મંદિરે ભક્તિભાવભેર પતરી પ્રસાદ ઝીલાયો

0
39

રોહા જાગીરના પુષ્પેન્દ્રસિંહના હસ્તે કરાઈ પતરીવિધિ : મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા : પતરી પ્રસાદ મળતા મંદિર પરિસર મા આશાપુરાના જયઘોષથી ગાજી ઉઠ્યું

ભુજ : અહીંના ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરા અનુસાર પતરીવિધિ કરવામાં આવી હતી. રોહા જાગીરના પુષ્પેન્દ્રસિંહએ પતરી ઝીલી મા આશાપુરાના આશિર્વાદ મેળવ્યા હતા.

પૌરાણિક પરંપરા અનુસાર ભુજના દરબારગઢ મધ્યે મોમાય માતાજીના આશિર્વાદ મેળવી ચામર પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી રોહા જાગીરના પુષ્પેન્દ્રસિંહ તેમજ અન્ય અગ્રણીઓ ચામરયાત્રા લઈ ભુજના આશાપુરા મંદિરે આવ્યા હતા. ઢોલ-શરણાઈના સૂર સાથે યાત્રા ભુજ મંદિરે પહોંચી હતી. મા આશાપુરાની આરતી અને પૂજનવિધિ બાદ પતરીવિધિ શરૂ કરવામાં આવી હતી. આસો સુદ આઠમના સપરમાં દિવસે ભુજ આશાપુરા મંદિરમાં ડાક અને ડમરૂના તાલ સાથે રાજ પ્રતિનિધિઓ માતાજી સમક્ષ ખોળો પાથર્યો હતો અને માતાજીના આર્શિવાદ સ્વરૂપે ગણતરીની મિનિટમાં પતરીનો પ્રસાદ મેળવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મા આશાપુરાના ખભા પર ખાસ ટપકેશ્વરીથી લઈ આવવામાં આવેલ પતરી વનસ્પતીનો પ્રસાદ રાખવામાં આવે છે. રોહા જાગીર પુષ્પેન્દ્રસિંહે ડામ ડમરૂના તાલ સાથે મા આશાપુરા સમક્ષ ખોળો પાથર્યો હતો. માતાજીના ખભા પર રહેલી પતરી ખોળામાં પડતા જ માતાજીનો જયઘોષ થયો હતો અને ઉપસ્થિત ભાવિકો ભાવવિભોર બન્યા હતા. મા આશાપુરા સમક્ષ કચ્છવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યા ભાવિક ભક્તો આશાપુરા મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. પતરીનો પ્રસાદ ઝીલવામાં આવતા સમગ્ર મંદિર પરિસર મા આશાપુરાના જયઘોષ અને જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.