ભોજાયના શખસે પિતાની બે જમીનનાં બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા

0
46

  • ૧૯૮૪માં પિતા મૃત્યુ પામ્યા બાદ હરિયાણાના શખ્સને જમીન વેંચી : તો કોર્ટમાં દિવાની દાવો કરી ગેરમાર્ગે દોર્યા

અલગ-અલગ લોકોને દસ્તાવેજ બનાવી આપ્યા બાદ પવનચક્કી કંપનીનું કામ બંધ કરાવતા ભાંડા ફુટયો

માંડવી : તાલુકાના ભોજાય ગામના શખ્સે ૧૯૮૪માં મૃત્યુ પામેલા પોતાના પિતાના નામે આવેલી બે જમીનનાંં બોગસ દસ્તાવેજ બનાવી હરિયાણાના શખ્સને વેંચી હતી બાદમાં તે જમીનનું દસ્તાવેજ રદ્દ કરી અન્ય જુદા જુદા લોકોને વેંચી હતી, થોડા સમય પુર્વે પવનચક્કી કંપનીનું કામ બંધ કરાવતા ભાંડા ફુટયો હતો અને પવનચક્કી કંપનીએ પુત્ર અને તપાસમાં જે નીકળે તેની સામે ગઢશીશા ફરિયાદ નોંધાવી હતી.ગઢશીશા પોલીસ મથકે રીન્યુએબલ એનર્જી એલ.એલ.પી. પ્રાઈવેટ લીમીટેડ કંપનીના લક્ષ્મણભાઈ ખુમાજી દવે (ઉ.વ.૪૦)વાળાએ મીયાજી ઈબ્રાહીમ મામદશા (રહે. ભોજાયા) અને તપાસમાં જે અન્ય નિકળે તેની સામે ફોજદારી નોંધાવી હતી. ર૦૧૯માં શંભુનાથસિંહ રાજપુતે કોટડી ગામની સર્વે નંબર ૧૪પ-૧ વાળી જમીન ખરીદી તેના પર કંપનીએ કલેકટર પાસેથી દરખાસ્ત મંજુર કરાવી પવનચક્કીનું કામ ચાલુ કરાવ્યું હતું. ર૦ર૦ની સાલમાં કામ પુર્ણ થયા બાદ ભોજાય ગામના મીયાજી ઈબ્રાહીમ મામદના તથા મીયાજી અલી નામના બે શખ્સો આવી કામ બંધ કરાવ્યુ હતું અને કહ્યું હતું કે આ જમીન અમારા પિતાજી મામદશા મીયાજીની છે જે ૧૯૮૪માં મરણ થયેલા છે તેના ખોટા બોગસ દસ્તાવેજ બનાવી તે જમીન મગનલાલ માલશી જાગાણીએ પોતાના નામે કરાવી લીધી છે તેમ કહી કામ બંધ કરાવ્યું હતું.
મીયાજી ઈબ્રાહીમ મામદશા અને મીયાજી અલી નામના શખસે જમીન મગનલાલ માલશી જાગાણીને ર૦૦૬ના વરસમાં બોગસ દસ્તાવેજની વેંચી દીધી હતી, બાદમાં મગનલાલે આ જમીન લક્ષમીચંદ પોપટલાલ પાસડ (રહે. મુંબઈ), બાદમાં કલ્પેશ મોહનલાલ ગાલા (રહે. મુબંઈ) અને સતીષલાલ ખીમજી શાહ (રહે. મુંબઈ)વાળા માલિક બન્યા હતા. બાદમાં વાંકી રીન્યુએબલ એનર્જીએ આ જમીન ખરીદી હતી. આ તમામ સામે ર૦ર૦ની સાલમાં માંડવી કોર્ટમાં દિવાની કેશ દાખલ કર્યો હતો, તો આ જમીન બાદમાં રઘુવીરસિંહ દીલુભા જાડેજાને પાવરનામું આપી દીધું હતું. આમ, જુદા જુદા લોકોને જમીન બોગસ દસ્તાવેજથી વહેચી છેતરપિંડી કરી તેમજ બે વર્ષથી પવનચક્કીનું કામ બંધ કરાવી નુકસાન પહોંચાડયાની અને કોર્ટને પણ ગેરમાર્ગે દોર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

૧૯૯૯ના દસ્તાવેજની ચકાસણી કરાતા પિતાની જગ્યાએ પુત્રનો ફોટો-સહીઓ નિકળી

પિતાજી મીયાજી મામદશાની માલિકની સર્વે નંબર ૧પ૪-૧વાળી જમીન ૧૯૯૯માં પુત્ર ઈબ્રાહીમ મામદશાએ ખોટી સહીઓ કરી, પિતાની જગ્યાએ પોતાનો ફોટો ચોંટાડીને મીઠનલાલ રામચંદ્ર (રહે. હરીયાણા)વાળાને વેંચી માંડવીની સબ રજીસ્ટર કચેરીએ દસ્તાવેજ કરાવ્યો હતો. જો કે ખરીદનાર હરીયાણાના ખેડુત ખાતેદાર હોઈ તેમના નામે જમીન થઈ ન હતી. જે દસ્તાવેજ ચકાસણી કરાવતા પિતાની જગ્યાએ પુત્રનો ફોટો અને સહીઓ હતી, તેમજ સાક્ષીમાં ભાણજી પુના સંઘાર અને જગશી શામજી વાળા હતા.