કાસેઝમાં ફરી સોપારી ચોરોએ પોત પ્રકાશ્યું : LCBએ કારસ્તાનનો કર્યો પર્દાફાશ

0
43

કંપનીના સિક્યુરિટી ગાર્ડને માર મારી તસ્કરો છોટાહાથીમાં ૯૦૦ કિલો સોપારી ભરી ગયા પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને રંગેહાથ પકડયા : અંદાજીત ત્રણેક લાખની સોપારીનો જથ્થો કરાયો જપ્ત : સ્ટોકની ગણતરી બાદ આજે કંપની દ્વારા વિધિવત નોંધાવાશે ફરિયાદ : સોયા કાંડમાં ચર્ચામાં રહી ચુકેલા મયુર તેમજ કિડાણા નામચીન શખ્સોની સંડોવણી ખુલી

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ખાસ કરીને ઝોન વિસ્તારમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કોલસાની ભેળસેળ, સોપારીની તસ્કરી તેમજ અગાઉ સોયાબીન અને કાજુકાંડ સહિતના મામલાઓ ચર્ચામાં રહી ચુકયા છે. ઝોનમાં આવેલી કંપનીઓમાંથી સુરક્ષા કર્મચારીઓને ફોડી લઈને ચોરી કરવામાં આવતી હોય છે, ત્યારે વધુ એક સોપારી કાંડ ચર્ચામાં આવ્યું છે જેમાં અગાઉ સોયાબીન કાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે ચિતરાયેલા મયુર અને તેની ગેંગની સંડોવણી ખુલવા પામી છે.જાણવા મળતી વિગતો મુજબ આજથી બે દિવસ પૂર્વે અમુક ઈસમો કિડાણામાં આવેલી કંપનીમાં ગેરકાયદે ઘૂસીને સોપારીની તસ્કરી કરતા હોવાની જાણ પોલીસમાં કરવામાં આવી હતી. આ તસ્કરોનો સૌથી પહેલા સિક્યુરીટી ગાર્ડે પ્રતિકાર કર્યો હતો. પરંતુ આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ગોડાઉનમાંથી છોટાહાથીમાં સોપારીની બોરીઓ ભરી નાખી હતી. કંપનીમાંથી છોટાહાથીમાં સોપારીની બોરીઓ ભરી આ તસ્કરો પલાયન થાય તે પહેલા જ ફિલ્મી ઢબે ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી આવી પહોંચી અને તાત્કાલિક બાતમીવાળા છોટાહાથીને રોકાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં છોટાહાથીમાં રહેલા સોપારીના જથ્થા બાબતે પુછપરછ કરતા તેમાં બેઠેલા ઈસમો કોઈ કબુલાત આપી શકયા ન હતા, જેથી પુછપરછ અંતે સામે આવ્યું કે, આ મુદ્દામાલ કંપનીમાંથી ચોરી કરીને આ લોકો આવી રહ્યા છે. જેથી કંપનીમાં જાણ કરવામાં આવી. જે બાદ સ્ટાફ દ્વારા સ્ટોકની ગણતરી કરી અત્યાર સુધી કેટલો મુદ્દામાલ ચોરી થયો છે તેનો કયાશ લગાવવામાં આવી રહ્યો છે અને આજે આ કેસમાં ફરિયાદ થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, આ સમગ્ર કારસ્તાન પાછળ મયુર અને તેની ગેંગનો હાથ હોવાની બાબત પણ સામે આવી છે. સમગ્ર ગેરપ્રવૃતિનો પર્દાફાશ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે.આ બાબતે પીઆઈ એમ. એમ. જાડેજાએ જણાવ્યું કે, કાસેઝમાંથી અમુક ઈસમો છોટાહાથીમાં ચોરાઉ સોપારીનો જથ્થો ભરી જતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે રેડ કરી તપાસ કરવામાં આવતા છોટાહાથીમાંથી ૯૦૦ કિલો સોપારી મળી આવી હતી. આ સાથે હમીર બકોત્રા સહિતના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. જયારે તપાસમાં સમગ્ર કારસ્તાન પાછળ કિડાણાના અમુક ઈસમો તેમજ ચોરાઉ સોયાના જથ્થામાં જેનું નામ ખુલ્યું હતું તે મયુરની સંડોવણી પણ હોવાનું પણ સામે આવી રહ્યું છે. અલબત આજે કંપની દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ આગળની તપાસ – તજવીજ હાથ ધરવામાં આવશે.

  • ઓસમાણ-ભુરીયા માટે વહીવટ થયો કે શુ?

ચોરોે ઝડપાયા તો માલ વેંચનાર-ખરીદનારના નામો કેમ બાકાત?ઉચ્ચ અધિકારી કરે તપાસ.!

ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીમાં વર્તમાન સમયે જાબાંજ અને નીડર તથા તટસ્થ અને તદન પ્રમાણિક અધિકારી શ્રી જાડેજા સેવારત છે. તેઓથી ધંધાવાળાઓ ભારે ગભરાટ અનુભવી રહ્યા છે. શ્રી જાડેજાનીધાક બેસાડતી કાર્યવાહી સોપારી ચોરોમાં પણ ફફડાટ ફેલાવનારી જ બની રહી છે.તેવામાં બીજીતરફ હવે જાણકારો દ્વારા સવાલ થઈ રહ્યા છે કે, કીડાણા પાસેથી જે સોપારી ચોરીની ફરીયાદ થઈ છે તેમાં બે શખ્સો પણ પકડાયા છે તો પછી ફરીયાદમાં માલ વેંચનારા અને માલ ખરીદનારાના નામો કેમ બાકાત રહી ગયા છે? જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં જો તપાસ કરવામા આવશે તો માલ લેનાર તરીકે ઓસમાણ અને માલ વેંચનાર તરીકે ભુરીયાનુ નામ ખુલી શકે તેમ છે. પરંતુ જાણકારો શંકા વ્યકત કરી રહ્યા છે કે, જો આ બેના નામોખુલશે તો મયુર સહિતના કુખ્યાત તત્વો સુધી રેલો લંબાઈ જાય તેમ છે અને એટલે જ આ બે શખ્સોના નામો ફરીયાદથી દુર રાખવાની દીશામાં કંઈક કુલડીમાં ગોળ ભંગાઈ ગયો હોવાની વકી દર્શાવાય છે. આ બાબતે જો ઉચ્ચ અધિકારી તપાસ કરશે તો જરૂરથી ખુલાસાઓ થવા પામી શકે તેમ છે.

  • હવે તો અધિકારીઓ ચેત્યા પણ
  • કંડલા-ઝોનમાંથી સોપારી નીકળી હોય તો પૂર્વ કચ્છમાં તો માત્ર ૪૧ વન-ડી જ કેમ થતી હતી ?

પોલીસ-કાસેઝ તંત્રની મેળવે મદદ : સોપારીના પરવાનાવાળા યુનિટોના સ્ટોક રજીસ્ટરની કરાવો ક્રોસ ચકાસણી : કઈ કંપનીમાથ સોપારીના જથ્થા આયાતના સ્ટોકની સામે ઓછા જણાય છે તેના લ્યો કડક પુછાણા
ગાંધીધામ : પૂર્વ કચ્છ એલીસીબીની ટીમ દ્વારા કીડાણા પાસેથી ગત રોજ સાંજે સોપારીના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડયા છે જાણકારો કહી રહ્યા છે કે, ઝોનમાથી જ આ સોપારી નીકળતી ઝડપાઈ હોય તો ૪૧-વન ડી માત્ર ન થવી જોઈએ. કાસેઝમાં આ સોપારીનો જથ્થો કોનો છે? ત્યાં સુધી તપાસ લંબાવી જોઈએ. પોલીસતંત્રએ કાસેઝ પ્રશાસનની મદદથી સ્ટોક વેરીફીકેશન કરાવી અને કઈ કંપનીનો સોપારીનો જથ્થો સ્ટેાક અનુસારનો નથી અથવા તો ઓછો જણાઈ રહ્યો છે તેવી કંપનીઓના ક્રોસ વેરીફીકેશન કરવા જોઈએ? સોપારી કાસેઝમાં કોઈ ઉગતી વસ્તુ તો છે નહી કે ઝાડ પરથી ઉપાડીને સેરવી લીધી? અથવા કોસેઝમાં કોઈ બાવળનીઝાડીઓમાં પણ આટલો મોટેા જથ્થો સેાપારીનો પડયો મળી આવતો હોય તે વાત પણ કોઈના ગળે ઉતરે તેમ નથી.૪૧- વન ડી માત્ર કરવી એટલે તો બીજા બારણેથી માલ જે-તે ચોર-તસ્કરોને જ સોપી દેવાની સગવડ કરી આપવાની વાત બની રહેશે તેમ જાણકારો માન રહ્યા છે. કારણ કે, આવામાં બીલો બહારથી નહી મેળવી લેવાય તેની શું ખાત્રી? પાછળથી રજુ થતા બીલોની ખરાઈ કરે છે કોણ? તે બીલો સાચા છે કે પછી અધરોઅધર જ મેળવી લેવાયા છે? નામદાર અદાલતમાં પણ આ બીલો બાબતે દલીલ કોણ કરશે? અદાલતમાં બીલો રજુ થશે તો માલ છુટી જશે અને તે પાછો ચોર ટોળકી સુધી જ પહોચી નહી જાય તેની શું ખાત્રી?