કચ્છની છ બેઠકોની આવતીકાલે સમીક્ષા થાય તે પહેલા ભાજપ હાઈકમાન્ડે ‘મૂરતિયાઓની’ની ‘કુંડળી’ કરી તૈયાર

0
48

ભાજપ કચ્છની છ વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડવા ઈચ્છુક અમુક દાવેદારોમાં ફેલાયો ઉચાટ

ખનિજચોરી, પવન ચક્કી કંપની ઉપર ખોટી રીતે દબાણ કે જમીન દબાણ વગેરે જેવા કરતૂતોમાં ખરડાયેલા કેટલાક દાવેદારોના પગ નીચેથી સરકી જમીન

કચ્છમાં સ્થાપિત ઉદ્યોગો પાસેથી છાસવારે ફંડ માંગવા દોડી જતા આગેવાનોથી મોવળી મંડળ ખફા હોવાની ચર્ચા

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે પહેલા તબક્કામાં કચ્છની છ બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે કચ્છભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કચ્છની છ વિધાનસભા બેઠકો કબ્જે કરવા મુખ્ય રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. બીજીતરફ વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છુક આગેવાનો – કાર્યકરોએ પોતાની દાવેદારી પક્ષના મોવળીમંડળ સમક્ષ નોંધાવી દીધી છે.ગુજરાતના રાજકારણમાં નવા ઉમેરાયેલા પરિબળ આમ આદમી પાર્ટીએ પોતાના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી નગારે ઘા મારી દિધો છે. જેમાં કચ્છની ત્રણ વિધાનસભા બેઠકો માંડવી, ભુજ અને રાપરના ઉમેદવારના નામો જાહેર કરી દેવાયા છે. કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં વ્યસ્તતાના કારણે પ્રદેશ કક્ષાએ ઉમેદવારોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા વિલંબમાં મુકાઈ હતી. તે પણ પૂર્ણ કરી લેવાઈ છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ પક્ષે કોઈ મુરતિયાના નામો જાહેર કર્યા નથી. તો બીજીતરફ કોંગ્રેસ ભાજપના નામો જાહેર થાય પછી પોતાના નામો જાહેર કરશે તેવું રટણ કરી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી મોવળી મંડળ અલગ જ મૂડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની નેજા હેઠળ ભાજપની બેઠકો સવારથી શરૂ થઈ ગઈ છે. જેમાં કચ્છ સહિત રાજ્યની વિવિધ વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામોની ફાઈનલ તૈયાર કરવા માટે ચર્ચા હાથ ધરાઈ છે. આજે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી નાખી છે. જેમાં કચ્છની છ બેઠકો પર પ્રથમ તબકકામાં પહેલી ડિસેમ્બરે મતદાન થશે.ર૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ૧પ૦ બેઠકો અંકે કરવાના લક્ષ્યાંક લઈ મેદાને ઉતરેલ ભાજપને કોંગ્રેસ દ્વારા જબરદસ્ત ટક્કર આપવામાં આવી હતી અને ૧૦૦ બેઠકો સુધી પહોંચવામાં ભાજપને મોઢે ફીણ આવી ગયા હતા. રાજ્યમાં સત્તાવિરોધ લહેર બનતી જોઈ મધ્યસત્રમાં જ ભાજપ હાઈકમાન્ડે વિજય રૂપાણી સરકારને વિખેરી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી કેબીનેટને કાર્યભાર સોંપ્યો હતો. જે રીતે રાજ્યની કેબીનેટમાં નો-રીપીટની થીયરી અપનાવવામાં આવી તે રીતે જ ર૦રરની ચૂંટણીમાં ભાજપ નો-રીપીટ થીયરી અમલમાં મુકી મોટાભાગે નવા ઉમેદવારોને મેદાને ઉતારશે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી, તો ક્યાંક પંચાસ ટકા જુના રીપીટ કરવાની થીયરીનો પણ અભ્યાસ ચાલી રહ્યો છે.મધ્યસત્રમાં લેવાયેલા અભૂતપુર્વ નિર્ણય બાદ વર્ષોથી વિધાનસભા ચૂંટણી લડવાનું સપનું જોઈ રહેલા ભાજપના બીજી હરોળના આગેવાનોએ પોતાનો દાવો પણ મોવડી સમક્ષ કર્યો છે. કચ્છની છ બેઠકોની વાત કરીએ તો આ વખતે ટિકિટ વાચ્છુક દાવેદારોનું લાંબુ લિસ્ટ તૈયાર થયું છે. દરેક બેઠક પર ટિકિટ માટે દાવેદારી કરનારાઓની સંખ્યા અનેકગણી વધી છે.આજે સવારથી શરૂ થયેલી પ્રદેશ ભાજપની બેઠકમાં કચ્છની વિધાનસભા બેઠકોનું કાલે ચર્ચા થશે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોવળી મંડળ ઉમેદવારોની પસંદગીમાં ખૂબ સતર્કતા પૂર્વક આગળ ધપી રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડે ટિકિટની માંગણી કરનારાઓની ભૂતકાળની કામગીરીનો છૂપો સર્વે હાથ ધર્યો હતો. કચ્છમાં ઔધોગીક વિકાસ બાદ બદલાયેલા સંજોગોને ધ્યાને લઈ ઉમેદવારોની પસંદગીમાં ભાજપ મોવળીમંડળ ચીવટ રાખી રહ્યું છે. ભૌગોલિક સંપતિથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં ખનિજચોરીનું મોટાપાયે ષડયંત્ર ચાલી રહ્યું છે. સત્તાપક્ષના કેટલાક મોટામાથાઓ ખનિજચોરી જેવા કારસામાં સંડોવાયેલા હોવાનું ભાજપ મોવળી મંડળની જાણમાં આવ્યું છે. આધારભૂત સુત્રો જણાવે છે કે, ખનિજચોરી ઉપરાંત પવન ચક્કી કંપનીઓ કરવામાં આવતી કનગડત સહિત જમીન દબાણ, ગૌચર દબાણ જેવી પ્રવૃત્તિઓમાં પણ કચ્છના કેટલાક રાજકીય આગેવાનોની ભુંડી ભૂમિકા રહી છે. બેદાયકા અગાઉ બે કોડીની પણ ન ગણાતી કચ્છના અંતરિયાળ વિસ્તારોની જમીન આજે કરોડોની બની છે, ત્યારે ગેરકાયદેસર જમીન દબાણ અને સરકારી પડતર જમીન કે ગૌચર જમીન પર દબાણની પ્રવૃતિએ હદ વટાવી છે, તો ખનીજની સાથે કંપનીઓના નાક દબાવા સહિત અનેક ફરિયાદો ભાજપ મોવડી મંડળ ટિકિટ માંગણી કરનાર દાવેદાર આવી કોઈ કૌભાંડમાં સંડોવાયેલ છે કે કેમ તેની વિગતો એકત્ર કરી હતી.વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ઔધોગિક વિકાસ થયો છે અનેક મહાકાય ઉદ્યોગો કચ્છમાં ધમધમી રહ્યા છે. આવા ઉધોગજૂૂથો પાસેથી રાજકીય આગેવાનો દ્વારા છાશવારે વિવિધ બહાનાઓ હેઠળ ફંડ ઉઘરાવવામાં આવે છે. અમુક માથાભારે રાજકીય અગ્રણીઓ વારે – તહેવારે કંપનીઓ પાસે મસમોટા ફંડ ઉઘરાવતા હોવાની ફરિયાદ પણ ઉદ્યોગજૂથોમાંથી ઉઠી છે. ભાજપ હાઈકમાન્ડે તમામ ફરિયાદોની નોંધ લઈ આગળ ધપી રહ્યું છે. ભાજપ પાસેથી ટિકિટ માંગનાર દાવેવારોની ‘કુંડળીઓ’ તૈયાર થઈ ગઈ છે.ભાજપ હાઈકમાન્ડના આકરા તેવરથી કચ્છના અમુક દાવેદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. વિધાનસભા ચૂંટણી લડવાનું વર્ષોથી સજાવેલું સ્વપ્ન ફરી એક વખત રોળાઈ જવાની ભીતિ અમુક દાવેદારોને સતાવી રહી છે.ભાજપ હાઈકમાન્ડ પણ સ્વચ્છ અને સાફ સુથરી છબી ધરાવનાર ઉમેદવારોને તક આપવાની નીતિ સાથે આગળ ધપી રહ્યું છે. ત્યારે ભારે ઉપાડે ટિકિટની દાવેદારી કરનાર કેટલાક મુરતિયાઓને પોતાનું પત્તુ કપાઈ જવાનો અહેસાસ થઈ ચુકયો છે તેવું હાલે ચર્ચાઈ રહ્યું છે.