ભચાઉ ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
25

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્રારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૫૦ લાખ આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયો હતો. જે પૈકી ભચાઉ તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન ભચાઉ શ્રી લેવા પાટીદાર બોર્ડીંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

       આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આયુષ્માન યોજના અંતર્ગત સરકારે જન જનનાં આરોગ્યની દરકાર કરી છે. જેનો લાભ અનેક લોકોને મળી રહ્યો છે.

        આ તકે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.નારાયણ સિંહએ સ્વાગત પ્રવચનમાં તાલુકાના તમામ લાભાર્થીઓને કે.વાય.સી. કરી કાર્ડ વિતરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાનું જીવંત પ્રસારણ સૌ એ નિહાળ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ પટેલે કર્યું હતું.

        આ કાર્યક્રમ દરમિયાન ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મઘીબેન વાવિયા, ભચાઉ નગરપાલિકાના પ્રમુખશ્રી કલાવંતીબેન જોષી, મામલતદારશ્રી પાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોલંકી, તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ, સરપચંશ્રીઓ, મેડીકલ ઓફિસરશ્રીઓ, આરોગ્યકર્મીઓ, આશાબહેનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.