સ્વાઈનફલુથી ૪૮ વર્ષિય પુરૂષનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ

આ વર્ષે સ્વાઈન ફલુથી ૯ લોકોના થયા મોત તો એચ-૧એન-૧ પોઝિટવનો કુલ આંક ૧૧૧ : ભુજની ખાનગી હોસ્પિટલમાં ૪૮ વર્ષિય પુરૂષે સારવાર દરમિયાન તોડ્યો દમ

ભુજ : કચ્છમાં સવાર-સાંજ ઠંડીનો વર્તારો અનુભવાય છે અને ભરબપોરે કાળઝાળ ગરમીનો સામનો લોકોને કરવો પડે છે ત્યારે જિલ્લામાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મેરેલિયા સહિતના ચેપી રોગોએ માથું ઉચક્યું છે. તેની સાથે જ સ્વાઈન ફલુના વધતા જતા કેસો પણ અટકવાનું નામ લેતા નથી. તેવામાં શનિવારે પણ સ્વાઈન ફલુના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે આજે સવારે સ્વાઈન ફલુના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૪૮ વર્ષિય પુરૂષે દમ તોડી દિધો હતો. ભુજના આરટીઓ પ્લોટ નંબર ૩૦માં રહેતા ૪૮ વર્ષિય પુરૂષનો સ્વાઈનફલુ રિપોર્ટ ગત ૧૪મી નવેમ્બરે પોઝિટીવ આવ્યો હતો અને તેમને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજે સવારે દમ તોડી દીધો હતો. આ મૃત્યુની સાથે જ આ વર્ષે સ્વાઈન ફલુના કારણે ૯ લોકોના મોત નિપજી ચુકયા છે. પરંતુ સ્વાઈન ફલુ અટકાવનું નામ નથી લઈ રહ્યું શનિવારે બે મહિલાઓ અને એક આધેડ સ્વાઈન ફલુનો ભોગ બન્યા હતા. નોંધાયેલા ત્રણ કેસો પૈકી ભુજની બે મહિલાઓ અને ભુજોડીના આધેડને સ્વાઈન ફલુ પઝિટિવ નોંધાયો હતો.
ભુજની સ્વામીનારાયણ સ્કુલ નજીક રહેતી ૪૪ વર્ષિય તેમજ ૩૦ વર્ષિય મહિલાઓને સ્વાઈન ફલુ પોઝીટીવ ડીટેક્ટ થયો હતો. આ બન્ને મહિલાઓને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યારે ભુજોડીના ૫૨ વર્ષિય આધેડને સ્વાઈન ફલુ પોઝીટીવ નોંધાયો હતો. તેમને પણ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સ્વાઈન ફલુના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૧૧ પર પહોંચ્યો છે.

માંડવીના યુવક સાથે ૧ર લાખની છેતરપીંડી કરતા આઈબીના પીએસઆઈ સહિત પાંચ સામે ફોજદારી

માંડવી : તાલુકાના નાગલપર ગામે રહેતા અને કન્ટ્રક્સનનો વ્યવસાય કરતા યુવકને એકના ડબલ કરી આપવાની સ્કીમની લાલચ આપી ૧ર લાખ લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરતા આઈબીના પીએસઆઈ સહિત પાંચ શખ્સો સામે ફોજદારી નોંધાવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દેવરાજ ખિમજી હિરાણી (પટેલ) (ઉ.વ. ૩૪, રહે. નાગલપર તા. માંડવી)ની ફરીયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, વિશ્વવાસઘાત ઠગાઈનો બનાવ માર્ચ ર૦૧પથી ર૪-૧૦-૧૮ દરમ્યાન ખાખીવાળો મસ્કા રોડ માંડવી મધ્યે બનવા પામ્યો હતો. આરોપી અકબરશા અલીશા સૈયદ (રહે. કોડાય તા.માંડવી) તથા ભરત મહેશ્વરી (રહે. કોડાય તા.માંડવી)એ તેઓને એકના ડબલ કરી આપવા રૂપિયા ૩ લાખ લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરી રૂપિયા પરત આપેલ નહી જ્યારે આરોપી મામદ જત (રહે. જતનગર તા.માંડવી) સલીમ કોરેજા તથા માંડવી આઈબીના પીએસઆઈ એસ. ડી. વૈષ્નવે તેઓને ર૦૧પના ૩લાખની નીલીનોટીનો કેસ દેશદ્રોહનો કેસ છે. જેમાં ૧૧ વર્ષની જેલ થશે તેવા ભયમાં મુકી અલગ અલગ તારીખ સમય અને સ્થળે ત્રણ તબ્બકામાં રૂપિયા નવ લાખ બળજબરીથી કઢાવી લઈ આ વાત કોઈને કરીશ તો જાનથીમારી નાખવાની ધમકી આપી હતી અને તેઓ સામે તમામ આરોપીઓએ કુલ ૧ર લાખની વિશ્વાસઘાત છેતરપીંડી કરી બળજબરી પૂર્વક કઢાવી લેતા માંડવી પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૪બી, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ હેઠળ ગુન્હોનોંધી ઈન્ચાર્જ પી.આઈ. એમ.એન. ચોહાણે તપાસ હાથ ધરી હતી.

રાપરના સઈમાંથી ર૧.૪૩ લાખનો શરાબ ઝડપાયો

બાતમીના આધારે પોલીસે ખંડેર મકાનમાં માર્યો છાપો : આરોપી ફરાર

 

ગાંધીધામ : રાપર તાલુકાના સઈ ગામે ખંડેર મકાનમાં સ્થાનિક પોલીસે છાપો મારી મકાનમાં સ્થાનિક પોલીસે છાપો મારી ર૧,૪૩,૮૦૦નો શરાબ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
રાપર પોલીસ મથકના ઈન્સ્પેકટર આર.એલ. રાઠોડે વિગતો આપતાં જણાવેલ કે, બોર્ડર રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલા તથા પૂર્વ કચ્છ એસ.પી. પરિક્ષીતા રાઠોડ તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ, જુગાર જેવી બદીઓ નેસ્ત નાબુદ કરવા તેઓ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમીના આધારે સઈ ગામે ખંડેર મકાનમાં છાપો મારી સઈ ગામે રહેતા અજીતસિંહ ગેમરસિંહ જાડેજાએ મંગાવેલા ભારતીય બનાવટના વિદેશી શરાબની બોટલો નંગ પરર૦ (પેટી નંગ ૪૩પ) કિ.રૂા. ૧૮,ર૭,૦૦૦ તથા બીયરની પેટી નંગ ૧૩ર, ટીન નંગ ૩૧૬૮ કિ.રૂા. ૩,૧૬,૮૦૦ કિ.રૂા. ર૧,૪૩,૮૦૦નો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો.
દારૂની ડિલિવરી માટે રાખેલા યાહામા મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર બીએ ૪પ૧૧ કિ.રૂા. ર૦,૦૦૦ મળી આવતાં ર૧,૬૩,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ રેઈડ દરમ્યાન નાસી છુટેલા આરોપી સામે તેઓએ સરકાર તરફે ફોજદારી નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી પકડાયેથી શરાબનો જથ્થો કયાંથી મેળવેલ અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે સપાટી પર આવી શકે તેમ છે.
જથ્થો પકડી પાડવાની કામગીરીમાં તેઓ સાથે પીએસઆઈ એન.વી. રહેવર તથા સ્ટાફના સામત બરાડિયા, નથુપુરી ગૌસ્વામી, ખીમજી આહિર, જેઠાભાઈ મુસાર, પ્રકાશ આહિર, પ્રવીણ રબારી, સેંઘાજી પરમાર, પ્રકાશ દેલહાણિયા, જેસર ડાભી, રાજેશસિંગ જાદવ, અમરસિંહ મોરી, કિશોર પરમાર, ઈન્દુબેન જોષી, જસીબેન આહિર, રંજનબેન પ્રજાપતિ, હેતલ દેસાઈ વિગેરે જોડાયા હતા.

આદિપુરમાં લુંટારૂઓના હાથે ઘવાયેલા આધેડનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો

અજાણ્યા આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦રનો કરાયો ઉમેરોઃ હત્યારા હજુ સુધી પકડાયા નથી, તપાસ ચાલુમાં હોવાનું જણાવતા પીએસઆઈ લાબરીયા

 

ગાંધીધામ : શહેરના જનતા કોલોની સામે આધેડ ઉપર અજાણ્યા બે શખ્સોએ છરીથી હુમલો કરી ૧પ હજારના મોબાઈલની લુંટ કરી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલ આધેડે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભીમાભાઈ કાનાભાઈ આહીર (ઉ.વ.પર) ગત તા. ૧૭-૧૧-૧૮ ના રાત્રીના રેલ્વે સ્ટેશન નજીક જનતા કોલોની સામે હતા ત્યારે અજાણ્યા બે લુંટારૂઓ ત્રાટકયા હતા અને છરી વડે ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ૧પ હજારનો મોબાઈલ લુંટી ફરાર થઈ ગયા હતા. ભોગગ્રસ્ત ભીમાભાઈને હોસ્પિટલમાં દાખલ કરાતા તેમની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જયાં તેમનું મોત થયું હતું. આ બાબતે આદિપુરના પીએસઆઈ વી.બી. લાબરીયાનો સંપર્ક સાધતા હુમલો કરી મોબાઈલ લુંટી ફરાર થઈ ગયેલા અજાણ્યા બે શખ્સો સામે આઈપીસી કલમ ૩૦ર નો ઉમેરો થવા કોર્ટને રિપોર્ટ કરેલ છે જયારે લુંટારૂ હત્યારાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરેલાનું જણાવ્યું હતું. હજુ સુધી કોઈ આરોપી હાથમાં આવેલ ન હોવાનું જણાવ્યું હતું.

કચ્છના અછત નાયબ કલેકટર હાજર ન થતાં નવા ના.કલેકટરની નિમણુંક

સરકાર દ્વારા અગાઉ ના.કલેકટર અછત તરીકે હાજર ન થયેલા એસ.કે. પંચાલની બદલી કરી રદ્દ : હવે તેમના સ્થાને નર્મદાના સ્ટેમ્પ ડ્યુટી કલેકટર એન.યુ. પઠાણની કરાઈ નિમણુક : સોમવારે વિધિવત સંભાળશે ચાર્જ

 

ભુજ : સંકટ સમયે સરકારને દાદા ન આપતા અને બદલી બાદ પણ મૂળ સ્થળે હાજર ન થતાં અધિકારીઓ સામે શું કાર્યવાહી કરશે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં સૌથી પહેલા મુખ્યમંત્રી દ્વારા કચ્છમાં અછત જાહેર કરવામાં આવી હતી અને મોડે મોડે ૩૮ કર્મચારીઓની અછત માટે નિમણુક પણ કરાઈ હતી.
કર્મચારીઓ તો બદલીના સ્થળે હાજર થઈ ગયા પરંતુ જેમને શીરે કચ્છની અછતની જવાબદારી હતી તેવા ના. કલેકટર છેલ્લે સુધી હાજર ન થયા છેવટે સરકારે તેમની બદલી રદ્દ કરીને નવા નાયબ કલેકટરની નિમણુક કરવી પડી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, અમુક અધિકારીઓ સરકારની પણ સાંભળતા નથી. અગાઉ કચ્છમાં અછત નાયબ કલેકટર તરીકે સરદાર સરોવર પુનવર્સવાટ વિભાગ વડોદરાના એસ.કે. પંચાલની નિમણુક કરી હતી, પરંતુ એકાદ માસ બાદ પણ હાજર ન થતાં ગઈકાલે સરકારે નર્મદા જિલ્લાના સ્ટેમ્પ ડ્યુટી કલેકટરને કચ્છના અછત નાયબ કલેકટર તરીકે નિમણુક કરી છે અને સોમવારે ચાર્જ સંભાળશે.

મુળ માંડવીના નાયબ કલેકટર દમયંતિ બારોટને નિવૃતિ લેવા સરકારનું દબાણ

હાલ મોરબીમાં નાયબ કલેકટર તરીકે બજાવે છે ફરજ : ટંકારામાં મામલતદાર તરીકેની ફરજ દરમ્યાનનું કથિત જમીન કૌભાંડ ધણધણ્યું

 

દમયંતિ બારોટની જીએએસ વોટ્‌સએપ ગ્રુપમાં કોમેન્ટ : આના કરતા તો મરી જવું સારૂં
ભુજ : ફરજીયાત નિવૃતિ માટે દબાણ કરતા તાજેતરમાં દમયંતિ બારોટે જીએએસ કેડરના વોટસએપ ગ્રુપમાં આ પ્રકારની કોમેન્ટ કરી છે જેથી આ મુદ્દો ચર્ચાને ચકડોળે ચડ્યો છે. હાલ તો દમયંતીબેન બારોટની હાલત વગર ખાતાના પ્રધાન જેવી છે. મોરબીમાં આમથી તેમ ફંગોળાઈ રહેલા દમયંતીબેન બારોટે જીએએસ કેડર ગ્રુપમાં પોતાનો વાંક ન હોવા છતાં સરકાર તરફથી હેરાનગતિ થતી હોવાથી નાલેશી ભરી જિંદગી જીવવા કરતા તો મૃત્યુ સારૂં તેવી સ્ફોટક કોમેન્ટ શાયરાના અંદાજ કરતા હાલ સમગ્ર રાજ્યના ગુજરાત કેડરના અધિકારીઓમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

 

 

કચ્છના વિવાદીત પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા માંડવીના મહિલા અધિકારીને ડુબાડશે ?
ભુજ : આ જમીન કૌભાંડ વર્ષ ર૦૦પની આસપાસ થયું હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે પ્રદિપ શર્મા રાજકોટના કલેકટર હતા અને મોરબી જિલ્લો ત્યારે રાજકોટથી અલગ થયો ન હતો ત્યારે ટંકારાના મામલતદાર તરીકેની ફરજ દરમ્યાન આણંદપર ગામની બ્રાહ્મણની વિવાદિત જમીન પ્રકરણમાં તત્કાલીન કલેકટર પ્રદિપ શર્માની સુચનાથી જ સરકારનું હિત ડુબાવવા મામલે દમયંતિબેન બારોટ સામે છેલ્લા લાંબા સમયથી ખાતાકીય તપાસનો દોર ચાલી રહ્યો છે અને જમીન કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા બહાર આવતી હોવાથી સરકાર દ્વારા તેમના પર નિવૃતિ માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે, એટલે વિવાદોમાં ઘેરાયેલા અને સરકાર સામે જંગે ચડેલા કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા માંડવીના મહિલા અધિકારીને પણ ડુબાડશે તેવું લાગી રહ્યું છે. બ્રાહ્મણની વિવાદી જમીન કલેકટરના આદેશથી જ અપાઈ હોવાનો આક્ષેપ દમયંતિબેન બારોટ દ્વારા કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

 

ભુજ : કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ જમીન કૌભાંડો બહાર આવતા રહે છે. કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓની મિલીભગત પણ બહાર આવતી રહી છે ત્યારે મુળ માંડવીના અને હાલે મોરબીના ડેપ્યુટી કલેકટર દમયંતી બારોટને ફરજીયાત નિવૃતિ કરવાનો મામલો ચર્ચાના ચકડોળે છે.
છેલ્લા થોડાક વર્ષોથી તેઓને સરકાર એકથી બીજી જગ્યાએ ફંગોળી રહી છે અને ફરજીયાત
નિવૃતિ લેવા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ટંકારા જમીન વિવાદમાં તેમના પર ખાતાકીય તપાસ ચાલી રહી છે. એ દરમ્યાન દમયંતિબેન બારોટને દોષિત માનવામાં આવ્યા હોવાનું જજાણવા મળે છે. પરિણામે તેમને ફરજીયાત નિવૃતિ લેવા માટે પણ દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે.

દેશલપર નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

કારે ટક્કર માર્યા બાદ ટ્રક ફરી વળતાં સર્જાઈ કરૂણાંતિકા : ભીમપરમાં યુવાનના મોતથી અરેરાટી

 

ભુજ : તાલુકાના દેશલપર ગામે ક્રિકેટ મેદાન સામેના રોડ પર કારે બાઈકને હડફેટે લેતાં બાઈક ચાલક રોડ પર ફંગોળાઈ ગયેલ તે જ વખતે તેના પર ટ્રક ફરી વળતાં કમકમાટી ભર્યું મોત થયું હતું. પોલીસે બંને વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વનરાજસિંહ તખુભા જાડેજા (રહે ભીમપર, તા. અબડાસા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવેલ કે, જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ ગત રાત્રીના પોણા નવ વાગ્યે બનવા પામ્યો હતો, તેઓના પિતરાઈ ભાઈ રામદેવસિંહ જોરૂભા જાડેજા પોતાની મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર બીઈ ૩૪૮૯ પ,ર આવતા હતા, ત્યારે સ્વીફટ કાર નંબર જી.જે. ૧ કે.જી. ૩૮ર૪ના ચાલકે હડફેટે લઈ રોડ પર પાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, બરાબર આજ સમયે ટ્રક નંબર જી.જે. ૧ર એક્સ ર૦૩પના ચાલકે રામદેવસિંહ પર ચડાવી દેતાં ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર મોત આંબી ગયું હતું. માનકૂવા પોલીસે બંને વાહન ચાલકો સામે ફેટલ એક્સિડેન્ટનો ગુનો નોંધી હેડ કોન્સ. માધુભા જાડેજાએ તપાસ હાથ ધરી હતી.

વિજયભાઈ, હવે કચ્છમાં સર્જો જળક્રાંતિ

જામનગરના જોડીયામાં ખારાપાણીને મીઠું કરવાના પ્રકલ્પના ખાતમુહૂર્ત ટાંકણે સૂચક સંકેત

 

 

જામનગર-રાજકોટના અંતરીયાળ ગામડાઓને ખારાજળને મીઠું બનાવાની યોજનાથી નંદનવન કરવાની માફક જ છેવાડાના અંતરીયાળ કચ્છ જિલ્લામાં પણ ડીસેલીનેશ પ્લાન્ટની છે પૂરેપુરી સક્ષમતા, સજજતાઃ ભદ્રેશ્વરથી માંડવી દરીયાઈ પટ્ટો ખારાપાણીને મીઠું બનાવવા માટે આદર્શરૂપ : સરકાર તરફથી આ પટ્ટામાં ડીસેલીનેશન પ્લાન્ટને માટે ૭ જેટલી સાઈટ પણ થઈ ચૂકી છે આઈડેન્ટી- ફાઈ : જરૂર છે માત્ર ટીમ વિજયભાઈ જેવી સમર્પિત નેતૃત્વશકિતની..!

 

ગુજરાત સરકારના પ૦ એમએલડીના વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટને જોડીયામાં દરીયાઈ-ટાપુ ક્ષેત્ર હોવાથી ખારાશ-કચરો વધુ પડતો હોવાથી પ્લાન્ટની કોસ્ટીંગ જઈ શકે છે ઉંચી, છતાં પણ પ્લાન્ટ આયોજન અનુસાર સફળ થાય તો કચ્છમાં પણ કરાવી જોઈએ તેની અમલવારી : ભદ્રેશ્વરનો તો દરીયો ઓપન સી છે..અહીં તો ખર્ચો પણ જોડીયાના પ્રમાણમાં ઘણો ઓછો આવશે : ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસો. (ફોકીયા)સહિતની કચ્છમાં કાર્યરત ઔદ્યોગીક સંસ્થાઓનો આવા પ્રોજેકટને માટે લેવો જોઈએ સહયોગ : કચ્છમાં કાર્યરત એકમો ડીસેલીનેશન પ્લાન્ટ માટે આર્થિક મદદ ખુલ્લા હાથે કરવા આવી શકે છે આગળ

 

 

જો જો..જોડીયામાં ન થાય દહેજવાળી!
દહેજ પ્લાન્ટના ફિયાસ્કાથી દેશ-વિદેશમાં થઈ છે ફજેતી
ગાંધીધામ : જોડીયામાં ગુજરાત સરકાર દ્વારા જે પ૦ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાહેરાત બાદ તાજેતરમાં જ ખાતમુર્હત પણ કરી દેવામા આવ્યુ છે ત્યારે આ ક્ષેત્રના જાણકારો દ્વારા સ્પષ્ટ કહેવામા આવે છે કે, જોડીયામાં પણ ફરીથી દહેજવાળી ન થાય તેની ધ્યાન રાખજો. કારણ કે જોડીયામાં આ પ્રોજેકટ સફળ થવાની શકયતાઓ સામે સવાલો ખડા થવા પામી રહ્યા છે. જો એમ થશે તો વધુ એક વખત દેશ-વિદેશ કક્ષાએ પણ ગુજરાતની પ્રતિષ્ઠાને માટે સવાલો ખડા તો કરવામા આવશે જે. નોધનીય છે કે, દહેજમાં પણ ગુજરાત સરકાર દ્વારા હીટાચી જેવી કંપનીની સાથે કરાર કરાયો હતો. જાપાનની કંપની સાથે કરાર કરાયો હતો. પરંતુ દેહેજમાં અતીશય ખારાશના લીધે પ્લાન્ટ મારફતે મળનાર પાણીની કોસ્ટીંગ અતિશય ઉચી આવી જતા આ પ્રોજેકટ ફેલ થયો હોય તેમ પ્રથમ ગ્રાક્ષે મક્ષીકા જ લાગી ગઈ હતી અને રપથી ૩૦ કરોડના રોકાણ ખર્ચા બાદ વિદેશી કંપનીને પણ અડધેથી પાછુ ફરવાની ફરજ પડી હતી. તે પછી જાપાનની હીટાચી કંપનીએ સહજ રીતે જ ઈન્ટરનેશલ કક્ષાએ પ્રોપોગાન્ડા કર્યો જ હોય કે રોકાણ માટે ગુજરાતમાં જવા જેવુ નથી અને કોઈ પણ કંપની ખોટના ધંધા તો નહી જ ચલાવી લે. ત્યારે જોડીયામાં પણ ભલે વિદેશી કંપનીને કામ નથી અપાયુ પરંતુ તેવી જ રીતે ખારાશપટ્ટ અને ટાપુ જેવા વિસ્તારમાં પ્લાન્ટ મુકવાનો નિર્ણય ફરીથી કયાંક ફજેતી ન કરાવી જાય તેવી લાલબત્તી પણ આ તબક્કે ધરવામા આવી રહી છે.

 

કચ્છના રાજકારણીઓ પણ કંઈક તો
જાગો..! હજુ કેટલા રહેશો ઘોર નીંદ્રામાં..!

ગાધીધામ : ગુજરાત સરકાર કચ્છને માંગ્યુ આપી રહી છે. જરૂરી છે માત્ર સચોટ, અભ્યાસપૂર્વકની યોગય રજુઆત કરવાની. ડીસેલીનેશન પ્લાન્ટ કચ્છમાં સ્થપાઈ શકે તેવી પુરતી શકયતાઓ સેવાયેલી છે છતા પણ કચ્છની નેતાગીરી જાણે કે ઉંઘી જ રહી હોય તેવો તાલ છે. પ્રબુદ્ધવર્ગમાથી એટલે જ કચવાટ સામે આવી રહ્યો છે કે,કચ્છના રાજકારણીઓ કંઈક તો જાગો. આ જીલ્લામાં કુદરતના રીસામણા તો સદાય રહેતા જ હોય છે. અવાર નવાર દુષ્કાળના ડાકલા વાગતા જ રહે છે. દરીયાનુ ખારૂપાણી મીઠું કચ્છમાં સરળતાથી બની શકે તેમ છે. પરંતુ કોઈ પણ રાજકારણીને જાણે કે આવી સરળ અને સહજ વાત સમજમાં આવતી જ ન હોય તેવો તાલ છે. ફકત એકબીજાને પછાડવામાં સમય રાજકારણીઓ વેડફી રહ્યા છે. કચ્છની પ્રજા માટે કઈક કાયમી ઉકેલ પાણીને લને લાવવા જેવી શકિત દેખાડાતી નથી કે પછી ગતાગમ નથી? એ જ સમજાતુ નથી. પરંતુ હવે બાજુના જિલ્લાઓમાં જયારે તેવો જ નેત્રદીપક વિકાસ થઈ રહ્યો છે તેને જોઈને તો કંઈક શીખો..!

 

ગાંધીધામ : કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી-કટોકટી નિવારવાની દિશામાં ગુજરાત સરકાર વર્તમાન સમયે વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે જેના ભાગરૂપે જ દરીયાના ખારા પાણીને મીઠુ બનાવી અને તેનો રચાનાત્મક ઉપયોગ કરવામા આવે તે દીશામાં પણ એક મહત્વકાંક્ષી પ્રોજેકટ જામનગરના જોડીયામાં સરકાર સ્થાપી રહી હોવાની ખુદ મુખ્યપ્રધાને આજે વીધીવત જાહેરાત કરી છે. પ૦ એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહી સરકાર સ્થાપશે અને તેમાથી સૌરાષ્ટ્ર-કચ્છને જરૂરીયાત મુજબ પાણી ફાળવાશે તેવુ આયોજન કરી રહ્યુ છે અને તેની અમલવારીના ભાગરૂપે જ આજરાજ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આ પ્રોજેકટ-યોજનાનું જામનગરના જોડીયામાં ખાતમુર્હત પણ કરી દીધુ છે. અને આજના દીનને ગુજરાતના ઈતિહાસનો સુવર્ણ દીવસ શ્રી રૂપાણીએ લેખાવ્યો છે. દરીયાનુ ખારૂ પાણી મીઠું કરવાના પ્લાન્ટને સફળતા મળશે તો રાજયના પાણી તરસ્યા મુલકોને માટે એક દીવાદાંડીરૂપ પહેલ જ કહેવાશે. જોડીયાના પ્લાન્ટમાથી જામનગર અને રાજકોટના અંતરીયાળ ગામડાઓને ચોખુ પાણી મળતુ થઈ જશે અને સંભવત સરકારના આયોજન અનુસાર પાણીની લાઈન મારફતે કચ્છને પણ આ યોજનાનો સુચિત લાભ અપાવવાની વિચારણા કરવામાં આવી છે. વિજયભાઈની કોઠાસુઝ, માળખાગત સુવિધાઓ અને તેમાય પાણી ક્ષેત્રના કામોને આપેલી લીલીઝડી તથા ત્વરીત નિર્ણય શકિત શાબાશીને જ કાબેલ છે તેઓ દ્વારા પાણીને લઈને જે પ્રયાસો અગમચેતીના ભાગરૂપે કરાયા છે તેને અભિનંદન જ આપવા ઘટે.
પરંતુ બીજીતરફ પાણી ક્ષેત્રના જ્ઞાતાઓ દ્વારા એક એવી પણ સુચક ટહેલ આજ રોજ ફરીથી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ કચ્છથી રૂબરૂ થવા આ જિલ્લાના આવતીકાલે મહેમાન બનનાર છે ત્યારે મુકી રહ્યા છે કે, જામનગરના જોડીયામાં ૧૦૦ એમએલડી વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટ મુકાયો છે તેવો જ ૧પ૦ એમએલડીનો હકીકતમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાનટ કચ્છમાં ફાળવવા યુદ્ધના ધોરણે વિચારણા કરવી જોઈએ.આ બાબતે જળક્ષેત્રના અભ્યાસુ-અનુભવી લોકોની વાત માનીએ તો હકીકતમાં જે પ્લાન્ટ ગુજરાત સરકાર દ્વારા જામનગરના જોડીયા ખાતે સ્થાપાનો વિચાર કરાયો છે તે ૧પ૦ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવો જ પ્લાન્ટ કચ્છ તરફ લાવવાની જરૂર છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તમામ મોરચે સફળ અને સરળ તો જ બને કે તે ઓપન સી ખુલ્લા દરીયામાં સ્થાપવામા આવે. આ ઉપરાંત ટાપુ કે ક્રીક એરીયાઓ હોય ત્યા ન સ્થાપવામા આવે. તેની કોસ્ટીંગ નીચી લાવવી હોય તો ક્રીક ખાડી એરીયાથી દુર અને ટાપુ જેવા વિસ્તારોથી પણ અલગ સ્થાપના કરવી જોઈએ. તો દરેક રીતે પોષક પુરવાર થઈ શકે તેમ છે. ગુજરાત સરકાર દ્વારા જોડીયા પાસે વોટર ડીશેલીનેશન પ્લાન્ટ એટલે કે દરીયાનું ખારૂ પાણી મીઠું કરવાનો પ્રોજેટક સ્થાપવાનો પ્રયાસ કરાયો છે તે આવકારદાયક છે પરંતુ તેના આયોજન અને પૂૃવ તૈયારી કે સર્વેમાં કયાંક ને કયાંક મોટી કચાશ રહી ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે.
આ પ્લાન્ટની ભૌગોલીક સ્થિતી તો પછીની વાત છે પરંતુ અહી મરીન ઈકોલોજી પાર્ક જાહેર કરાવમા આવેલો છે અને તેવામાં આ પ્લાન્ટની સ્થાપના માટે રાજય સરકારને પર્યાવરણીય મંજુરી જ મળવેખરી? આ એક મોટો સવાલ બની જવા પામી રહ્યો છે. કેન્દ્રીય પર્યાવરણીય વિભાગ આવા પ્લાન્ટને હકીકતમાં મંજુરી જ ન આપી શકે. ખેર હાલ તુરંત તો જોડીયામાં આ પ્રોજેકટનુ ખાતમુર્હત થવા પામી ગયુ છે અને અમલવારીના ધોરણે આગળ ધપી જ રહ્યો છે ત્યારે આપણે વાત કરવાની છે પાણી તરસ્યા મુલક કચ્છની. ગુજરાત સરકાર પણ જે વિસ્તારોમાં પાણીની કટોકટીને લઈને સતત દબાણ-બેકફુટ પર આવતી હોય છે તે સદાય અછતગ્રસ્ત રહેતા કચ્છ જિલ્લો જ છે. પરંતુ હરખાવવાની વાત અહી પણ એ જ છે કે, જે રીતે જામનગરના જોડીયામાં પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે કચ્છ દરીયાઈ-કાંઠાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહી પણ દરીયાના ખારા પાણીને મીઠું કરી શકવાની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે.
ખુદ સરકાર દ્વારા જ આ માટે મુંદરાના ભદ્રેશ્વરથી માંડી અને માંડવીના પટ્ટા સુધીમાં અલગ અલગ સાતથી વધુ જેટલી સાઈટ આઈડેન્ટી ફાઈ કરી ચૂકી છે અને તેમાંય ભદ્રેશ્વરનો દરીયો ઓપન સી છે. ખાડી કે ક્રીક નથી એટલે અહી કચરો પણ નહીવત હોય. આવામાં પાણીને શુદ્ધીકરણ કરવાના પ્લાન્ટની કોસ્ટીંગ પણ નીચી આવી શકે તેમ છે. જોડીયાના પ્રમાણમાં કચ્છમાં ખુબજ ઓછા ખર્ચે પાણીની સમસ્યામાથી છુટકારે આપી શકે તેવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાગી શકે તેવી ઉજળી શકયતાઓ રહેલી છે. બસ ગુજરાતના વિકાસ કર્ણધાર સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગોર ફરમાવવાની છે જરૂર.

ગાંધીધામ પોલીસના લોકદરબારમાં સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા તત્વોને બખ્ખા અભ્યાસુ રજુઆતકર્તાઓના અભાવે સંકુલમાં સાચી સુવિધાઓનો ખટકો

લોક દરબારમાં ખુદ સ્થાનિક પોલીસ પણ શહેરના અભ્યાસુ લોકોને આમંત્રણ આપવા -બોલાવવાથી રહેતી હોય છે દુર…?

 

પૂર્વ કચ્છના ઔદ્યોગીક મથકમાં પ્રજાનો વહીવટીતંત્ર સાથે સીધો દરબાર ભરાય એટલે ટ્રાફિક, દારૂના બુટલેગરો-ધંધાની જ થતી રહેતી હોય છે રજુઆત : શહેરની સુખાકારી માટે રાહતરૂપ પુરવાર થાય તેવા વિષયો તો રહી જ જતા હોય છે કોરાણે :
પોલીસનું સતત પેટ્રોલીંગ પણ ભારતનગરમાં છે જરૂરી

 

ફેકટરી-મોટા રીસોર્ટના છે મેઘપર બો.માં મોટા પથરાવ : અંજારના ધારાસભ્ય વાસણભાઈ પણ ગંભીરતાથી વિચારે
ગાંધીધામ : અંજાર પોલીસ સ્ટેશનમાં વધુમાં વધુ ગુન્હાઓ મેઘપર બોરીચીમાં જ બની રહ્યા છે. તે ગુન્હાઓનુ પ્રમાણ જોતા ત્યા સલામતીની દ્રષ્ટથી તાત્કાલીક પોલીસ સ્ટેશન બનાવાવો જરૂરી છે. ત્યાં ફેકટરી અને મોટા મોટા રીસોર્ટ પણ મેઘપર બોરીચીમાં જ આવેલા છે તે માટે વિચારવુ જરૂરી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતી અહી વધુ કથળે નહી અને નિયંત્રીત રહે તે માટે ખરેખર તો તાત્કાલીક અહી પોલીસ સ્ટેશન બનાવવું જરૂરી છે. અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીર તમામ બાબતે સેવારત રહેલા છે ત્યારે આ બાબતે પણ વેળાસર વિચારે તે જરૂરી બની રહ્યુ છે.

 

મોટાભાગે તો ધંધાર્થીઓ જ રજુઆતકર્તાના સ્વરૂપમાં ઉતરી આવીને પોલીસના નાક દબાવવાના અજમાવતા હોય છે હથકંડા : હકીકતમાં ભારતનગર એક બાજુ છે અને આખેઆખું ગાંધીધામ છે બીજીતરફ : ભારતનગરમાં વેપારધંધા-જવેલર્સ, સહિતનાઓને ધ્યાને રાખીને કાંઈ નહી કાંઈ નહી તો પણ વેળાસર પોલીસ ચોકી તો વિના વિલંબે ફાળવી જ જોઈએ, તો વળી બીજી તરફ અંજારના મેઘપર(બો).(કું)માં અલાયદું પોલીસ મથક ઉભું કરવાની ગોઠવવી જોઈએ વ્યવસ્થા..પરંતુ આવી રજુઆતો કરી શકે તેવા અભ્યાસુ લોકો પણ છે કયા..?

 

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલની સલામતી અને સુરક્ષા આતંરીક તથા બાહ્ય બન્ને જરૂરી છે. વર્તમાન સમયે તો હાશકારારૂપ વાત એ જ છે કે પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષીતા રાઠોડની સમગ્ર ટીમ બોર્ડર રેન્જ આઈજીપીશ્રી વાઘેલા સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર સકુલમાં ક્રાઈમ નિયંત્રીત કરવામાં સજજડ કાર્યવાહી કરી જ રહ્યા છે.
દરમ્યાન જ સંકુલના અભ્યાસવર્ગમાં જે ટકોર પૂર્વકની વાત બહાર આવે છે તે અનુસાર લાંબા સમય બાદ પૂૃવ કચ્છમાં પોલીસનો લોકદરબાર ભરાયો હતો અને તેમાં કેટલાક પ્રશ્નો રજુ થયા હતા પરંતુ હકીકતમાં આવા લોકદરબારમં શહેરના પ્રબુદ્ધ, અને અભ્યાસુ લોકોનીહાજરીનો અભાવ અને સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા તત્વોને છુટોદોર અથવા તો મોકળુ મેદાન મળી જતુ હોવાથી દારૂ-જુગારના અડ્ડાઓના પોઈન્ટ અથવા તો પછી શહેરની ટ્રાફીક અને દબાણ સહિતના જ મુદાઓની સીમીત રજુઆતો અહી થવા પામી રહી છે. હકીકતમાં શહેરમાં સલામતી અને સુરક્ષાની દ્રષ્ટીએ જો વિચારવાની કોઈ જરૂરીયાત હોય તો તે એ જ છે કે, શહેરના ભારતનગર વિસ્તારમાં વિના વિલંબે પોલીસ ચોકી ફાળવી જોઈએ. ભારતનગર ખુબ જ વિશાળ વિસ્તાર છે.
એક તરફ ભારતનગર રહે અને બીજીતરફ આખેઆખુ ગાંધીધામ રહે તેટલું સમકક્ષ વિસ્તાર છે. ધંધા-વેપાર રોજગાર અને આભુષણો-જવેલર્સના વેપારીઓ પણઅહી મોટી સંખ્યામાં રહેલા છે. અહી વેપારીઓને અવારનવાર અસમાજીક તત્વોની કનડગત ઉપરાંતની સમસ્યાઓ સમયાંતરે મોાટ મથાડા સાથે ચમકતી જ રહેતી હોય છે તો ભુતકાળમાં આ જ ભારતનગરમાંથી ધોળા દીવસે વેપારીના હાથમાંથી ધોળા દીવસે લાખોનો ભરેલો થેલો ઝડપીને લુંટ ચલાવી હોવાની ઘટના બની ચૂકી હોવાનુ મનાય છે.
અહી કોઈ મોટી આવી ઘટનાઓ ન બને તે માટે પૂર્વ કચ્છ પોલીસના ઉંચ્ચ અધિકારીઓ અહી વેળાસર પોલીસ ચોકી ફાળવે તે હિતાવહ બની રહ્યુ છે. આવીને આવી જ રીતે અંજારના મેઘપર બોરચી ગામ વિસ્તારની પણ ચિંતા સેવવી જોઈ અને આ વિસ્તારમાં તો પોલીસ ચોકી નહી પરંતુ પોલીસ સ્ટેશન જ સ્થાપવાની જરૂરીયાત છે. આ વિસ્તાર ખુબજ વિશાળ છે.
ઓછામાં ઓછી પ૦થી વધુ જેટલી સોસાયટીઓ મેઘપર બોરચી વિસ્તારમાં બનેલી છે. લીલાશાહ કુટીયાથી લઈ અને આ વિસ્તારમાં પોલીસ સ્ટેશન હોય તોકાયદો વ્યવસ્થાની સ્થિતી વધારે સુદ્રઢ બની શકે તેમ છે.
પાછલા અમુક સમયના પોલીસ ડાયરીના આંકડાઓની ચકાસણી કરવામાં આવશે તો પણ ભારતનગર અને મેઘપર બોરીચી વિસ્તારની સંવેદનશીલતા ખ્યાલ આવી શકે તેમ છે. ભારતનગરમાં મારામારી, ઝઘડાઓ, વેપારીઓને કનડગતો, મહીલાઓને માટે પણ સલામતીની દ્રષ્ટીએ સર્જાતા પડકારો, સહિતની ઘટનાઓને લઈને લોકદરબારમાં રજુઆતો કરવી જોઈએ. જો કે આવા અભ્યાસુ રજુઆતકર્તા છે પણ કયા? જો છે તો લોકદરબારોમાં તો સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા તત્વો જ ગોઠવાઈ જતા હોય છે તો તેઓની રજુઆત પણ સાંભળે કોણ? ખેર હવે પૂર્વ કચ્છ પોલીસના ટોચના અધિકારી પ્રજાભિમુખ વલણ ધરાવી રહ્યા છે ત્યારે આ બાબતે હકારાત્મક રીતે ઘટતુ કરાવે તે જ સમયની માંગ બની રહી છે.