બહુમતી પુરવાર કરવા વિધાનમંડળનું ખાસ સત્ર બોલાવો

પણજીઃ કૉંગ્રેસે શવિવારે ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહા પાસે ખાસ સત્ર બોલાવવાની અને ભાજપની યુતિ સરકારને બહુમતી સાબિત કરવાની માગણી કરી હતી. વિરોધ પશ્ર કૉંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે માંદા પડેલા મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરની ગેરહાજરીમાં રાજ્ય સરકારની હાલત ખરાબ છે અને રાજ્યપાલ તથા ભાજપ ગોવાના લોકો સાથે છેતરપિંડીની રમત રમી રહી હોવાનો આ જવલંત દાખલો છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂર્જેવાલે પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ મામલો સંસદના શિયાળુ સત્રમાં ઉછાળીશું, ભાજપનાં કેન્દ્રીય નેતાઓ પર દબાણ લાવીશું અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સામે પણ ખાસ સત્ર લાવવા માટેની રજૂઆત કરીશું.
કૉંગ્રેસે આ મામલે ગોવાના રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી છે અને ૪૦ બેઠકવાળી વિધાનસભામાં એમના પક્ષ પાસે જોઇતી બહુમતી હોવાનો દાવો પણ કર્યો છે. ૪૦ બેઠકવાળી ગોવાની વિધાનસભામાં પર્રિકર સરકારને ૨૩ વિધાનસભ્યોનો ટેકો છે, જેમાં ભાજપના ૧૪ વિધાનસભ્ય, ત્રણ વિધાનસભ્ય ગોવા ફોરવર્ડ પક્ષ, મહારાષ્ટ્રવાદી ગોમંતક પક્ષ અને સ્વતંત્ર ઉમેદવારો છે. તેમણે જણાવ્યું હતું કે ગઠબંધન સરકારે પોતાનો બહુમતી સિદ્ધ કરીને પ્રશાસન અને શાસન માટેની રૂપરેખા જાહેર કરવી જોઇએ. સરકારે સ્થાનિક યોજના, માઇનિંગ, બેરોજગારી જેવી સમસ્યાઓનો પણ ઉકેલ લાવવો જોઇએ.

ભારત માટે રક્ષણાત્મક સાબિત થશે એસ-૪૦૦ મિસાઇલો

શિલોંગઃ રશિયા પાસેથી ખરીદવામાં આવનારાં એસ-૪૦૦ મિસાઇલ પ્રાદેશિક મહત્વકાંક્ષા ધરાવતા દેશોથી ભારતને રક્ષણ આપશે, એમ ઍર માર્શલ આર. નામ્બિયારે કહ્યું હતું. એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલ નૅક્સ્ટ જનરેશન ઍર ડિફેન્સ સિસ્ટમ છે જે ૪૦૦ કિ.મી. સુધીના અંતરે આવેલા હવાઈ લક્ષ્યનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. ઇસ્ટર્ન ઍર કમાન્ડ્‌સ ઍર ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ, ઍર માર્શલ આર. નામ્બિયારે શુક્રવારે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે આ નવી મિસાઈલ યંત્રણા ભારતને તેની પ્રાદેશિક એકતાનું રક્ષણ કરવાની ક્ષમતાને તીક્ષ્ણ ધાર આપશે. આ મિસાઈલ યંત્રણા પ્રાપ્ત કરવા અંગેની વાટાઘાટ કરવા રશિયા ગયેલા ભારતના પ્રતિનિધિમંડળના પ્રતિનિધિઓમાંનાં એક નામ્બિયારે કહ્યું હતું કે આવનારા ૨૩ મહિનામાં આ મિસાઇલ યંત્રણા ભારત આવી જશે. ભારત પર પ્રતિબંધ મૂકવાની અમેરિકાની ધમકીના દબાણની અવગણના કરતા ભારતે પાંચ ઑક્ટોબરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનની ભારત મુલાકાત દરમિયાન આ સંરક્ષણ સોદાના કરાર પર સહી કરી હતી. કરાર મુજબ ભારત પાંચ અબજ ડૉલરમાં એસ-૪૦૦ મિસાઇલના પાંચ સૅટ મેળવશે. ભારતની પડોશમાં પ્રાદેશિક મહત્વકાંક્ષા ધરાવતા દેશો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ચીને પણ આ મિસાઈલ રશિયા પાસેથી મેળવવાના કરાર કર્યા હોવાને ધ્યાન પર લેતાં ભારત માટે આ કરાર અતિ મહત્વનો છે.

અમૃતસરમાં ધાર્મિક ડેરી પાસે બ્લાસ્ટ : રથી વધુના મોત

અમૃતસર : પંજાબમા ખુખાર આતંકવાદીઓ ઘુસ્યા હોવાના અહેવાલો અને તેના પગલે એલર્ટની સ્થિતી વચ્ચે જ આજ રોજ અહી વિસ્ફોટ થયાની ઘટના બની છે. અહી ધાર્મિક ડેરા પાસે બ્લાસ્ટ થયો છે અને તે બ્લાસ્ટમા હાલતુરંત બેથી વધુ લોકોના મોત નિપજી જવા પામી ગયા છે. દરમ્યાન જ પ્રાપ્ત થતી વિગતો મુજબ કેટલાક લોકો ઈજા પામ્યા છે. આ ઘટનામા મોટરબાઈક પર રાજાસાચી વિસ્તારમા બે શખ્સો આવી વિસ્ફોટકો ફેકી ગયા હોવાનુ અનુમાને છે.

નાફેડના પત્ર બાદ શક્તિસિંહે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

ગાંધીનગર : રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે શરૂઆત કરી છે ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા જણાવ્યુ કે, નાફેડે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયને ૧૫મી નવેમ્બરના રોજ પત્ર લખીને ગુજરાતમાંથી મગ, અડદ, તલ અને મગફળીની ખરીદી કરવાનો ઇનકાર કર્યો છે. નાફેડે પત્રમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં અણ આવડતની નીતિના કારણે નાફેડ ગુજરાતમાંથી ખરીદી કરવા તૈયાર નથી.શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી ખરીદીની કોઈપણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ મગફળીમાં ભેળસેળ કરવામાં આવે છે. ગુજરાતમાં વેર હાઉસની કાળજી લેવામાં આવતી નથી.ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭/૧૮ માં જે ખરીદી ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન મારફત કરી હતી તેના ગોડાઉનોની સાયન્ટીફીક તપાસમાં બહાર આવ્યું છે કે, ગોડાઉનોની ગુણવત્તા જાળવવામાં આવી નહતી. ગોડાઉનો માટેની નિર્ધારિત પ્રક્રિયા કે જે પુરવઠાની સલામતી અને જાળવણી માટે હોય છે તેને જાળવવામાં આવી ન હતી. ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા એટલું જ નહિ પરંતુ જથ્થામાં ભેળસેળ કરવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે.નાફેડે જણાવ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટકા, તેલંગાણા અને તામીલનાડુ જેવા રાજ્યોમાં નાફેડ ખરીદી કરી રહી છે ગુજરાતમાં ૨૦૧૮/૧૯ દ્વારા ખેડૂતોની ખેત પેદાશની કોઈ ખરીદી નાફેડ નહિ કરે.નાફેડના પત્ર બાદ શક્તિસિંહે જણાવ્યુ કે, આ મામલે હાઈકોર્ટના સીટીંગ જજના માધ્યમથી તપાસ કરાવવી જોઈએ. રાજ્યની ભાજપ સરકારના પાપે ગુજરાતનો ખેડૂત હાલમાં તેના પરિણામ ભોગવી રહ્યો છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર સહાયના નામે ખેડૂતો સાથે નાહક કરી મજાક કરી રહી છે.

ભચાઉ- ગાંધીધામ માર્ગે ગાઢ ધુમ્મસના કારણે સાત વાહનો અથડાયા

ભચાઉ : શહેરથી ગાંધીધામ જતા હાઈવે ઉપર ગાઢ ધુમ્મસના કારણે એક સાથે સાત વાહનો અથડાઈ ગયા હતા જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગાઢ ધુમ્મસના કારણે ભચાઉથી ગાંધીધામ જતા હાઈવે ઉપર આવેલ અણુશક્તિ ફેકટરી નજીક આજે સવારે સાત વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ડ્રાઈવરને ઈજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ થતા ટ્રાફીકના વિશ્વજીત ગોહિલ ઘટના સ્થળે ધસી ગયા હતા. આ બાબતે ભચાઉ પોલીસનો સંપર્ક સાધતા જણાવેલ કે, એક ટ્રેઈલર આગળના વાહન સાથે ધડાકાભેર અથડાઈને ડિવાઈડર કુદી સામેના રોડ પર પહોંચી જતા બંન્ને સાઈડે ટ્રાફીક જામ થયો હતો. અકસ્માતના પગલે બંન્ને સાઈડે વાહનોની લાઈન લાગી ગઈ હતી અને અકસ્માત ગ્રસ્ત વાહનો દુર કરી વાહન વ્યવહાર થાળે પડ્યો હતો. કોઈ મોટી જાનહાજિ થવા પામી ન હતી આ બનાવ અંગે પોલીસ મથકે કોઈ સતાવાર ફરિયાદ નોંધાઈ ન હતી.

જિ.પં.ની સામાન્યસભા પહેલા વિપક્ષી નેતા જનપ્રશ્નો મેળવશે

કાલે સોમવારે લોકોને સમસ્યાઓ લેખિતમાં લઈ આવવા ઈજન

 

ભુજ : જિલ્લા પંચાયતની તા. ર૭મીએ મળનારી સામાન્યસભા ગરમ બને તેવી સંભાવના છે. આ બેઠક પૂર્વે આવતીકાલે (સોમવારે) વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલ સવારથી બપોર સુધી કચ્છના લોકોના વિવિધ પ્રશ્નો જાણશે અને તે આગામી સામાન્ય સભામાં ઉઠાવશે.
તેમણે કચ્છવાસીઓને કાલે સોમવારે સવારે ૧૧થી બપોરના ર સુધીમાં તેમની સમસ્યાઓ લેખિતમાં લાવવા ઈજન આપ્યું છે. શ્રી હુંબલ ર૭મીની સામાન્ય સભામાં આ જનપ્રશ્નો ઉપરાંત જે વિવિધ મુદ્દા ઉઠાવવાના છે તેની આગોતરી સૂચી જાહેર કરી છે, તે અનુસાર તાલુકા- જિલ્લા પંચાયતમાં ડિસેમ્બર-૧૮ સુધીમાં ત્રણ વર્ષ પુરા થતા હોય તેવા અધિકારી- કર્મચારીઓની વિભાગ વાઈસ યાદી, કેડરવાઈસ કેટલી જગ્યાઓ ખાલી છે તેની યાદી, જિ.પં. હસ્તકના કેટલા રસ્તાઓનું રિસર્ફેસીંગનું કામ ચાલુ વર્ષે મંજુર થયું છે, કેટલાનું પુરૂ થયું છે, કેટલાની કામગીરી બાકી છે, વગેરે માહિતી, માર્ગોની બાજુમાં પટડી ભરવાની કામગીરીની વિગતો, રસ્તાઓનું રિપેરીંગ, આજુબાજુની ઝાડીનું કટીંગ, પેચવર્કના કામો અને તેની એજન્સીની વિગતો આ ઉપરાંત માર્ગ પર મુકાયેલા સાઈનબોર્ડની માહિતી, જિ.પં.ના ઉપપ્રમુખ તથા સમિતિઓના ચેરમેનોને ફાળવાયેલી ચેમ્બરોને લગતી માહિતી, જિ.પં.ના બિન ખેતીના પેંડિંગ કેસો અને અરજીઓની માહિતી તેમજ સ્વભંડોળમાંથી વિશ્રાંતિગૃહ બનાવવાના કામને લગતી વિગતો, જિ.પં. દ્વારા થતા વિકાસ કાર્યો તેમજ બાંધકામોના લોકાર્પણ- ઉદ્‌ઘાટનની માહિતી, સરપંચો, પદાધિકારીઓ વિરૂધ્ધની ફરિયાદો અને કેસોને લગતી વિગત, બાલસખા યોજનાને લગતી માહિતી, ચાલુ વર્ષમાં થયેલા તળાવોને લગતી વિગતો, પ્રાથમિક શાળામાં કેટલા સી.સી.ટી.વી. લગાડેલા છે અને કેટલા ચાલુ છે તેની માહિતી સહિતના અનેક મુદ્દાઓ વિપક્ષીનેતા ઉઠાવશે.

ગાગોદરના ચકચારી મોર હત્યાકાંડમાં ૧ર આરોપીના જામીન મંજુર કરતી વડી અદાલત

રાપર : તાલુકાના ગાગોદર નજીકના ધર્મ સ્થાનમાં ૩૯ મોર – ઢેલની હત્યા થવાના ચકચાર ભર્યા કેસમાં ઝડપાયેલા મૂળ પશ્ચિમ બંગાળના ૧ર શ્રમજીવી આરોપીઓની જામીન અરજી રાજ્યની વડી અદાલતે મંજુર કરી છે.
આ પૂર્વે અંજાર સેશન્સ કોર્ટે ર૩ ઓકટોબરના આ ૧ર આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી. જો કે આરોપીઓએ હાઈકોર્ટમાં જામીનની માંગણી કરતાં તે મંજુર કરવામાં આવી છે અને આરોપીઓને દસ- દસ હજારના બોન્ડ પર જામીન મંજુર કર્યા છે.

આદિપુરમાં જમવાના પૈસા મુદ્દે હોટલ સંચાલકને મારી નાખવાની ધમકી

ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ આદેસર તળાવ પાસેની હોટલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વિનોદકુમાર ત્રિભુવનદાસ જોષી (ઉ.વ.૩૮) રહે. કિડાણા, તા. ગાંધીધામની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગત તા. ૧૬/૧૧/૧૮ ના રાત્રીના સાડાનવ વાગ્યે તેઓ આદેસર તળાવ પાસે હોટલ સ્ટેટી ફુડમાં હતા ત્યારે રવિરાજ દરબાર, હુશેન અને અન્ય બે શખ્સો જમવા માટે આવેલ જમ્યા બાદ બીલ ચુકવવા બાબતે આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી તેઓએ ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આદિપુર પોલીસે ચારેય સામે ગુન્હો નોંધી એએસઆઈ રતીલાલ સીલુએ તપાસ હાથ ધરી હતી.

સ્મૃતિવન પ્રોજેકટનું હવે સંભવતઃ ઉત્તરાયણ બાદ વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ

મોદીજી ૩૦ ડિસેમ્બર નહીં પણ ૧પ અથવા ૧૬ જાન્યુઆરીએ કચ્છ આવે તેવી શક્યતા

 

પ્રથમ ફેઈઝના લોકાર્પણની તડામાર તૈયારીઓ : ગાંધીનગર ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ દ્વારા યોજાઈ સમીક્ષા બેઠક : પ્રથમ ફેઈઝમાં કમ્પાઉન્ડ વોલ, ચેકડેમ, પાથ- વે સહિતના કામોનું થશે લોકાર્પણ : બીજા ફેઈઝનું કામ પણ પ્રગત્તિમાં

 

ભુજ : શહેરની ઓળખ સમા ભુજીયા ડુંગરની તળેટીમાં ૧૫૫ કરોડ રૂપિયાના ખર્ચે સ્મૃતિવન આકાર લઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ
સ્મૃતિવન પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે.
સ્મૃતિવન નિર્માણ થવાથી કચ્છના પ્રવાસનના નકશામાં મહત્વની સ્થાન અને વધુ એક સ્થળ ઉમેરો થશે. આગામી ૧૯ તારીખે મુખ્યમંત્રી વિજય રૂપાણી
સ્મૃતિવનની મુલાકાત કરશે.
આ મહત્વાકાંક્ષી યોજનાના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કચ્છ પ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૦મી ડિસેમ્બરે થવાની સંભાવના હતી, પરંતુ એ સમયગાળામાં સંસદ ચાલુ હોવાથી બીજા વૈકલ્પિક કાર્યક્રમ અનુસાર મકરસંક્રાંતિ પછી સંભવતઃ ૧પ અથવા ૧૬મી જાન્યુઆરીએ મોદીજી લોકાર્પણ કરશે એ સાથે તેમની ગત મુલાકાત વખતે બાકી રહી ગયેલા વરસાણાથી ભુજના રાષ્ટ્રીય ધોરી માર્ગનું ખાતમુહૂર્ત પણ તેઓ કરે તેવી શકયતા છે. મોદીજી સફેદરણમાં અથવા ભુજમાં રાત્રી રોકાણ કરે તેવા નિર્દેશ પણ પ્રાપ્ત થયા છે. ૨૦૦૧ના કચ્છના વિનાશકારી ભૂકંપમાં મોટી ખુવારી થઇ જેમાં સેંકડો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. આ દુર્ધટનામાં મુત્યુ પામેલા લોકોની યાદમાં રાજય સરકાર દ્વારા ભુજીયા ડુંગર તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલ સરકારના મહત્વકાક્ષી પ્રોજેક્ટમાં ૧૨ મહિના સુધી અભ્યાસ કાર્ય બાદ લોકેશન નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ ટપકેશ્વરી નજીક વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૦માં રાજય સરકાર  સ્મૃતિવન બનાવવા માટે ભુજીયા ડુંગર પર પસંદગી ઉતારવામાં આવી હતી. સ્મૃતિવન હાલમાં પ્રથમ ફેઈસની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં ૬ કિલોમીટરનો કમ્પાઉન્ડ હોલ તેમજ ૫૦ જેટલા અલગ અલગ આકારના ચેકડેમ, પાથવે તેમજ સનસેટ પોઈન્ટ તૈયાર થઇ ગયો છે. હાલમાં બીજા તબક્કાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં મ્યુઝીયમ, સોલાર લાઈટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્મૃતિવનમાં સનસેટ પોઈન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની જશે. સહેલાણીઓ સનરાઈઝ અને સનસેટ અદભુદ નજરો જોઈ શકે તે રીતે લોકેસનની પસંદગી કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે મ્યુઝીયમ પણ આકર્ષણ જમાવશે. સ્મૃતિવનમાં ૪૭ કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝીયમ આકાર પામશે, જેમાં કચ્છ કલ્ચર અને સંસ્કૃતિ, હસ્તકલા, ટ્રેડીશનલ, ૨૦૦૧ના ભૂકંપની યાદમાં અલગ અલગ ચીજવસ્તુઓ સંગ્રહિત કરવામાં આવશે.
વર્ષ ૨૦૦૧ના કચ્છના વિનાશકારી ભૂકંપમાં મોટી ખુવારી થઇ જેમાં કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. કચ્છના ગોઝારા ભૂકંપમાં ૧૩,૦૦૦ વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપ અવસાન પામેલા લોકોની યાદમાં રાજય સરકાર દ્વારા સ્મૃતિવન તેયાર કરવામાં આવી રહ્યું છે, જે લોકોના મોત થયા તે તમામ લોકોના નામ સાથે પ્લેટ તેમજ તેમની યાદમાં વૃક્ષો. સાથે જ ભૂકંપ મોતને ભેટેલા લોકોની યાદમાં ૫૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સાથે જ ભુજ શહેરની શોભામાં ચારચાંદ લાગી જશે.