દિલ્હીમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી મુકાબલો : ગૌતમ ગંભીરની ટીમને બેટ્સમેનો અને બોલરોના ફોર્મની તલાશ
નવી દિલ્હી : આઇપીએલના ઈતિહાસમાં સૌથી કંગાળ પર્ફોમન્સ આપનારી દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ ૧૧મી સિઝનમાં પણ કોઈ પ્રભાવ પાડી શક્યું નથી. તેઓ પાંચમાંથી ચાર મેચ હારી ચૂક્યા છે અને હવે પંજાબ સામેની મેચમાં તેમને સિઝનની બીજી જીતની તલાશ છે. દિલ્હી ઘરઆંગણે રમી રહ્યું હોવાથી તેમની જીતની આશા વધુ છે. જોકે કિંગ્સ ઈલેવન પંજાબ ચાલુ સિઝનમાં રમાયેલી પ્રથમ મેચમાં દિલ્હીને હરાવી ચૂક્યું હોવાથી અહી પણ જીતવા માટે ફેવરિટ મનાય છે. રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. અશ્વિનની આગેવાની હેઠળના કિંગ્સ ઈલેવન પંજાબે ધમાકેદાર પ્રારંભ કર્યો છે અને પાંચમાંથી ચાર મેચ જીતી લીધી છે. પંજાબ તરફથી ધરખમ બેટ્સમેન ક્રિસ ગેલ જોરદાર ફોર્મમાં છે. આ ઉપરાંત લોકેશ રાહુલ પણ તેનો કમાલ દેખાડી ચૂક્યો છે. જ્યારે ટીમનું બોલિંગ આક્રમણ કેપ્ટન અશ્વિનની સાથે મુજીબ, એન્ડ્રુ ટાય, મોહિત શર્મા જેવા બોલરોના હાથમાં છે, જેઓ અનુભવી પણ છે. જોકે દિલ્હી ડેર ડેવિલ્સને હજુ પણ તેના સ્ટાર પર્ફોમર્સના ફોર્મની તલાશ છે. એકમાત્ર રિષભ પંતે સાતત્યભર્યો દેખાવ કરતાં ટીમને જીત તરફ આગળ ધપાવવાની કોશીશ કરી છે. જોકે કોચ રિકી પોન્ટીંગ તેમજ કેપ્ટન ગંભીર ટીમમાં જીતનો જુસ્સો જગાવવામાં હજુ સુધી કામિયાબ રહ્યા નથી. કેપ્ટન ગૌતમ ગંભીરની સાથે સાથે ગ્લેન મેક્સવેલ, રિષભ પંત, શ્રેયસ ઐયર, ક્રિસ મોરીસ, કોલીન મુનરો, જેસન રોય, પૃથ્વી શૉ જેવા બેટસમેનો દિલ્હી પાસે છે. જ્યારે ટીમનુ બોલિંગ આક્રમણ મોહમ્મદ શમી, અમિત મિશ્રા, ડેન ક્રિશ્ચીયન, ટ્રેન્ટ બાઉલ્ટ, નદીમ, હર્ષલ પટેલ સંભાળી રહ્યા છે. ગંભીરના કેપ્ટન તરીકેના પુનરાગમન બાદ દિલ્હીને આઇપીએલ-૧૧માં શાનદાર દેખાવની આશા હતી. જોકે હજુ સુધી તેઓ કોઈ કમાલ કરી શક્યા નથી, જેના કારણે હવે તેઓએ ઝડપથી જીતની રાહ પર અગ્રેસર થવું જ પડશે.