ઉમેદવારી પત્રો ભરવા સમયે ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ઉમેદવાર સહિત પાંચ જ વ્યક્તિ દાખલ થઇ શકશે

0
48

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની  કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સતાની રૂએ તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી કચ્છ જિલ્લાના સબંધિત વિસ્તારના ચુંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરની આસપાસના વિસ્તારમાં ઉમેદવારી પત્રો રજુ કરતી વખતે ચુંટણી અધિકારીશ્રી/મદદનીશ ચુંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો આવવા દેવાની અને ચુંટણી અધિકારીશ્રી/મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ-૫ વ્યકિતઓ જ દાખલ થઇ શકશે.

        અપક્ષ ઉમેદવાર અને બિન માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવાર અને બિન માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોના કેસમાં પણ ચુંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર ઉપરાંત બીજી ચાર વ્યકિતઓ એમ કુલ પાંચ વ્યકિતઓ જ દાખલ થઇ શકશે. પરંતુ કોઇ કારણસર દરખાસ્ત મુકનાર બીજા મતદારોને પણ ચુંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં દાખલ થવું જરૂરી હોય તો પહેલા ચાર મતદારો બહાર નીકળે પછી બીજા મતદારો અંદર પ્રવેશે એમ વારાફરતી મતદારો ચુંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં દાખલ થઇ શકશે તેમ વધુમાં જણાવાયું છે.

        આ હુકમનો ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર રહેશે.