વિધાનસભા ચૂંટણી : કચ્છમાં ટિકીટો મુદ્દે કેસરીયા બ્રિગેડમાં જો-તોના સમીકરણો તેજ

0
46

છ પૈકીની કઈ બેઠક પર રીપીટ અને કયા નોરીપીટ અપનાવાશે? નો રીપીટ અપનાવાય તો કોણ છે અન્ય સક્ષમ દાવેદાર? સહિતના ગણિત મંડાવવાનું થયું શરૂ : જો ભુજની બેઠક પર રીપીટ કરાય તો બધા જ જુનાજોગીઓને મળી જાય જીવતદાન, અને જો અહીં નો રીપીટ આવ્યુ તો બધાય કોથળામાં જ જવાની વકી

અગાઉ ચૂંટણી હારેલાઓ દાવેદારી કરી હોય તો થઈ જવું સાવધાન, કારણ કે, ભાજપની પાસે નવા-યુવા-સ્વચ્છ-મહેનતું ચહેરાઓની જ હવે તો મોટી ફોજ છે, એટલે અગાઉ ચૂંટણી હારેલાઓને ભાજપ તક આપે તેવી શકયતાઓ નહિવત સમાન

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે ત્યારે કચ્છમાં સત્તાપક્ષ કેસરીયા બ્રીગેડમાં પણ દાવેદારોને લઈને રાજકીય બેડામાં આતંરીક જો અને તોની ચર્ચાઓ પણ શરૂ થવા પામી ગઈ છે.
આ બાબતે રાજકીય વિશ્લેષકોની વાત માનીએ તો સૌ પ્રથમ રાજયની વિધાનસભાની નંબર વનની અબડાસા બેઠક પર વર્તમાન સમયે નિર્વિવાદીત છબી ધરાવતા અને જમીની લોકસેવક તરીકે ઓળખાતા પ્રદુમનસિંહ જાડેજાને જ રીપીટ કરવામાં આવે તેવી વધુ શકયતાઓ જોવાઈ રહી છે. હાલના સંજોગો અને શ્રી જાડેજાની કર્મનિષ્ઠ છબીને જોતા તેમને બદલાવવાની શકયતાઓ ખુબ ઓછી જ દેખાય છે. બાદમાં સંજોગો અને સમય બદલાય અને જિલ્લામાં એક જ ક્ષત્રિયને ટિકિટ આપવાની થાય અને અહી કેાઈ ફેરફારને અવકાશ આવે અને છેલ્લી ઘડીએ અન્ય કોઈને તક અપાય તો જુદી વાત છે. તે બાદ બંદરીય શહેર માંડવી-મુંદરા વિધાનસભા બેઠક પર પણ વિરેન્દ્રસિહ જાડેજાના સ્થાને અન્ય કેાઈને તક અપાય તેવા કેાઈ જ સંજોગો હાલતુરંત દેખાતા નથી. બીજીતરફ અહી આમઆદમી પાર્ટીએ જે ઉમેદવાર કૈલાશદાન ગઢવી જાહેર કર્યા છે તેને હળવાશથી લઈ શકાય તેમ પણ નથી. તેઓએ આ વિધાનસભા વિસ્તારમાં ધીરે ધીરે તબક્કાવાર મકકમ વિસ્તારમાં પગ જમાવી લીધા છે તે વાત પણ નકારી શકાય તેમ નથી. આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ છે અને અહી હજુ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા નથી. એટલે કોંગ્રેસના ઉમેદવારનુ નામ આવે તે બાદ વિશેષ અહી ભાજપના દાવેદાર બાબતે ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેવુ મનાય છે. પરંતુ હાલન સ્થિતી સંજોગે તો અહી પણ રીપીટ જ વધારે પસંદગીના ક્રમે મોખરે આવી રહ્યુ છે. ત્યાર બાદ ઐતિહાસીક શહેર અંજારમાં પણ વાસણભાઈ આહિર સર્વસ્વીકૃત ચહેરો જ છે.તેઓને ટિકિટમાં પ્રાથમિકતા અપાય તેમ હાલનીસ્થિતીએ સ્પષ્ટ જોવાઈ રહ્યુ છે, પરંતુ આગામી સમયમાં કોઈ સમીકરણો બદલાય અને બીજા કોઈને આપવાની થાય તો બાબુભાઈ ભીમાભાઈ હુંબલનું નામ પણ મોખરે બોલાતુ હોવાનુ કહેવાય છે. બાબુભાઈ હુંબલ સામાજિક સંસ્થાઓમાં અને જાહેરજીવનમાં ભારે સેવાભાવી વ્યકિતની છબી ધરાવી રહ્યા છે. તાજેતરમાં જ દેશના યશસ્વી વડાપ્રધાનના જન્મદિને પણ બાબુભાઈ હુંબલ દ્વારા મેગા મેડીકલ કેમ્પ સહિતના નવતર આયોજનો કરી અને મોવડી મંડળની નજરે ચડવાની કોશીષ કરાઈ છે અને મહદઅંશે આ બધી નોંધ લેવાઈ પણ રહી હોવાનુ મનાય છે. તેમની મહેનત, સખાવતી આગેવાની છબી સાથે કિસ્મત કામ કરી જાય તો બાબુભાઈનુ નામ આવી શકે આ ઉપરાંત પણ અહી ત્રિકમભાઈ વાસણભાઈ આહીર, ત્રિકમભાઈ છાંગા સહિતના ચહેરાઓ પણ હરોળમાં રહેલા જ હેાવાનુ દર્શાય છે. તે બાદ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ બેઠકની વાત કરીએ તો અહીના મહીલા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને ટિકીટ મુદ્દે કંઈ ચિંતા જેવુ દેખાતુ નથી. તેઓને અહી પક્ષ રીપીટ કરે તો નવી નવાઈ નહી. જો કે, અહી રીપીટ કરવામાં ન આવે તો દાવેદારનું લીસ્ટ અહી ખુબજ લાંબુ છે અને જો તેમાથી કેાઈ લાંબુ અર્થિંગ લગાવી આવે અને ટિકિટમાં ફેરફાર થઈ જાય તો એ શકયતાઓ પણ રાજકીય વિશ્લેષકો નકારી રહ્યા નથી. તે સાથે જ વાગડ-રાપર વિધાનસભા બેઠક ભાજપને કોંગ્રેસ પાસેથી આંચકવી છે એટલે અહી ઉમેદવારની પસંદગીમાં તેલ અને તેલની ધાર બન્ને જોવામાં આવશે. રાપર બેઠક પર સૌથી પહેલુ મોખરાનુ નામ અંબાવીભાઈ વાવીયાનુ આવી રહ્યુ છે જેઓ સૌમ્ય અને નિવિવાદીત છબી ધરાવી રહ્યા છે. પટેલ સમાજમાં સજજન વ્યકિતની તેઓન આભા છે. આ ઉપરાંત જૈન સમાજને પણ બીજેપીએ કયાંકને કયાંક પ્રતિનિધિત્વ આપવુ તો પડશે જ એટલે વાગડમાં અંબાવીભાઈ બાદ પંકજભાઈ મહેતા સહિતનાઓ પણ દાવેદારોની યાદીમાં મોખરે હોવાનુ મનાય છે. જિલ્લા વડામથક ભુજની વાત કરવીએ તો અહી ડો.નીમાબેન આચાર્ય સર્વ લોકપ્રિય ધારાસભ્ય તરીકે સેવારત રહેલા છે અને તેમને અહી રીપીટ કરવામાં આવી શકે તેવી શકયતાઓ વધારે ઉજળી દેખાય છે. જો નિમાબેન નહી તો ધવલ આચાર્ય અથવા તો પછી ભુજના જાણીતા તબીબની લોટરી લાગી શકે તેમ મનાય છે. જો કે, એક વાત એવી પણ ચાલી રહી છે કે, કચ્છમાં રીપીટનો મદાર ડો.નીમાબેન આચાર્ય પર વધારે રહેલો છે. જો તેઓને રીપીટ કરવામાં આવશે તો બધાયની ટિકિટ રીપીટ થઈ શકે છે પરંતુ જો ભુજની બેઠક પર નો રીપીટ અપનાવાયુ તો બાકીના બધાય કોથળામાં જ જતા રહેશે એટલે કે, સાઈડલાઈન થવા પામી જાય તેમ મનાઈ રહ્યુ છે. જો કે, વર્તમાન સ્થિતી સંજોગોએ હજુ આ બધાય જો અને તોના સમીકરણોની જ વાત રહેલી છે, ચોકકસ તો જયારે સત્તાવાર જાહેરાત થાય ત્યારે જ વાત બહાર આવવા પામી શકે તેમ છે.