વિધાનસભા ચૂંટણી : કચ્છમાં જ્ઞાતિકાર્ડ બનશે નિર્ણાયક

0
143

જિલ્લામાં વર્ચસ્વ ધરાવતા તમામ સમાજો દ્વારા રાજકીય પક્ષો પાસેથી કરાઈ છે ટિકિટની માંગ : પક્ષોએ બેઠક દીઠ મતોના ગણિતને ધ્યાને લઈ ફૂકી ફૂકીને ભરવા પડશે પગલાં : ન માત્ર જે તે સમાજમાં પરંતુ અન્ય સમાજના લોકોમાં પણ માન સન્માન ધરાવતા અગ્રણીને ટિકિટ ફાળવણી ગણાશે બુદ્ધિજીવી નિર્ણય : એક જ બેઠક પર સમાન જ્ઞાતિના ઉમેદવારોને સામ- સામે લડાવવાનો નિર્ણય ત્રણેય પક્ષોને પડી શકે છે ભારે : બળુકા ઉમેદવારને અપક્ષ દાવેદારી નોંધાવતા પણ અટકાવવા પડશે

ભુજ : વિધાનસભા-ર૦રર ની ચૂંટણીઓ વિધિવત રીતે જાહેર થઈ ચુકી છે. રાજયમાં બે તબક્કામાં મતદાન હાથ ધરાશે. કચ્છની છ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ કચ્છમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએ ઉમેદવારોના નામોનું મંથન ચાલી રહ્યું છે. આવો જ કાંઈક હાલ કોંગ્રેસનો પણ દેખાઈ રહ્યો છે. દરમ્યાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્ઞાતિવાઈઝ કાર્ડના આધારે લડવાનો નિર્ણય રાજકીય પક્ષોએ બનાવી લીધો હોય તેમ વિવિધ સમાજોને આકર્ષવા માટેના પ્રયત્નો આરંભી દેવામાં આવ્યા છે. જે તે સમાજમાં વર્ચસ્વ ધરાવતા લોકોને પોતા તરફ ખેચવા માટે જોડ – તોડની રાજનીતિ પણ જોવા મળી રહી છે. કચ્છમાં પણ જ્ઞાતિવાઈઝ કાર્ડ ખેલીને જ ટિકિટ ફાળવણી કરાય તેવી પુરેપુરી શકયતાઓ સેવાઈ રહી છે. દરેક મોટા સમાજને સાચવી લેવા માટે કચ્છની છ બેઠકો પૈકી એક એક બેઠક પર પ્રતિનિધિત્વનું ગણિત પણ મંડાઈ રહ્યું છે, ત્યારે કચ્છમાં જ્ઞાતિવાઈઝ કાર્ડ ખેલવામાં નાની સરખી ભૂલ તમામ રાજકીય સમીકરણો પલટી શકે તેમ છે.કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો પર ભૂતકાળની ચૂંટણીઓમાં સામાન્ય રીતે રાજકીય પક્ષો દ્વારા જૂના જોગીઓને જ પ્રાધાન્ય અપાતુ રહ્યું છે, અને તે ગણિત જે તે સમયે સાચુ પણ પડ્યું છે. જો કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમીનું પરિબળ ઉમેરાતા જ્ઞાતિ સમીકરણો પણ દરેક પક્ષ માટે પડકાર રૂપ બની રહેશે. વિધાનસભા ચૂંટણીના અનુસંધાને કચ્છની ૬ બેઠકોના સેન્સ લેવા આવેલ ભાજપ તેમજ કોંગ્રેસના નિરીક્ષકો સમક્ષ જુદા- જુદા સમાજો દ્વારા ટિકિટ અંગેની માંગણી કરાઈ ચુકી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ કચ્છમાં જ્ઞાતિસમીકરણોની ધ્યાને લઈ ટિકીટની ફાળવણી પર જોર મુકયું છે. બન્ને મોટા પક્ષના પ્રદેશના મોવડીઓ સમક્ષ પણ આ મુદ્દે સક્રિય રજૂઆતો કરાઈ ચુકી છે. જેેને લઈને રાજ્યની અન્ય વિધાનસભા બેઠકોની સાથે કચ્છની ૬ વિધાનસભા બેઠકો માટે પણ જ્ઞાતિવાઈઝ કાર્ડ જ ખેલવામાં આવશે તેની પુરેપુરી શકયતા સેવાઈ રહી છે.હવે અહીં પ્રશ્નએ ઉભો થાય છે કે, સત્તા પ્રાપ્તી માટે રાજકીય પક્ષો વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના અગ્રણીઓને ટિકિટ ફાળવી પણ દે પરંતુ તેનાથી પક્ષોના પાસા તરફેણમાં પડે તેની કોઈ જ સંભાવના નથી. કારણ કે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ બેઠક દીઠ મતોના ગણિતને ધ્યાને લઈ ફુકી ફુકીને પગલાં ભરવા પડશે. ન માત્ર જે તે સમાજ પરંતુ અન્ય સમાજના લોકોમાં પણ માન સન્માન તેમજ વર્ચસ્વ ધરાવતા અગ્રણીને ટિકિટ ફાળવણી જ આજના સમયમાં બુદ્ધિજીવી નિર્ણય ગણાશે. તો બીજીતરફ એક જ બેઠક પર સમાન જ્ઞાતિના ઉમેદવારોને સામસામે લડાવવાનો નિર્ણય પણ પક્ષોને ભારે પડી શકે તેમ છે કારણ કે, આ નિર્ણયથી મતોનું ચોક્કસ વિભાજન થઈ શકે છે. જેના લીધે જીતના પ્રબળ દાવેદાર મનાતા મહારથીને પણ હારનો સામનો કરવો પડી શકે તેમ છે.કચ્છમાં ભૂતકાળમાં આવા અનેક દાખલાઓ નજરની સામે છે. ભુજ, અંજાર, રાપર, માંડવી બેઠક પર એક જ સમાજના ઉમેદવારો સામ સામે ટકરાઈ ચુકયા છે. જેમાં અકલ્પનીય પરિણામો સામે આવ્યા હતા. ત્યારે આ વખતે જ્ઞાતિકાર્ડ ઉતારતાં પૂર્વેર્ દરેક રાજકીય પક્ષોએ ફુકી ફુકીને પગલા ભરવા પડશે.

  • કચ્છમાં ટિકિટથી વંચિત સમાજોને સાચવવા કયું ગણિત મંડાશે..?

જિલ્લામાં ભાજપ- કોંગ્રેસ પાસે પ્રભુત્વ ધરાવતા સમાજો દ્વારા થઈ ચુકી છે ટિકિટની માંગણી : કયા સમાજના મોભીને ટિકિટ ફાળવણી અને કોને બાકાત રાખવા તે અંગે રાજકીય પક્ષો કરી રહ્યા છે છેલ્લી ઘડીનું મનોમંથન : આમ આદમી પાર્ટીએ પણ રાજકીય પક્ષોના શ્વાસ કર્યા અધ્ધર

જ્ઞાતિ સમીકરણોને મહત્વ આપવા છતાં અનેક સામજોની માંગ નહીં સંતોષાય તે એક કડવું સત્ય છે : જે સમાજને નારાજ કરાશે તેને સાચવવા તેમજ પક્ષ સાથે જોડી રાખવા ઘડવી પડશે આયોજનબદ્ધ રણનીતિ

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની વિધિવત જાહેરાત થઈ ચુકી છે. જેમાં કચ્છની તમામ છ એ છ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીની વિધિવત જાહેરાત થતા જ રાજ્યમાં ચૂંટણીનો ખરો માહોલ હવે જામ્યો છે તો રાજકીય પક્ષો દ્વારા પણ ઉમેદવારો જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ આગામી દિવસોમાં તેની જાહેરાત થવાની છે. આ વખતે કચ્છમાં ટિકિટ ફાળવણી માટે વિવિધ સમાજો દ્વારા માંગ કરાઈ છે. તેવામાં ટિકિટથી વંચિત રહેનાર સમાજોને સાચવવા રાજકીય પક્ષો કયુ ગણિત માંડશે તે રોચક બની ગયું છે.સમગ્ર દેશમાં વિકાસ મોડેલ તરીકે ગણના પાત્ર ગુજરાતમાં પાછલા ર૭ વર્ષથી સત્તા સ્થાને બિરાજમાન ભાજપ ફરી આ વખતે સત્તા પ્રાપ્તિ માટે પૂર્ણ તૈયારીઓ સાથે ચૂંટણી જંગમાં જોડાયું છે અને આ વખતે કેસરિયા બ્રિગેડ દ્વારા ૧પ૦+ સીટોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજીતરફ અઢી દાયકા કરતા વધુ સમયથી સત્તાથી દૂર વનવાસ સમાન સ્થિતિમાં રહેલ કોંગ્રેસ પણ સત્તા પરિવર્તનના મૂડમાં હોઈ નવા જોમ અને જોશ સાથે પ્રચાર ઝુંબેશ કરી રહ્યું છે. તો આ વખતે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાનું ભાગ્ય દાવ પર મુકયું છે. દિલ્હી અને પંજાબ ફતેહ કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જંપલાવતા રાજયમાં ત્રિપાંખીયા જંગની શકયતાઓ જોવાઈ રહી છે. કચ્છ જિલ્લામાં પણ હવે ધીરે- ધીરે ચૂંટણલક્ષી માહોલ જામી રહ્યો છે, અને ઉમેદવારો જાહેર થયા બાદ તે ગતિ પકડી લેશે, પરંતુ તે પૂર્વે અહીં જાણવું જરૂરી બની ગયું છે કે, આ વખતે કચ્છમાં વિવિધ સમાજો દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસની તુલનાએ ભાજપ સમક્ષ ટિકિટ માંગનાર સમાજોની યાદી લાંબી છે. તો બંને પક્ષો દ્વારા દરેક સમાજને સાથે લઈને જ ચૂંટણી લડવાનું વચન તો આપી દેવાયું છે, પરંતુ એ પક્ષના મોવડીઓ પણ જાણી રહ્યા છે કે, જિલ્લાની ૬ બેઠકોનું મહત્વ ખુબ જ વધ્યું છે. અને તેની હાર- જીત નવા સમીકરણો પણ સર્જી શકે છે. જેથી મતદારોને દ્રષ્ટિએ તેમજ જીત માટે સક્ષમ હશે તેવા દાવેદારોને જ ટિકિટ ફાળવાશે તે એક કડવું સત્ય છે, પરંતુ વિધાનસભા ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે જે લાંબો સમય કહી શકાય ત્યારે ટુંક સમયમાં જ ઉમેદવારો જાહેર થવાના છે ત્યારે તેમાં જે પણ સમાજની બાદબાકી કરાઈ હશે તેમાં નારાજગી ફેલાશે તે હક્કિત છે અને આ નારાજગી પરિણામોને હાર- જીતમાં પણ પરિવર્તન કરી શકે તેમ હોઈ ટિકિટ ફાળવણી બાદ આવા નારાજ સમાજોને સાચવવા માટે પણ પક્ષોને આયોજનબદ્ધ રણનીતિ ઘડવી પડશે.

કચ્છમાં સંભવિત ઉમેદવારોની એનઓસી લેવા દોડાદોડી

રાજકીય પક્ષો સત્તાવાર યાદી જાહેર કરે તે પૂર્વે ઉમેદવારી પત્ર સાથે સ્થાનિક પોલીસ, ગટર પાણીના બિલ, પ્રોપર્ટી ટેક્સ અંગેના એનઓસી સર્ટી. સાથે જોડવાના હોય છે : સોશ્યલ મીડિયામાં સંભવિત નામોની જુદી- જુદી યાદી ફરતી થતાં મુરતિયાઓએ લગાવી દોડ અને સાણા નેતાઓએ આગોતરા જ એનઓસી મેળવી લીધા

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્વારા ટુંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર થવાની છે, ત્યારે સમગ્ર રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ છ બેઠકો માટે રાજકીય પક્ષોના સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો સત્તાવાર યાદી જાહેર કરે તે પુર્વે જ સંભવીત ઉમેદવારોએ એનઓસી લેવા માટે દોડાદોડી શરૂ કરી દીધી છે.આ અંગેની વિગતો મુજબ ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરનાર વ્યક્તિને સ્થાનિક પોલીસ, ગટર- પાણીના બિલ, પ્રોપર્ટી ટેક્ષ અંગેના ના-વાંધા પ્રમાણપત્ર (એનઓસી) લેવાના હોય છે. પોલીસ સ્ટેશનમાંથી વેરીફિકેશનના સર્ટીફિકેટ મેળવવાની સાથે ગટર- પાણીના બિલની સંપૂર્ણ ભરપાઈ થઈ ગઈ હોવા ઉપરાંત પ્રોપર્ટી ટેકસની ભરપાઈ થઈ ગયાનું એનઓસી પણ મેળવવી પડતી હોય છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કચ્છના પણ ઉમેદવારોની જાહેરાત થાય ત્યારે સમયસર ઉમેદવારી પત્રો ભરી શકાય અને કોઈ ચુક ન રહે તે હેતુથી સંભવિત ઉમેદવારોએ એનઓસી લેવા માટે દોડાદોડી શરૂ કરી દીધી છે. તો કેટલાક પ્રબળ દાવેદારો અને હોદ્દેદારોએ તો અગાઉથી જ એનઓસી મેળવી લીધી છે. આ વખતે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવાના દસ્તાવેજોમાં તેમજ વિગતોમાં પણ વધારો થયો હોવાથી ખુટતા તમામ દસ્તાવેજો એક્ત્રિત કરવા માટે પણ નેતાઓ દોડી રહ્યા છે.

કચ્છમાં ચર્ચાતો એક જ સવાલ : કઈ બેઠક પર કોને ફાળવાશે ટિકિટ ?

પ્રદેશ લેવલે ચાલતી જોડતોડની રાજનીતિની પણ જિલ્લામાં લોકમુખે ચર્ચા : રાજકીય પક્ષો મેદાને ઉતરે તે પૂર્વે કચછીજનોએ જમાવ્યો ચૂંટણીલક્ષી માહોલ : શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્તેજના : આ વખતે ક્યો ઉમેદવાર કોઈને નડતો નથી તે…? તેની પણ ચકાસણી કરાય છે…

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જોહર થવાની સાથે જ રાજ્યભરમાં ચૂંટણીલક્ષી માહોલ ખડો થઈ ગયો છે. સત્તા પ્રાપ્તિ માટેની જોડતોડની પ્રણાલી આરંભી દેવામાં આવી હોઈ રાજકીય નેતાઓના પણ રાજ્યમાં આંટાફેરા વધી ગયા છે, તો રાજ્યમાં પ્રભુત્વ ધરાવતા સમાજોને પોતા તરફ કરવા માટે જે-તે સમાજના મોભીઓ સાથે પક્ષના મોવડીઓએ બંધ બારણે બેઠકોનો દોર પણ આરંભી દીધો છે તે વચ્ચે છેવાડાના એવા સરહદી કચ્છ જિલ્લામાં હજુ ચૂંટણીલક્ષી વાયરો ફેલાયો ન હોય તેમ રાજકીય પક્ષોમાં ભારે સૂસ્તી જોવા મળી રહી છે. જો કે, લોકોએ સ્વયંભૂ ખાટલા બેઠકો આરંભી દીધી હોઈ ચોરેને ચોટે ચૂંટણીલક્ષી ચર્ચાઓ થતી જોવા મળી રહી છે. રાજ્યમાં સતત ર૭ વર્ષથી શાસનધુરા સંભાળી રહેલા ભાજપ પક્ષ ૧પ૦+ બેઠકો જીતી ઐતિહાસિક જીત મેળવી ફરી કમળ ખીલવવા રણનીતિ ઘડી કાઢી છે, તો કોંગ્રેસે ર૭ વર્ષના વનવાસમાંથી બહાર આવી ભાજપને તેના જ ગઢમાં પછડાટ આપવા કમર કસી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ તેમજ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા સમાન બની ગઈ છે. લોકશાહીના આ મહાપર્વને ઉજવવા માટે કચ્છીજનોમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે.કચ્છની છ વિધાનસભા બેઠકો પરથી કોને ટિકિટ ફાળવાશે, કોનું પત્તું કપાશે તે સહિતની ચર્ચાઓ માટે લોકોએ ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે, તો ચોરેને ચોટે પણ લોકમુખે ચૂંટણીલક્ષી ચર્ચા જોવા મળી રહી છે, જ્યારે નેતાઓ ટિકિટની ચિંતામાં પડ્યા હોઈ ઉમેદવારો જાહેર થાય તે બાદ જિલ્લામાં ચૂંટણીલક્ષી માહોલ ગરમાવો પકડે તેવી શક્યતા જોવાઈ રહી છે.