વિધાનસભા ચૂંટણી ર૦૧૭ : કચ્છમાં ૪૧ અપક્ષ ઉમેદવારોએ ર૮૬૮૮ મત પર કર્યો હતો કબજો

0
29

૮ ઉમેદવારોએ એક હજારથી વધુ મેળવ્યા હતા : અંજારમાં અપક્ષ અને નોટાએ હાર-જીતમાં ભજવી હતી મુખ્ય ભૂમિકા : છ બેઠકો પર ર૧૩૧૦ મતદારોએ કર્યો હતો નોટાનો ઉપયોગ

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઈ પ્રચાર ઝુંબેશ સતત વેગવાન બનતી જઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં જિલ્લાની છ બેઠકો પર ૧૯ અપક્ષ સહિત કુલ્લ પપ ઉમેદવારો મેદાને છે. કચ્છ જિલ્લામાં મુખ્ય રાજકીય પક્ષોની જ દરેક ચૂંટણીમાં બોલબાલા રહેતી હોય છે. સામાન્ય રીતે ભાજપ – કોંગ્રેસ જ સીધી ટક્કરમાં જોવા મળતા હોઈ ત્રીજો પક્ષ કે અપક્ષો જીતનો સ્વાદ ચાખી શકયા નથી. પરંતુ હારજીત આ બન્ને પરીબળોની મહત્વની ભૂમિકા જોવા મળતી હોય છે. વિધાનસભા ર૦૧૭ ની ચૂંટણીમાં કચ્છમાં ૪૧ અપક્ષ ઉમેદવારોએ ર૮૬૮૮ મત પર કબજો કર્યો હતો.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લાની છ બેઠકો
અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપરમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને હોઈ ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. આ ઉપરાંત અમુક બેઠકો પર મુખ્ય પક્ષો દ્વારા જ જાતીગત સમીકરણને ધ્યાનમાં રાખી સબળ અપક્ષ ઉમેદવારોને પણ મેદાને ઉતારાયા છે.તો અમુક બેઠકો પર સ્વયંભુ રીતે પણ ઉમેદવારોએ અપક્ષ દાવેદારી નોંધાવતા જિલ્લાની છ બેઠકો પર ૧૯ અપક્ષો સહિત પપ ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે. જિલ્લામાં દરેક વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી હોઈ અપક્ષ ઉપરાંત નોટામાં પડેલા મત હાર-જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે. આ બન્ને પરીબળો ચૂંટણી પરિણામમાં પણ મોટી ઉલટફેર સર્જે તો નવાઈ નહીં કહેવાય. ભૂતકાળ પર ડોકીયું કરીએ તો ર૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ૪૧ અપક્ષ ઉમેદવારોએ ર૮૬૮૮ મત કબજે કર્યા હતા. જેમાંથી ૮ અપક્ષ ઉમેદવારોએ એક હજારથી વધુ મેળવ્યા હતા. અંજાર બેઠક પર ભાજપ – કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહ્યા બાદ ભાજપનો ૧૧૩૧૪ મતથી વિજય થયો હતો. જ્યારે આ બેઠક પર અપક્ષોને ૯૨૨૧ જ્યારે નોટામાં ૩૬૦૧ મત પડતા અપક્ષ અને નોટાએ આ બેઠક પર હાર-જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત જિલ્લાની અન્ય ત્રણ માંડવી, ભુજ અને રાપર બેઠક પર અપક્ષોએ ૪ હજારથી વધુ મત કબજે કર્યા હતા. અપક્ષ ઉમેદવારોના મત વિજેતા કે હરીફ ઉમેદવારને મળ્યા હોત તો પરિણામ કંઈ અલગ જ હોત. વર્તમાન વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ૧૯ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોઈ કઈ બેઠકના પરિણામમાં મુખ્ય ભૂમિકા ભજવે છે તે તો આવનારો સમય જ બતાવશે.