પશ્ચિમ કચ્છના ર૩ અને ર૪ મા પોલીસ સ્ટેશન તરીકે

0
46

  • આજથી પ્રાગપર અને કોડાય થાણા કાર્યરત

રેન્જ આઈજી જે.આર. મોથાલીયા અને પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘની ઉપસ્થિતિમાં બન્ને થાણા લોકો માટે મુકાયા ખુલ્લા : ગ્રામ્ય વિસ્તારના અરજદારોને માંડવી અને મુંદરા પોલીસ મથકે થતો ફેરો બચશે અને આ વિસ્તારમાં ઉંચકાયેલો ક્રાઈમ રેશીયો ઘટે તેવો આશાવાદ કરાયો વ્યકત

 

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં આજથી વધુ બે પોલીસ સ્ટેશન ઉમેરાયા છે. લોકોની સવલત ખાતર મુંદરા તાલુકામાં પ્રાગપર અને માંડવીમાં કોડાય પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. આ બન્ને થાણાઓમાં મુંદરા અને માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડાઓ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના અરજદારોને તાલુકા મથક સુધી થતો ફેરો અટકશે અને ક્રાઈમ રેશીયો ઘટશે તેવો આશાવાદ વ્યકત કરાયો છે.આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ બન્ને નવા પોલીસ સ્ટેશન હાલમાં હંગામી જગ્યાએ શરૂ કરવામાં આવ્યા છે. જમીન નક્કી થઈ ગઈ છે, પરંતુ સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર થયા બાદ નવા બિલ્ડીંગ બનશે ત્યારે થાણા શીફટ થશે હાલમાં હંગામી જગ્યાએ બન્ને પોલીસ સ્ટેશન ચાલશે. ચૂંટણી બાદ જ નવા બિલ્ડીંગ બનશે. હાલમાં પ્રાગપર પોલીસ સ્ટેશન માંડવી – ગાંધીધામ નેશનલ હાઈવે પર એસઆર પેટ્રોલ પંપની બાજુમાં શરૂ કરાયું છે. તેમાં એક પીઆઈ અને એક પીએસઆઈ સહિત પ૮ નું મહેકમ મંજૂર કરાયું છે. જયારે કોડાય પોલીસ સ્ટેશન કોડાય ચાર રસ્તા પાસે આવેલી પોલીસ ચોકીમાં એક પીઆઈ અને એક પીએસઆઈ સાથે પ૯ ના મહેકમ સાથે શરૂ કરાયું છે. જો કે હાલ બન્ને થાણામાં એક એક પીઆઈ અને અડધો સ્ટાફ અપાયો છે. માંડવી અને મુંદરા પોલીસ સ્ટેશનમાંથી જ આ બે નવા થાણા બન્યા હોઈ ત્યાંથી જ સ્ટાફ મુકવામાં આવ્યો છે. લાંબા સમયની માંગણી બાદ આખરે આ પોલીસ સ્ટેશન શરૂ થયા છે જેનું આજે રેન્જ આઈજી જે. આર. મોથાલીયા અને પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.પ્રાગપર પોલીસ મથકના ઉદ્‌ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે કાર્યક્રમમાં પ્રથમ મોરબી હોનારતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં ચેતન મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કરીને રીબીન કાપી થાણાને ખુલ્લું મુકાયું ત્યારે આઈજીએ પોલીસ સ્ટેશનના દરેક વિભાગોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો જાણી નવા અધિકારીઓને પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરવા સુચન આપ્યું હતું. નવા પોલીસ મથકમાં પીઆઈની ચેમ્બરમાં રેન્જ આઇજી જે. આર. મોથાલિયાએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી.આ પ્રસંગે રેન્જ આઇજીએ જણાવ્યું કે, નવા બે પોલીસ મથક શરૂ થતા આ વિસ્તારના લોકોની વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને વધુ સાર્થક બનાવી લોકોની સેવા, સુરક્ષા અને સલામતી માટે આ બન્ને થાણાના અધિકારી – કર્મચારીઓ પ્રયત્નશીલ રહેશે તેવું જણાવ્યું હતું.મુંદરા પીઆઈ હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું કે, પ્રાગપર પોલીસ મથક આજથી ચાલુ થતા શાંતિ અને સુરક્ષા વધશે. તેમજ મુન્દ્રા પોલીસ મથકના ૨૭ ગામો અને કોસ્ટલ પોલીસ મથક ના ૪ ગામોનો પ્રાગપરમાં સમાવેશ થયો છે. તેમણે ઉપસ્થિત રાજકીય સામાજિક મહાનુભાવો અને વિવિધ ગામના સરપંચોનું સ્વાગત કર્યું હતું તેમજ આ પ્રસંગે રેન્જ આઇજી જે. આર. મોથાલિયાનું સન્માન એસ. પી. સૌરભસિંઘે કર્યું હતું. તો એસ. પી. સૌરભસિંઘ, નાયબ જિલ્લા પોલીસ વડા આર. ડી. જાડેજાનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ રાજકીય સામાજિક આગેવાનો, વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મુન્દ્રાની આર.ડી. એજ્યુકેશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસરે કર્યું હતું. મુન્દ્રા પોલીસના મહીપતસિંહ વાઘેલા, સંજયસિંહ જાડેજા, રવજીભાઈ આહીર, જયેન્દ્રસિંહ ઝાલા, જીગ્નેશ અન્સારી, તેમજ સમસ્ત પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પ્રાગપરના નવા પીઆઈ તરીકે પી. વી. ગઢવીએ ચાર્જ સંભાળ્યો હતો. દરમ્યાન માંડવી તાલુકાના કોડાય ગામે પણ રેન્જ આઇજીના હસ્તે પોલીસ મથકનું ઉદ્‌ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિરમ ગઢવી, કીર્તિ ગોર, રાજેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, વિજયસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ ચુડાસમા, ભોજરાજ ગઢવી, પ્રધ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના ચેતન ચાવડા, લાલુભાઈ પરમાર, યુવા ભાજપના શક્તિસિંહ જાડેજા, માંડણભાઈ રબારી, જીંદાલના શ્રી ભટ્ટ, પરાક્રમસિંહ સરવૈયા, કાલિદાસભાઈ સહિત, પ્રાગપર, બારાયા, વિરાણિયા, ટોડા, મોખા, ગુંદાલા, વવાર, રાધા, છસરા, પત્રી, કુંદ્રોડી, બગડા, ફાચરિયા, વાઘુરા, લફરા, રતાડિયા વાડી, નાના કાંડગરા, ટપ્પર, કણઝરા, લાખાપર, કારાઘોઘા, બૌચા, બાબિયા, બેરાજા, રામાણિયા, મોટી તુંબડી, નાની તુંબડી, ડેપા, ગેલડાના અગ્રણી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નવા બે પોલીસ સ્ટેશનના કારણે માંડવી – મુંદરાના તમામ થાણાઓની હદમાં થયા ફેરફાર

નવા બે પોલીસ સ્ટેશન શરૂ થઈ જતા માંડવી અને મુંદરાના તમામ પોલીસ સ્ટેશનોની હદમાં ફેરફાર થયા છે. પ્રાગપર અને કોડાયમાં હાલના માંડવી અને મુંદરા પોલીસ સ્ટેશનમાંથી ગામડાઓ ફાળવવામાં આવ્યા છે જેથી આ બન્ને પોલીસ સ્ટેશનનું ભારણ પણ ઘટયું છે ત્યારે લોકો માટે એ જાણવું જરૂરી છે કે તેમના ગામનો સમાવેશ કયા પોલીસ સ્ટેશનમાં થાય છે. જેથી નવા ફેરફારો પર નજર કરીએ તો મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં મુન્દ્રાટાઉન, સુખપર વાસ, બારોઈ, ઝરપરા, ધ્રબ, નાના કપાયા, બોરાણા, મોટા કપાયા, ભોરારા, સમાઘોઘા, ભુજપુર મોટી, ભુજપુર નાની, દેસલપર, મોટા કાંડાગરા, મોટી ખાખર, જબલપુર, પ્રતાપપર, નવીનાળ, શિરાચા, ટુંડા, ટૂંડા વાંઢને સમાવાયા છે. તો મુન્દ્રા મરીનમાં ભદ્રેશ્વર, ભરૂડિયા, વડાલા, પાવડીયારા, હટડી, કુકડસર, કુવા પધ્ધર, હમીરામોરા, લુણી, ગોયરસમા, શેખડીયા, સાડાઉ, મંગરાનો સમાવેશ થાય છે. નવા બનેલા પ્રાગપર પોલીસ સ્ટેશનમાં પ્રાગપર-૧, પ્રાગપર-૨, બરાયા, વિરાણીયા, ટોડા, મોખા, ગુંદાલા, વવાર, રાધા, છસરા, પત્રી, કુંદરોડી, બગડા, ફાચરીયા, વાગુરા, લફરા, રતાડીયા, વાંકી, નાના કાંડાગરા, ટપ્પર, કણઝરા, લાખાપર, કારાઘોઘા, બોચા, બાબીયા, બેરાજા, રામાણીયા, મોટી તુંબડી, નાની તુંબડી, ડેપા, ગેલડા ગામનો સમાવેશ થાય છે. બંદરીય શહેર માંડવીના સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં હવેથી માંડવી શહેર, મસ્કા, શિરવા, ભારાપર, કાઠડા, દુર્ગાપુર, બાગ, નાગલપર, ઢીઢ, વાડા, મોટા લાયજા, નાના લાયજા, ગોધરા, મેરાઉ, બાડા, પાંચોટિયા, ભાડા, ભીંસરા, જનકપુર, બાંભડાઇ, સલાયા, મોઢવા, ગુંદીયાળી, ત્રગડી, નાના ભાડિયા વિસ્તારને આવરી લેવાયો છે. જ્યારે સૌથી વધુ ગામડાઓ ગઢશીશા પોલીસ મથકની હદમાં આવે છે જેના પર નજર કરીએ તો હવેથી ગઢશીશા પોલીસ મથકમાં ગઢશીશા, દેવપર, મોટી મઉ, નાની મઉ, રત્નાપર, મકડા,પોલડીયા, શેરડી, હમલા, મંજલ, પ્યાકા, ગંગાપર, નાની ભાડઇ, મોટી ભાડઇ, ડોણ, ઘોડાલખ, વરજડી, દુજાપર, રામપર, વેકરા, વાંઢ, ફિલોણ, નાની વિરાણી, નાભોઈ, અજાપર, જામથળા, લુડવા, મોમાઈમોરા, બીલેશ્વર, ભેરૈયા, વિગડીયા, રાજપર, આશરડી, દરશડી, બાયઠ, હાલાપર, સાંભરાઈ મોટી, નાગ્રેચા, કોકલીયા, રતડીયા નાના, મોટી ઉનડોઠ, નાની ઉનડોઠ, રાજડા, કોટાયા, પદમપુર, ચાંગડાઈ, વિઢ, મોડકુબા, સાંભરાઈ નાની, માપર, રતડીયા મોટા, ત્રાયા,જવાહરપુર, દેઢીયા, ભોજાય, ગાંધીગ્રામ, કોટડી મહાદેવપુરી ગામ આવરી લેવાયા છે. જ્યારે આજથી શરૂ થયેલા કોડાય થાણામાં કોડાયની સાથે મોટી રાયણ, નાની રાયણ, મદનપુરા, પિયાવા, ધોકડા, નાના આસંબીયા, મોટા આસબીયા, જખણીયા, કોજાચોરા, પુનડી, ધૂણાઇ, મોટા ગોણીયાસર, નાના ગોણીયાસર, બીદડા, નાની ખાખર, ફરાદી, તલવાણા, મોટા ભાડીયા, પીપરી ગામ સમાવિષ્ટ કરાયા છે.