કચ્છની ૧ર સરકારી શાળાઓમાં ધો.૧૧ના વર્ગની મંજૂરી

0
24

ભુજ તાલુકાની ત્રણ, અંજાર-નખત્રાણા તાલુકાની બબ્બે અને રાપર, મુંદરા, લખપત, અબડાસા તેમજ માંડવી તાલુકાની એક-એક શાળાનો સમાવેશ : માધ્યમિક શાળાઓમાં નવા વર્ગની મંજૂરી મળતા વિદ્યાર્થીઓમાં ખુશી

(બ્યુરો દ્વારા)ભુજ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બિનઆદિજાતિ, આદિજાતિ અને એસસીપી વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓને નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં શિક્ષણ વિભાગના ર૬-પ-ર૦રરના ઠરાવથી મળેલ મંજૂરી
અન્વયે રાજ્યની બાવન સરકારી સ્કૂલોમાં ધો. ૧૧ ના પ્રથમ વર્ગને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીમાં કચ્છની ૧ર શાળાઓનો સમાવેશ થયો હોઈ આ વિસ્તારના વિદ્યાર્થીઓમાં પણ ખુશી ફેલાઈ છે.રાજયના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા કરાયેલા આદેશાનુસાર કચ્છ જિલ્લાની ૧ર સરકારી શાળાઓમાં ધો. ૧૧ ના પ્રથમ વર્ગની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભુજ તાલુકાના પધ્ધર, સુમરાસર (શેખ), ઝુરા, મુંદરાના તાલુકાના ધ્રબ, લખપતના ઘડુલી, અંજારના તાલુકાના ભુવડ અને અંજારની સરકારી અંગ્રેજી માધ્યમિક શાળા, રાપર તાલુકાની ભીમાસર (ભુટકીયા), અબડાસા તાલુકાની કનકપર, માંડવી તાલુકાની ફરાદી તેમજ નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) અને મંગવાણાની સરકારી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. આ તમામ માધ્યમિક શાળાઓમાં ધો. ૧૧ ના વર્ગની મંજૂરી મળતા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્થાનીકે જ ઉચ્ચાભ્યાસ કરવાની તક મળી રહેશે.

૮ શાળાઓમાં ધો.૧ર ને લીલીઝંડી

ભુજ : જિલ્લાની ૧ર સરકારી સ્કૂલમાં ધો. ૧૧ના વર્ગને મંજૂરી આપવા ઉપરાંત ૮ શાળાઓમાં ધો. ૧ર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભુજ તાલુકાની કુરન, મુંદરાની મોટી ખાખર, અંજારની નવાગામ, ભીમાસર (ચ), મીંદીયાળા, વીરા, ગાંધીધામની મીઠીરોહર અને ભચાઉ તાલુકાની મોમાય મોરા શાળાનો સમાવેશ થાય છે.