કચ્છ યુનિ.નો વધુ એક છબરડો : એમ.કોમ. ના બે સેમેસ્ટરમાં ટાઈમટેબલ સરખા રાખ્યા

image description
સેમેસ્ટર-ર અને ૪ની પરીક્ષાનો સમય સરખો રખાતા થયો વિવાદ : કુલ સચિવનું ધ્યાન દોરતા યુનિ.એ ભૂલ સુધારી
ભુજ : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી પોતાને ડીઝીટલ યુનિવર્સિટી માને છે. વેબસાઈટમાં પણ ડીઝીટલ યુનિવર્સિટી કહેવામાં આવે છે, પરંતુ અવાર નવાર યુનિવર્સિટીના છબરડા સામે આવતા હોય છે. તાજેતરની જો વાત કરીએ તો પદવીદાન સમારોહમાં પ્રેસનોટમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહનું નામ ભૂતેન્દ્રસિંહ લખવામાં આવ્યું હતું. બાદમાં પરીક્ષા કાર્યક્રમોની જાહેરાત વખતે રર જૂલાઈથી પરીક્ષા શરૂ થાય છે તેવું લખવાના બદલે રર જૂનથી પરીક્ષા શરૂ થાય છે તેવુંં લખાણ યુનિવર્સિટીએ ડીક્લેર કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ વિમાસણમાં મૂકાઈ ગયા હતા. આ ભૂલ હજુ સમી નથી ત્યાં યુનિવર્સિટીએ ફરી ભાંગરો વાટ્યો છે. હાલમાં યુનિવર્સિટીની પરીક્ષા અંતર્ગત ઓનલાઈન વેબસાઈટ પર પરીક્ષાના કાર્યક્રમ અપલોડ કરવામાં આવે છે, જેમાં માસ્ટર ઓફ કોમર્સમાં સેમેસ્ટર-ર અને ૪ની પરીક્ષા લેવાની હોવાથી પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયા હતા, પરંતુ બન્ને પરીક્ષામાં સમય એક જ રખાયો હતો. બપોરે ૧ર.૪પ થી ર.૪પ સુધી પરીક્ષાનું આયોજન કરી ટાઈમ ટેબલ પણ જારી કરી દેવાયું હતું. સેમેસ્ટર-૪માં ભણતા વિદ્યાર્થીને સેમેસ્ટર-રમાં એટીકેટી હોય તો તે પુનરાવર્તનની પરીક્ષા કેવી રીતે આપી શકે તેવો સવાલ ઉઠવા પામ્યો હતો. આ પ્રકારે ગંભીર ભૂલ કરી યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિત સાથે સરેઆમ ચેડા કરી રહી છે. કારણ કે, પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી નાની સહેજ ભૂલ કરે તો માર્કસ કાપી લે છે, તો નાની અમથી બાબતમાં કોપી કેસ કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂધંળ કરી નાખવામાં આવે છે, પરંતુ યુનિવર્સિટી વારંવાર ભૂલ કરે છે, પરંતુ તેના માર્કસ કોઈ કાપતું ન હોય તેમ શિક્ષણ વિભાગની વડી કચેરી દ્વારા પણ કોઈ પગલાં લેવાતા નથી. કચ્છને લાંબા સમય બાદ કાયમી કુલપતિ અને રજિસ્ટ્રાર મળ્યા છે, જેઓ યુનિવર્સિટીના કથળેલા વહિવટને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અવાર નવાર થતી ભૂલો યુનિવર્સિટીનું તંત્ર કેટલું ખાડે ગયું છે તે છતુ કરે છે. આ બાબતે વિદ્યાર્થીઓના હિતમાં કુલસચિવનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા તાત્કાલિક પરીક્ષા નિયામકને સૂચના આપી ટાઈમટેબલમાં ફેરફાર કરી દેવાયો છે, જેથી સેમેસ્ટર-૪ની પરીક્ષા બપોરે ૩.૩૦ થી પ.૩૦ સુધી લેવાનો પરીપત્ર યુનિ.એ ઈસ્યુ કર્યો હતો.
ત્રીજી વેવની સંભાવનાને ધ્યાને લઈ યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો 
ભુજ : કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્નાતકકક્ષાના સેમ-૬ અને અનુસ્નાતક કક્ષાના સેમ.ર અને ૪ની રેગ્યુલર, રિપિટર, એક્ષટર્નલ, એટીકેટીની ઓફલાઈન પરીક્ષાઓનો આયોજન રર જુલાઈથી કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીની વેબસાઈટ પર પરીક્ષાનું માળખુ, પેપરનો સમય, માર્કસની વિગતો મુકવામાં આવી છે. રર જુલાઈથી શરૂ થતી પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ એકમાસની અંદર પૂરક પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. સરકારની સૂચના અને કોવિડ-૧૯ની પરિસ્થિતિ જોતા ત્રીજા વેવની પરિસ્થિતિ ઊભી થાય તો ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ફી રિફંડ કરવામાં આવશે તેવું કુલ સચિવની અખબારી યાદીમાં જણાવાયું હતું.