કસ્ટોડિયલ ડેથના આરોપી પોલીસકર્મી શક્તિસિંહ વિરૂદ્ધ અમાનુષી ત્રાસ આપ્યાની વધુ એક રાવ

ભુજપુરમાંથી બે વર્ષ પૂર્વે ગૂમ થયેલી પરિણીતાના કેસમાં તેના જ પતિ પર ગુજારાયો ત્રાસ : ગામ છોડીને પરિવાર અબડાસાના મોટી સિંધોડીમાં વસ્યો

ભુજ : મુંદરા તાલુકાના ભુજપુરમાં રહેતા પરિવારની પુત્રવધુ બે વર્ષ પૂર્વે ગૂમ થયા બાદ જે તે વખતે મુંદરા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા પરિણીતાના પતિને જ તેણે તેની પત્નિની હત્યા કરી હોવાનું જણાવી અમાનુષી ત્રાસ અપાયો હતો. પોલીસ ત્રાસથી પરિવાર ભુજપુર છોડીને અબડાસાના મોટી સિંધોડીમાં રહેવા ચાલ્યો ગયો હતો, ત્યારે હવે તેની પુત્રવધુ જીવત હોવાનું જાણવા મળતા જિલ્લા પોલીસવડાને યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેવલબાઈ ધનરાજભાઈ ગઢવીએ આ અંગે એસપીને કરેલી રજૂઆતમાં ગત તા. ૮-૯-ર૦૧૯ના તેમના પુત્ર કાનજી ઉર્ફે કનૈયાની પત્નિ ધનબાઈ એકા એક પોતાના પુત્રને છોડીને ઘરમાંથી રોકડા રૂા.પ હજાર અને દાગીના લઈને નાસી ગઈ હતી. આ અંગે મુંદરા પોલીસ મથકમાં ગુમ નોંધ ફરિયાદ કરતા જે તે વખતના પોલીસ કર્મી અને હાલ કસ્ટોડિયલ ડેથના આરોપી શક્તિસિંહ દ્વારા ઉલ્ટાનો કાનજીને ત્રાસ અપાયો હતો. પોલીસે જ તે તારી પત્નિની હત્યા કરી નાખી છે તેવા આરોપ લગાવીને અમાનુષી અત્યાચાર કર્યો હતો. કાનજીની પત્નિ જીવીત હોવાનું જાણવા મળ્યું હતું અને તે માંડવી તાલુકાના કાઠડા ગામે અશોક નામના અપંગ વ્યક્તિ સાથે ઘર વસાવ્યું છે. અશોક અને ધનબાઈ અગાઉ ગાંધીધામ રહેતા હતા. અશોક સામે કોઈ ગુનો નોંધાતા તે કાઠડા ભાગી આવ્યા હતા અને હવે ફરીથી બનબાઈ દ્વારા ધાક ધમકી કરાતી હોવાની ફરિયાદ અરજી એસપીને કરાઈ છે.