ભુજમાં પાણી સંગ્રહ માટે નળ સે જળ યોજના અંતર્ગત વધુ ૪૦ કરોડના ખચે કરાશે

0
31

નર્મદાના પાણીની મુખ્ય લાઈનમાં ગાબડુ પડે ત્યારે ત્રણ-ચાર દિવસ પાણી બંધ રહે છે તે સમસ્યાનું આવશે અંત : પાણીના ટાંકા બનવાથી સંગ્રહ શક્તિ વધશે : ટેન્કર પ્રથા બની જશે ભૂતકાળ : અગાઉ અમૃતમ યોજના હેઠળ પાણીના ટાંકા બનાવાયા હતા

ભુજ :  નર્મદાની મુખ્ય લાઈનમાં અવાર નવાર ગાબડુ પડતુ હોય છે જેના કારણે ભુજ શહેરમાં પાણીનો પુરવઠો બંધ થઈ જાય છે. અનેક વખત ત્રણથી ચાર દિવસ માટે પાણીના વલખા મારવા પડે છે અને પાલિકાના ટેન્કરો મારફતે પાણી પહોંચાડાય છે. અગાઉ અમૃત યોજના હેઠળ પાણીના ટાંકા બનાવાયા હતા જયારે હવે નળ સે જળ યોજના અંતર્ગત વધુ ૪૦ કરોડના ખર્ચે પાણીની સંગ્રહ શક્તિ વધારી ટાંકા બનાવાશે.

નળ સે જળ યોજના અંતર્ગત ભુજમાં ૪૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી જગ્યા પર પાણીના ટાંકાઓ બનાવાશે જેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.  ટુંક સમયમાં આ ટાંકાઓનું કામ શરૂ થઈ જશે જેથી પાણીની ખપત ટાણે આ પુરવઠો કામ આવી શકશે. નર્મદાની લાઈનમાં ભંગાણ પડે છે ત્યારે ભુજમાં પાણી પુરવઠો વિતરણમાં ખોરવાઈ જાય છે.  ત્યારે આ ટાંકાઓ બની જવાથી પાણીની સંગ્રહ શક્તિ વધી જશે ત્યારે ખપત વેળાએ આ પાણીના ટાંકામાં સંગ્રહ થયેલું પાણી લોકોને પહોંચાડી શકાશે. ૪૦ કરોડ રુપીયાના ખર્ચે પાણીના દસ જગ્યાએ ટાંકા બનાવવા માટે ટેન્ડરીંગ પ્રક્રીયા પુર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી શહેરમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૨ કરોડ ૫ લાખ લિટર જેટલી વધી જશે. ગુજરાત અર્બન ડેપલોપેમન્ટ ઓથોરીટી તરફથી આ ટેન્ડરીંગ પ્રક્રીયા પુર્ણ થઈ છે ત્યારે હવે ટુંક સમયમાં ખાતુમહુર્ત સહિતની કામગીરી ચાલુ કરવામાં આવશે. સુરલભીટ પાસે આવેલા ચાર એમ.એલ.ડી. પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ ૬૩ લાખ રુપીયા, આર.સી.સી. રો વોટ સમ્પ માટે બે કરોડ, આર.સી.સી. ઈ.એસ.આર. માટે છ કરોડ, દંતેશ્વર સ્ટાફ કવાર્ટર માટે ૭૪ લાખ, પમ્પીંગ મશીન રીપ્લેશમેન્ટ માટે પોણા બે કરોડ, ભુજીયાથી કુકમા મેઈન લાઈન માટે ર૦ કરોડ, પાઈપ લાઈન માટે ત્રણ કરોડ, કપાઉન્ડ વોલ માટે પ૧ લાખ, સી.સી. રોડ માટે ૪૦ લાખ મળી કુલ ૪૦ કરોડ રુપીયાનો ખર્ચ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ શહેરમાં પાણીની સંગ્રહ શક્તિ ઓછી હોતા પાણીની લાઈનમાં ભંગાણ થતા શહેરમાં પાણી વિતરણની કામગીરી ખોરવાઈ જતી હતી. અને લોકોને ટેન્કરનો આશરો લેવો પડતો હતો. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, નગરપતિ ઘનશ્યામ ઠક્કર, પાણી પુરવઠાના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કર, મનદીપ સોલંકીના પ્રયાસોથી હવે ભુજમાં ટેન્કરની પ્રથા ભૂતકાળ બની જશે તેવું જણાઈ રહ્યું છે. શહેરમાં પાણી સંગ્રહની ક્ષમતા વધી જતા કોઈપણ ખામી કે ભંગાણ વખતે લોકોને ટાંકાઓમાં સંગ્રહિત પાણીનું વિતરણ કરી શકાશે.

ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની નળ સે જળ યોજના માટે ભુજ નગરપાલિકાએ પોતાની જરૂરિયાત અનુસાર સંપૂર્ણ વિગતોનો સમાવેશ કરી પ્લાન બનાવી ગુજરાત સરકારને સોંપી આપેલ. જે અનુસંધાને ૪૨ કરોડથી વધુના જળ સંગ્રહના કામોને મંજૂરી મળી છે. અને તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ યોજના હેઠળ ભુજને ચાર અલગ અલગ ઝોનમાં વિભાજીત કરી પાણીના નવા ટાંકા અને લાઈનનું કામ હાથ ધરાશે.

ભુજ શહેરમાં પાણીના ટાંકાના સ્થળ અને સંગ્રહ કેપેસીટી

ભુજીયા ટાંકાની ૭પ લાખ લીટર શંપ તેમજ ર૦ લાખ લીટર, તો વાલદાસ નગર સંપના ૧૦ લાખ લીટર અને વાલદાસ નગર ઈ.એસ.આર. ૧૦ લાખ લીટર , તોરલ ગાર્ડન સંપ અને ઈ.એસ.આર.માં ૧૦-૧૦ લાખ, સુરલભીટ સંપ અને ઈ.એસ.આર.માં ૪૦-૧૦ લાખ, આત્મારામ સર્કલ સંપ અને ઈ.એસ.આર.માં ૧૦-૧૦ લાખની સંગ્રહ શક્તિ છે. તેમજ આ ટાંકાઓ માટે સાત કલોરીન પ્લાન્ટ પણ વસાવવામાં આવશે.

પાણી માટે અવાર નવાર થાય છે માથાકુટ

શહેરમાં પાણીની તંગી વર્તાય છે ત્યારે ટાંકા માટે અવાર નવાર માથાકુટ સર્જાતી હોય છે. થોડા સમય પુર્વે નગરપાલિકાના ટાંકા પરથી કાઉન્સીલરો દ્વારા આડેધડ પાણીના ટેન્કરના ફેરા કરાવાતા હતા જેથી એક ચોક્કસ નિયમ લાગુ કરી દેવાયો હતો. પાણીના ટેન્કરના ર૦૦ રુપીયા ભરીને લાઈન મુજબ પાણી પહોંચાડવામાં આવતું હતું. હવે ઓનલાઈન કે રુબરુ નાણા ભરી પાણીના ટેન્કર અપાય છે.