અંજાર પોલીસે ૬ મહિનામાં કબ્જે કરેલા ૧ કરોડના શરાબ પર ફેરવાયું રોડ રોલર

0
66

શિણાય પાસેની પડતર જમીનમાં કરાઈ કાર્યવાહી

અંજાર : અહીં પોલીસ દ્વારા છેલ્લા ૬ મહિનામાં કબ્જે કરવામાં આવેલ કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ અંજાર પોલીસ દ્વારા ગત તા. ૧૬મી માર્ચથી ર૩ સપ્ટેમ્બર સુધી વિવિધ દરોડાઓમાં કબ્જે કરાયેલ વિદેશી દારૂનો જથ્થો શિણાય ડેમ નજીક ખાલી મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો. અંદાજે રૂપિયા ૧ કરોડની કિંમતના દારૂ પર રોડ રોલર અને જેસીબી ફરી વળતાં સીમાડામાં દારૂની દુર્ગધ પ્રસરી ગઈ હતી, અને દારૂની નદીઓ વહેવા લાગી હતી. જેને જોઈને અનેક પ્યાસીઓના હૃદય બળી ગયા હતા. પોલીસ દ્વારા વિવિધ દરોડાઓમાં કબ્જે કરાયેલા ૯૯ લાખ ૪૩ હજારના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૭,૪૭૭ કિ.રૂા. ૭૪,૧૭,૬૮પ તેમજ ૧૮૦ એમએલના ક્વાટરિયા નંગ ૬૮૧૩ કિ.રૂા. ૧૭,૧૩,પ૦૦ અને અલગ અલગ બ્રાન્ડના ૮,૧ર,૧૦૦ની કિંમતના ૮,૧૧ર બીયરના ટીનનો સમાવેશ થાય છે. મુદ્દામાલ નાશ કરવા માટે અંજાર કોર્ટમાંથી પરવાનગી મેળવવામાં આવી હતી. જે બાદ એસપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ અંજારના પ્રાંત અધિકારી એમ.વી. દેસાઈ, ડીવાયએસપી મુકેશ ચૌધરી, પીઆઈ એસ.ડી. સિસોદિયા, નશાબંધી અને આબકારી અધિકારી તથા રાઈટર હેડ નમ્રતાબેન ગઢવી, એએસઆઈ અને સબ ડિવિઝન કચેરીના સ્ટાફના માણસોની હાજરીમાં દારૂના મુદ્દામાલ પર આરટી પેવર અને ત્રિશુલ કન્સ્ટ્રકશનના વાહનોનો ઉપયોગ કરી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.