પ્રવાસીઓના ઘસારા વચ્ચે સ્મૃતિવનમાં લિફટ બંધ થતા ફેલાયો કચવાટ

0
48

મોરબી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું : લિફટના કારણે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે કવાયતઃ સ્મૃતિવન સંચાલકો, કન્સલટન્ટ એજન્સીના જવાબદારોએ મેન્ટેનન્સનું દર્શાવ્યું કારણ

ભુજ : દિવાળી વેકેશન પુરૂં થઈ ગયું છે, પરંતુ કચ્છમાં પર્યટકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. હાલમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ સ્મૃતિવન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કરોડોના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્મૃતિવન અર્થકવેક મેમોરીયલ એન્ડ મ્યુઝીયમની કચ્છ આવતા દરેક પ્રવાસીઓ મુલાકાત અચૂક લે છે. સ્મૃતિવન મેમોરિયલ ખાતે દિવ્યાંગ અને વયોવૃધ્ધ પ્રવાસીઓ માટે હાઈડ્રોલિક લિફટની સુવિધા શરૂ કરવામાં આવી છે, પરંતુ શરૂ થયાના ગણતરીના સપ્તાહમાં જ અચાનક દિવસો સુધી લિફટ બંધ જઈ જતા મસમોટી ફી ચૂકવીને મ્યુઝિયમની મુલાકાતે આવતા વૃધ્ધો અને દિવ્યાંગ પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પ્રવાસીઓના ભારે ઘસારા વચ્ચે તમામ છ લિફટો બંધ કરી દેવાતા પ્રવાસીઓમાં કચવાટ ફેલાયો હતો. આ અંગે સ્મૃતિવનના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે લિફટ બંધ થવાના કારણો અંગે સ્પષ્ટ કોઈ જવાબો આપ્યા ન હતા.મ્યુઝિયમ સંચાલક મનિષ પાંડે, ઓપરેટર મેનેજર વલીમભાઈએ લિફટ ટેકનીકલ કારણોસર બંધ હોવાનું જણાવ્યું હતું. હાઈડ્રોલિક લિફટ અંગે અમદાવાદ કન્સલટન્ટ એજન્સી કેપીએમજીના સાઈટ ઈજનેર ભરતભાઈએ મેન્ટેનન્સના કારણો આપી લિફટ બંધ કરાઈ હોવાનું જણાવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ પણ મેન્ટેનન્સનું કારણ આપ્યું હતું. જોકે, સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મોરબી દુર્ઘટના બન્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને મોરબી જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે હાઈડ્રોલિક લિફટની ક્ષમતાની ચકાસણી માટે કવાયત હાથ ધરી હતી. દિવાળી વેકેશન દરમ્યાન જ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતા સાવચેતીના ભાગરૂપે જ લિફટ બંધ કરી દેવાઈ હોવાનું સુત્રો જણાવે છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાયું છે કે રૂટીન મેન્ટેનન્સનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તમામ લિફટ ફરી કાર્યરત કરી દેવામાં આવી છે.