ઓપરેશન માટે મહિલાને બેહોશ કરવા ઈન્જેક્શન અપાયું, ધબકારા વધતા મોત

0
37

અંજારના લશ્કરી ફળિયામાં ફીનાઈલ પી જનારા યુવાને દમ તોડયો

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં અપમૃત્યુની બે ઘટનાઓ સામે આવી છે. બી ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઈફકો ગાંધીધામમાં રહેતા ૩૬ વર્ષિય પ્રેમલતાબેન અનંતકુમારને કોથળીની ગાંઠનું ઓપરેશન કરાવવાનું હોઈ ગાંધીધામમાં આવેલ શ્રધ્ધા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન પહેલા બેહોશ કરવા માટે તેમને ઈન્જેક્શન અપાતા મરણજનારના ધબકારા વધી ગયા હતા અને હૃદય બેસી જતા મોત આંબી ગયું હોવાની ઘટના સામે આવવા પામી છે, જેને પગલે પરિવાર આઘાતમાં સરી ગયો હતો. બી ડિવિઝન પોલીસે બનાવ અંગે એડી દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ કે. જે. વાઢેરે હાથ ધરી છે.
તો આ તરફ અંજારના લશ્કરી ફળિયામાં રહેતા ર૮ વર્ષિય યુવક ઈરફાનશા શાહનવાઝ સૈયદે ગત ર૯ તારીખે બપોરે બાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધું હતું, જેથી સારવાર માટે ડીવાઈન લાઈફ કેર હોસ્પિટલ અંજાર ખાતે લઈ જવાતા સારવાર દરમ્યાન તેનું મોત થવા પામ્યું હતું, જેથી લાશને અંજાર સીએચસી ખાતે લાવવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નાના કપાયામાં યુવકનો અકળ આપઘાત

ભુજ : મુંદરા તાલુકાના નાના કપાયા ગામે આવેલા શક્તિનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝાડ પર લટકીને આપઘાત કરી લેતા ચકચાર પ્રસરી ગઈ હતી. પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ૩ર વર્ષિય સંતોષ શ્રીરામ નામના યુવકે ગત ૩૦ તારીખની રાતથી ૧ તારીખની રાત દરમ્યાન આ પગલું ભર્યું હતું. નાના કપાયામાં સોધમ એપાર્ટમેન્ટની સામે આવેલ લીંબડાના ઝાડમાં કપડાની રસ્સી બાંધીને કોઈ કારણોસર આયખું ટુંકાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હતભાગી યુવક મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે