કચ્છમાં ચેકીંગ પર ‘ચૂંટણીલક્ષી’ બ્રેક લાગતા વીજચોરોને મોકળું મેદાન

0
28

વિધાનસભા ચૂંટણી અનુસંધાને પીજીવીસીએલનો સ્ટાફ પણ કામગીરીમાં વ્યસ્ત હોઈ ઉઠાવાતો ગેરલાભ

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ- જેમ નજીક આવી રહી છે તેમ – તેમ રાજ્યમાંં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ગતિમય બનતો જઈ રહ્યો છે. આચારસંહિતા અમલી બનવાની સાથે તંત્ર દ્વારા કેડર વાઈઝ કર્મચારી- અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરીની જવાબદારી સોંપી દેવાતા ચૂંટણી શાખા સિવાયના કર્મચારીઓ પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અન્ય વિભાગની સાથોસાથ વીજતંત્રના કેટલાક કર્મચારીઓને પણ ચૂંટણીલક્ષી કામગીરી સોપવામાં આવી હોઈ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ વીજચેકિંગની કામગીરી પર બ્રેક લાગતા વીજચોરોને મોકળું મેદાન મળ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.આ અંગેની વિગતો મુજબ પીજીવીસીએલ ગુજરાતમાં અન્ય વિસ્તારોની તુલનાએ ભુજ તેમજ અંજાર સર્કલમાં વીજચોરીનું પ્રમાણ ઉચું હોઈ સમયાંતરે વીજ ચેકિંગ ટીમોના કચ્છમાં ધામા રહેતા હોય છે. તેમજ તેઓ દ્વારા ભુજ- અંજાર સર્કલમાંથી લાખોની વીજચોરી પણ ઝડપી પાડવામાં આવતી હોય છે. વીજતંત્ર દ્વારા ચેકીંગની કામગીરી અવિરત રહેતી હોવા છતાં શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીનું પ્રમાણ વશેષ જોવા મળતું હોય છે. ઘરેલુ કનેક્શન ઉપરાંત કોમર્શીયલ તેમજ ઔદ્યોગીક કનેક્શનોમાં પણ અનેક વખત લાખોની ગેરરીતિ બહાર આવી ચુકી છે. જો કે, દિવાળી બાદ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે આચારસંહિતા અમલી બની જતા વીજચેકિંગની કામગીરી પર પણ બ્રેક લાગવા પામ્યો છે, ત્યારે જિલ્લામાં આગામી ચૂંટણી સુધી વીજીલન્સના આંટાફેરા થવાના ન હોઈ ઉપરાંત સ્થાનીક કર્મીઓ પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાયા હોઈ વીજચોરોને છુટો દોર મળ્યો છે.