ભચાઉ નજીક ર.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

0
30

શહેરથી ૮ કિ.મી. દુર નોંધાયું કેન્દ્રબિંદુ

ભુજ : કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લેતાની સાથે ફરીથી ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં સચરાચર વરસાદ વરસ્યો હોવા છતાં ગરમીથી રાહત મળી રહી નથી તે વચ્ચે ભુગર્ભીય સળવળાટ પણ યથાવત રહેતા ભચાઉ નજીક ર.૯ની તીવ્રતાનો આંચકો આજે સવારે અનુભવાયો હતો. કંપનનું કેન્દ્રબિંદુ શહેરથી માત્ર ૮ કિ.મી. દુર નોંધાયું હતું.સિસ્મીક ઝોન પાંચમાં સમાવિષ્ટ સરહદી કચ્છ જિલ્લામાં ર૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપને બે દાયકા કરતા વધુનો સમય વિતી ચૂકયો હોવા છતાં ભુગર્ભીય સળવળાટ યથાવત છે. વાગડ ઉપરાંત અન્ય ફોલ્ટલાઈનો પણ સક્રિય હોઈ હળવા કંપનોની સાથે રિકટર સ્કેલ પર ૩ કે તેથી વધુની તીવ્રતાના આંચકાઓ પણ નોંધાતા રહેતા હોય છે. પાછલા એકા સપ્તાહથી શાંત બનેલી ધરા આજે ફરી ધ્રુજતા ભચાઉ નજીક ર.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ભચાઉની ૮ કિ.મી. દુર કેન્દ્રબિંદુ ધરાવતો ર.૯ની તીવ્રતાનો આંચકો આજે સવારે ૯.પ૭ કલાકે નોંધાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અન્ય ફોલ્ટલાઈનોની તુલનાએ વાગડ ફોલ્ટલાઈન વધુ સક્રિય હોઈ ગત ૧૮મીએ ભચાઉ નજીક ૩.પની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.