ધોળાવીરા નજીક ૩.૬ ની તીવ્રતાનો આંચકો નોંધાયો

0
61

 

ભુજ : જાન્યુઆરી ર૦૦૧ માં આવેલા ગોઝારા ભૂકંપને બે દાયકાથી વધુનો સમય વીતવા આવ્યો હોવા છતાં કચ્છમાં ભૂગર્ભીય સળવળાટ શાંત થઈ રહ્યો ન હોઈ સતત હલનચલન નોંધાઈ રહી છે. જિલ્લામાં આવેલી ફોલ્ટલાઈનો પૈકી વાગડ ફોલ્ટલાઈન સૌથી વધુ સક્રિય હોઈ તેના પર સ્થિત વિસ્તારોમાં સમયાંતરે ઉંચી તીવ્રતાના આંચકાઓ પણ નોંધાતા રહેતા હોય છે, ત્યારે ગત રાત્રીના ધોળાવીરા નજીક ૩.૬ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લો સિસ્મીક ઝોન પાંચમાં સમાવિષ્ટ હોઈ ભૂકંપની શક્યતા અહીં પ્રબળ રહે છે. ગોઝારા ભૂકંપને બે દાયકા કરતા વધુનો સમય વીતી ચુકયો હોવા છતાં પેટાળમાં સતત ઉર્જા ઉત્પન થઈ રહી હોઈ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવા કંપનો રૂપે તે બહાર નિકળતી રહે છે. જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ પૂર્વ કચ્છ તેમાં પણ ખાસ કરીને દુધઈથી વાગડ સુધીના પટ્ટામાં સતત ધ્રુજારી નોંધાતી રહેતી હોય છે, ત્યારે ગત રાત્રીના ધોળાવીરા નજીક ૩.૬ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ધોળાવીરાથી ર૬ કિ.મી. દૂર ભૂગર્ભમાં ૧૦ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રિકટર સ્કેલ પર ૩.૬ ની તીવ્રતાનો આંચકો ગત રાત્રીના ૧૦.૧૦ કલાકે અનુભવાયો હતો.