ગાંધીધામની અમૃતસર હોટલમાં મોડી રાત્રે તોડફોડ થતાં ચકચાર

0
54

જમવા આવેલા ૪ શખ્સોએ પહેલા વેઈટરને ધમકાવ્યો બાદમાં ટેબલ – ખુરશી ફગાવી શટરમાં કરી તોડફોડ

ગાંધીધામ : શહેરમાં નૂરી મસ્જિદની સામે આવેલી અમૃતસર હોટલમાં ગઈકાલે મોડી રાત્રે ૪ યુવાનોએ તોડફોડ કરતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ વિસ્તારમાં લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ બોલાવવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ જમવા બાબતે આ ચાર શખ્સોએ પહેલા વેઈટરને ધમકાવ્યો બાદમાં હોટલમાં હંગામો
મચાવ્યો હતો. તોડફોડ અને મારામારીના કારણે નુકસાન થતાં ફરિયાદ કરવામાં આવી હતી. મૂળ રાજસ્થાનના અને હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતા કાનારામ રંગારામ મીણાએ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવતાં જણાવ્યું હતું કે, આરોપીઓ ગાંધીધામના મીત ગઢવી, લક્ષ્મણ ભરવાડ, અમીત સથવારા અને અનિલ પ્રજાપતિ નામના ઈસમો હોટલમાં જમવા માટે આવ્યા હતા. ત્યારે તેમણે ફરિયાદીને જમવાનું કેમ સારૂ બનાવ્યું નથી. તેમ કહી બોલાચાલી કરી હોટલના માલિક તેમજ સાથી કર્મચારીઓ ક્રિષ્ના, નરેન્દ્ર મિસરીલાલ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ફરિયાદી અને સાહેદોને હાથથી મુઢમાર માર્યો હતો. તો લક્ષ્મણ ભરવાડે કળુ મારતા ફરિયાદીને કપાળમાં ઈજા થઈ હતી. આરોપીઓએ હોટલમાં ટેબલ ખુરશી તથા શટરમાં તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડ્યું હતું, જેથી તમામ સામે ગુનો દાખલ કરવામાં આવતા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે.