નવલા નોરતાની ઉજવણી વચ્ચે કચ્છમાં આજથી ધોરણ ૯થી ૧રના છાત્રોની મુલ્યાંકન કસોટી

0
33

  • બે દિવસ દરમ્યાન ચાર સેશનમાં વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા : ઓકટોબરના બીજા સપ્તાહથી પ્રથમ કસોટીનો થશે પ્રારંભ

ભુજ : નવલા નોરતાની ચાલી રહેલી ઉજવણી વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પ્રશ્નબેંક આધારીત મુલ્યાંકન કસોટીનો પ્રારંભ થયો હોઈ કચ્છમાં પણ ધોરણ ૯થી ૧રના છાત્રો બે દિવસ દરમ્યાન ચાર સેશનમાં પરીક્ષા આપશે.આ અંગેની વિગતો મુજબ ઓકટોબર માસના બીજા સપ્તાહથી પ્રથમ કસોટીનો પ્રારંભ થઈ રહ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા તેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. નવરાત્રિ બાદ પ્રથમ કસોટી હોઈ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાશકારો લીધો હતો. જોકે, નોરતા વચ્ચે આજથી પ્રશ્નબેંક આધારીત મુલ્યાંકન શરૂ થયું હોઈ છાત્રોની ઉજવણીમાં આંશીક ભંગ પડ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ ૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી લેવામાં આવતી હતી. જોકે, હવે એકમ કસોટી રદ્દ કરીને તેને સ્થાને પ્રશ્નબેંક આધારીત મુલ્યાંકન પદ્ધતિ અમલી બનાવાઈ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન અત્યાર સુધી બે વખત પ્રશ્નબેંક આધારીત મુલ્યાંકન થઈ ચૂક્યું છે. આજથી ત્રીજા મુલ્યાંકનનો પ્રારંભ થયો હોઈ કચ્છમાં પણ ધો.૯થી ૧રના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.આજરોજ પ્રથમ સેશનમાં ધો.૯ અને ૧૦માં ગુજરાતી પ્રથમ અને દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાઈ હતી. જયારે બીજા સેશનમાં વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી. ધો.૧૧-૧ર સામાન્ય પ્રવાહમાં પ્રથમ સેશનમાં નામું અને સમાજશાસ્ત્ર તેમજ બીજા સેશનમાં આંકડાશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની પરીક્ષા લેવાઈ હતી. તો ધો.૧૧-૧ર સાયન્સમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પેપર છાત્રોએ આપ્યા હતા.