કચ્છમાં વિધાનસભાની ચૂંટણી માટે ઈવીએમની કરાઈ ફાળવણી

0
55

ચૂંટણી માટે ૨૪૯૯ કન્ટ્રોલ યુનિટ, ૨૪૯૯ બેલેટ યુનિટ મળી ૪૯૯૮ ઈવીએમનો તો ૨૭૬૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે : ૩૩૧ ઈવીએમ અનામત રખાશે

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ વહિવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. આ વર્ષે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છ ત્યારે ૧ ડિસેમ્બરે કચ્છ જિલ્લાની વિધાનસભા બેઠકો માટે યોજાનારી ચૂંટણી માટે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી.

કચ્છની ૬ વિધાનસભા બેઠકો માટે આજે ભુજ ખાતે આવેલ ઈફસ્ વેર હાઉસ ખાતે વિધાનસભા બેઠકો મુજબ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે ૨૪૯૯ કન્ટ્રોલ યુનિટ, ૨૪૯૯ બેલેટ યુનિટ મળી ૪૯૯૮ ઈવીએમનો તો ૨૭૬૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. ૩૩૧ ઈવીએમ રિઝર્વ એટલે કે અનામત રાખવામાં આવશે. ગત રવિવારે ઈવીએમનું પહેલું રેન્ડમાઈઝેશન એટલે કે તારવણીની પ્રક્રિયા કલેકટર દિલીપ રાણા, નાયબ ચૂંટણી અધિકારી ભરત પટેલ સહિતની ઉપસ્થિતિમાં અને રાજકિય પ્રતિનિધિઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું કે,જિલ્લામાં ચૂંટણી ઉપરાંત તાલિમ અને જાગૃતિ કાર્યક્રમ હેતુ ૨૮૩૦ બેલેટ, ૨૪૯૯ કન્ટ્રોલ યુનિટ અને ૨૭૬૧ વીવીપેટ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી રેન્ડમાઈઝેશન બાદ ૧૩૪ ટકા વધુ ઈવીએમ વીવીપેટની આજે વિધાનસભા બેઠક દીઠ ફાળવણી કરવામાં આવી હતી. અબડાસામાં ૩૭૯ બુથ પર ૧૦૨૦ ઈવીએમ અને ૫૬૫ વીવીપેટ, માંડવીમાં ૨૮૭ બુથ પર ૭૭૦ ઈવીએમ અને ૪૨૫ વીવીપેટ, ભુજના ૩૦૧ બુથ પર ૮૦૮ ઈવીએમ અને ૪૪૬ વીવીપેટ, અંજારના ૨૯૨બુથ પર ૭૮૪ ઈવીએમ અને ૪૩૩ વીવીપેટ, ગાંધીધામના ૩૦૯ બુથ પર ૮૩૦ ઈવીએમ અને ૪પ૮ વીવીપેટ જયારે રાપરના ૨૯૩ બુથ પર ૭૮૬ ઈવીએમ અને ૪૩૪ વીવીપેટ ફાળવવામાં આવ્યા છે. ઈવીએમની ૧૩૪ ટકા તો વીવીપેટની ૧૪૯ ટકા વધુ ફાળવણી કરવામાં આવી છે. નોંધનિય છે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ બાદ ૫૩૧૯ ઈવીએમ અને ૨૭૬૧ વીવીપેટને ઉપયોગ માટે ફાઈનલ કરી દેવાયા હતા. જેની રેન્ડમાઈઝેશન એટલે કે તારવણીની પ્રક્રિયા રવિવારે હાથ ધરવામાં આવી હતી. આજે ઈવીએમ વીવીપેટની વિધાનસભા મતક્ષેત્રને ફાળવણી કરી દેવાયા બાદ બીજા રેન્ડમાઈઝેશનમાં આ ઈવીએમની મતક્ષેત્રના વિવિધ બુથોમાં ફાળવણી કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.

ઈવીએમની ફાળવણી સમયે કચ્છ જિલ્લા ચુંટણી અધિકારી અને કચ્છ કલેકટર દિલીપ રાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભાવેશ પટેલ,  નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થાબેન, ભુજ શહેર મામલતદાર કલ્પનાબેન ગોંડીયા તેમજ તમામ વિધાનસભા બેઠકના મામલતદાર અધિકારીઓ, ચૂંટણી શાખાના અધિકારીઓ અને સ્ટાફ  હાજર રહ્યા હતા.