ફરી કચ્છ કાંઠે ડ્રગ્સના પેકેટો તણાઈને આવવાનો સીલસીલો શરૂ, મૂળ સુધી પહોંચવામાં એજન્સીઓ નાકામ

ડ્રગ્સનો કન્સાઈન્ટમેન્ટ પકડાયાના ૩-૪ મહિના બાદ દરિયાકાંઠે અવાવરૂં ચરશના પેકેટ મળી આવવાનો ઘટના ક્રમ હવે બની રહ્યો છે રોજિંદો : તપાસ માટે સ્થાનિક માછીમારોની મદદ લેવાય તો આંશિક કડી ગોતવામાં પણ મળે સફળતા : એજન્સીઓ વચ્ચે સંકલનનો પણ અભાવ હોવાની ગતિવિધિ

ગાંધીધામ : કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સોફટ પેસેજ બની ગયો છે. અવાર નવાર આપણે સૌ વાંચીએ છીએ કે, આ દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળ્યા, ચરસના પેકેટ મળ્યા, આ એજન્સીએ જથ્થો બરામદ કર્યો પણ મૂળ શું ? હરહંમેશ ડ્રગ્સ પકડાય છે, એફએસએલમાં મોકલાય છે, વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલે છે પરંતુ કયારેય એ વાત સામે નથી આવી કે કચ્છના દરિયાકાંઠે અવાર નવાર ડ્રગ્સનો જથ્થો કોણ મોકલે છે, કોણ અહીંથી લે છે ? માત્રને માત્ર ડ્રગ્સના કેરિયરને પકડી એજન્સી સંતોષ માની લે છે, પરંતુ મૂળ સુધી પહોંચવામાં તેઓ નાકામ સાબિત થઈ હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.છેલ્લા બે વર્ષની જો વાત કરીએ તો માંડવી અને અબડાસાના જખૌના દરિયાકાંઠે કરોડોના ડ્રગ્સના પેકેટ ઉતર્યા હતા. બેથી ત્રણ વખત તો કોસ્ટગાર્ડ, એટીએસ સહિતની એજન્સીઓએ મધદરિયે જઈ કરોડોના ડ્રગ્સ સત્તાવાર રીતે કબ્જે કર્યા છે, પરંતુ એક ઘટના ક્રમ હવે રોજિંદો બની ગયો છે, જેમાં એજન્સીઓ કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે પાકિસ્તાનના કેરીયરોને પકડે તેઓની પુછતાછમાં માત્ર એ કડી ખુલ્લે કે કરાંચી બંદરેથી જથ્થો ભર્યો છે. કચ્છ કાંઠે માલ આપવાનો છે પણ કોણ લેવાનું છે તેની ખબર નથી ? ડ્રગ્સના સ્થાનિકે રીસીવરની કડી મળે એ પૂર્વે જ ઓપરેશન થઈ જતું હોય છે. પરિણામે મૂળ સુધી પહોંચાતું જ નથી. આ દરમિયાન હરહંમેશ ડ્રગ્સ માફિયાઓ બોટમાંથી ચરસના પેકેટ દરિયામાં નાખી હાથ ઉંચા કરી લે છે, જેથી કાર્યવાહી દરમિયાન પણ પુરતો જથ્થો મળતો નથી. દરિયાની એવી મોનોપોલી છે કે, તે પોતાનામાં કોઈ વસ્તુ સમાવતું નથી, જેથી ડ્રગ્સના પેકેટ તણાઈને કાંઠા પર આવી જાય છે. તાજેતરમાં જખૌ પાસે ૧૯ અને ધ્રુબડી પાસે ૧૩ પેકેટ મળી આવ્યા તે આ કથનની વાસ્તવિકતા છે. એજન્સીઓની કાર્યવાહી અને તપાસથી કોઈ વાંધો નથી, પરંતુ તેઓ મૂળ સુધી પહોંચી શકતા નથી ? તેની પાછળ એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.કારણ કે કોસ્ટગાર્ડ પોતાના વિસ્તારમાં ડ્રગ્સ કબ્જે કરે, પોલીસની સાગર રક્ષક દળની ટીમો અન્ય વિસ્તારમાં ઓપરેશન કરી ડ્રગ્સ પકડે, ઘણી વખત પોલીસની ટીમોને બાતમી મળે પરંતુ એજન્સીઓની હદ આવી જતાં તેઓ કાર્યવાહી કે ઓપરેશન પાર પાડી શકતા નથી. જેના કારણે અંદરો અંદરની હુંસાતુંસી અને એજન્સીઓની મર્યાદાના કારણે ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચી શકાયું નથી. હકિકતમાં ડ્રગ્સનો જથ્થો માત્ર દરિયાકાંઠે ઉતરે છે, ત્યાંથી કચ્છના માર્ગો પર થઈ અન્ય વિસ્તારો સુધી પહોંચે છે, આવા સંજોગોમાં કોસ્ટગાર્ડ, બીએસએફ, સાગર રક્ષક દળ, ગુજરાત પોલીસ સહિતની ટીમો માત્ર દરિયાકાંઠા પર સઘન વોચ રાખે તો પણ મહત્વની કડી મળે તેમ છે. આ દિશામાં હજુ સુધી માત્ર એક જ વખત પ્રયાસ થયો છે.પ્રબુદ્ધ વર્ગ એવું પણ માને છે કે, એજન્સીઓ અને પોલીસ ડ્યુટીના ભાગરૂપે દરિયાકાંઠે ફરજ બજાવે છે, પરંતુ વિસ્તારની ભૌગોલિકતાથી તેઓ પરિચિત નથી. આવા સમયે સ્થાનિક માછીમારો કે જેઓ વર્ષોથી આ વિસ્તારમાં દરિયો ખુંદતા રહ્યા છે, તેઓને સાથે રાખવામાં આવે તો આંશિક કડી મળવા પામે તો નવાઈ નહીં કહેવાય. ડ્રગ્સના રાજ્ય વ્યાપી કારસ્તાનને ડામવા માટે તેનો જડમૂળથી સફાયો જરૂરી છે, આ માટે ડ્રગ્સ જયાંથી આવે છે, તે તત્ત્વોને જ ડામવા ફરજિયાત છે. આ વસ્તુ જયારે એજન્સીઓ સંગઠિત બની કાર્ય કરશે તો જ સફળતા મળશે.