ખાવડા – બન્ની પંથકમાં સર્વે બાદ હવે શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવા ટીમો ઉતારાઈ મેદાને

0
45

  • ડિપ્થેરિયાના કેસો દેખાયા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં

આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે, રસીકરણની જાગૃતિ બાદ હવે ભીરંડીયારા, દિનારા, ગોરેવાલી સહિતના પંથકમાં ખાંસીવાળા ૦ થી પ વર્ષની ઉંમરના બાળકોના લેવાઈ રહ્યા છે નમૂના

(બ્યુરો દ્વારા)ભુજ : હાલે શિયાળાની ઋતુ ધીરે ધીરે આગળ ધપી રહી છે. જો કે, બેવડી ઋતુના પગલે સામાન્ય રોગના દર્દીઓ દેખાઈ રહ્યા છે, તે વચ્ચે ખાવડા – બન્ની પટ્ટામાં નાના ભૂલકાઓ ડિપ્થેરીયા (મોટી ખાંસી)નો શિકાર બનવા લાગ્યા હોઈ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ખાવડા – બન્ની પંથકમાં સર્વે બાદ હવે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવા મેદાને ઉતારાઈ છે.આ અંગેની વિગતો મુજબ જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ સરહદી એવા ખાવડા – બન્ની પંથકમાં રોગચાડાનું પ્રમાણ વિશેષ જોવા મળતું હોય છે. ચોમાસા બાદ મચ્છરોના ઉપદ્રવના પગલે આ પંથકમાં મેલેરિયાએ હાહાકાર મચાવ્યો હતો. જે તે વખતે આરોગ્ય તંત્ર દ્વારા રોગચાડાને કાબુમાં લેવા અધિકારી – કર્મચારીઓના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. આરોગ્ય તંત્રની યુદ્ધના ધોરણે કામગીરીના પગલે મેેલેરીયા કાબુમાં આવ્યો હતો, ત્યારે ફરી હવે આ પટ્ટામાં નાના ભૂલકાઓ મોટી ખાંસીનો શિકાર બનવા લાગ્યા હોઈ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.આ બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ફુલમાળીએ વિગતો આપતા જણાવ્યું કે, ખાવડા – બન્ની પંથકમાં ડિપ્થેરિયા (મોટી ખાંસી)ના કેસો જોવા મળ્યા છે. સ્થાનિક પીએચસીઓની જુદી જુદી ટીમો બનાવી સર્વે, રસીકરણ બાદ હવે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના સેમ્પલ (નમુના) લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભીરંડીયારા, દિનારા, ગોરેવાલી સહિતના વિસ્તારમાં ૦ થી પ વર્ષની ઉંમરના અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સેમ્પલો લઈ ચકાસણી માટે મુકવામાં આવશે.