જખૌબંદરનો દબાણ હટાવ બાદ મૃત્યુઘંટ વાગવાની ગણાતી ઘડીઓ

0
26
સરહદી વિસ્તારમાં દરિયાઈ સીમાએ ધમધમાટ રહે તે હેતુથી અબજોના ખર્ચે વિકસાવાયેલ ફીશરીઝ હાર્બરનો રાષ્ટ્રીય સુરક્ષાના હેતુથી જ ખાત્મો બોલી ગયો ! : તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ સુવિધાઓ વિકસાવી તેનું કર્યું હતું લોકાર્પણ
આથી અગાઉ શીખ – પંજાબી ખેડુતોને ફાળવાયેલ જમીનો પણ કલમના એક ઝાટકે નોંધો રદ્દ કરી હતી તેનો પ્રશ્ન પણ હાલ અધ્ધરતાલ

નલિયા : સરહદી વિસ્તારમાં દરિયાઈ સીમાએ ધમધમાટ રહે તે હેતુથી અબજોના ખર્ચે વિકસાવાયેલ જખૌ ફીશરીઝ હાર્બરનો રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરી દબાણ હટાવના નામે ખાત્મો બોલી જતા હવે મૃત્યુઘંટ વાગવાની ઘડીઓ ગણાઈ રહી છે.અહિંના બંદરની સુવિધાઓ વિકસાવવા ખુદ તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંગત રસ લઈ અહિંની સુવિધાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.કોઈ પણ વિસ્તારના વિકાસ અને વિનાશ માટે સરકારોની નીતી કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તેનું તાજુ ઉદાહરણ દેશના પશ્ચિમી દરિયાઈ સીમાએ આવેલ જખૌ મત્સ્યબંદર છે. સરહદી વિસ્તારમાં દરિયાઈ સીમા સુની ન બને અને ધમધમાટ રહેવા સાથે રોજગારી આપવાના આશય સાથે ચાર દાયકા અગાઉ જખૌ ફીશરીઝ હાર્બર વિકસાવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં સત્તામાં રહેલ ભાજપ સરકારો દ્વારા પણ જખૌબંદર માટે પ્રોત્સાહક નીતી રહી હતી. હાલના દેશના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જખૌ બંદરના વિકાસ માટે અંગત રસ લઈ અહિં ઓક્શન હોલ તથા માછીમારો માટેની સુવિધાઓ કરોડોના ખર્ચે વિકસાવી અને તેમના હસ્તે જ તેનું લોકાર્પણ કરાયું હતું. સરકારો બદલે અને તેના સંચાલકો બદલે ત્યારે નવી નીતીઓ અમલમાં આવે છે તેની અસરો થતી હોય છે તેવી અસર હાલ જખૌ બંદરે થઈ છે. હાલની રાજ્ય સરકારને જખૌ બંદરે સાથે ગુજરાતના અન્ય દરિયા કિનારે આવેલા દંગાઓ અને દબાણો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ લાગતા હોવાની નીતી રાખી તેને દુર કરવાની રાજ્ય વ્યાપી ઝુંબેશમાં જખૌ મત્સ્ય બંદર પણ હડફેટે ચડી ગયું. દેશને અબજોનું વિદેશી હુંડિયામણ રળી આપનાર માછીમારો સાથે અન્ય ધંધાર્થીઓ મળી આશરે ૧ર હજાર જેટલા લોકોની જીવાદોરી અને આવકના સાધનને એક ઝાટકે સમાપ્ત કરી દેવાયું છે. હવે માછીમારોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય જગ્યાએ ઝડપથી નિર્ણય લઈ સ્થાપિત ન કરાય તો જખૌ ફીશરીઝ હાર્બરનો મૃત્યુઘંટ વાગવાની ઘડીઓ ગણાઈ રહી છે. માછીમારો સાથે મજુરો પણ અહિં બેકાર બન્યા છે. હાલ પણ દરિયાઈ પટ્ટી માછીઓ એમ પણ ઓછી થઈ ગઈ છે હવે માછીના સાથે માછીમારો પણ હવે ઓછા થઈ જાય તો નવાઈ નહી.આ ઉપરાંત કચ્છમાં પંજાબથી શીખ ખેડુતોને અહિં ભારત-પાકિસ્તાન યુધ્ધના અનુભવ પછી સરહદી વિસ્તારોમાં જમીનો ફાળવી અબડાસા, લખપત જેવા સરહદી વિસ્તારોમાં સરહદો સુની ન બને તે હેતુથી ફાળવાયેલ ખેતીની જમીનો પણ કલમના એક ઝાટકે તેમને ફાળવાયેલ નોંધો રદ્દ કરી શ્રી સરકાર દાખલ કરાઈ હતી. જે અંગે લાંબા કાનુની જંગ બાદ પણ તે પ્રશ્ન અધ્ધરતાલ હતો, તેવી જ હાલત જખૌ બંદરની છે. ફીશરીઝ ખાતા દ્વારા માછીમારોને દંગાઓ માટે જમીન ફાળવાઈ હતી, તેના આધાર – પુરાવા તેમની પાસે હોવા છતા દબાણ હટાવમાં તેવી જમીનોને પણ આવરી લેવાઈ છે. જ્યારે મીઠાની કંપનીને જખૌ મત્સ્યબંદરે ફાળવાયેલ જમીનને કોઈ આંચ આવી નથી.આમ હવે દબાણો હટાવવાની કામગીરી ગઈકાલે સંપુર્ણ થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને ગાંધીનગરની એ.સી. કેબીનોમાં બેસી વહીવટ ચલાવતા ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનું આકલન સ્થાનિક આવીને કરે તો તેમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. બાકી કચ્છની જીહજુરીયા નેતાગીરીમાં કોઈ એવો નેતા નથી બચ્યો જે કચ્છના માજી સાંસદ મહિપત મહેતાએ જેમ ઈન્દિરા ગાંધી સામે પગ ભરાવી ખોટી નીતીનો વિરોધ કર્યો હતો તેમ વિરોધ કરી શકે.

  • રાજ્ય-કેન્દ્ર સરકારની બેવડી નીતીનો વરવો નમુનો !
    માછીમારોના દંગાઓ રાષ્ટ્રીય સુરક્ષામાં અડચણરૂપ તો ખાનગી કંપનીની જેટીઓ સામે પગલા કેમ નહીં ?

જખૌ બંદરની મીઠાની જેટી, સાંધી, અલ્ટ્રાટેક, એબીજીની ખાનગી જેટીઓના અવર જવર અને પ્રવૃત્તિઓની કોઈ નોંધ ગૃહ ખાતુ રાખે છે કે નહીં ? : જેટીથી ઉંડા દરિયામાં લોડીંગ માટે ઉપયોગમાં લેવાતા ફીટનેશ વગરના ખખડધજ બાર્જો અને કોણ જાય છે અને કોણ આવે છે, વિદેશી ક્રુ મેમ્બરો કંપનીના ગેસ્ટહાઉસોમાં આવતા હોવાની પણ ચર્ચા ?

નલિયા : જખૌબંદરના માછીમારોના દંગાઓ દબાણ સમજી તેમાં ગેરપ્રવૃતિઓ ચાલતી હોઈ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણી તેને દુર કરાયા તો રાજ્ય સરકારની બેવડી નીતી જેમ ખાનગી કંપનીની જેટીઓ આજે ધમધમી રહી છે તેના પર પગલા કેમ નહીં ? તેવી ચર્ચા પણ હાલ થઈ રહી છે.ખાનગી કંપનીની જેટીઓની વાત કરીએ તો જખૌબંદરે મીઠા કંપનીની જેટી, સાંધી, અલ્ટ્રાટેક, એબીજીની સિમેન્ટ પરિવહનની જેટીઓ આ વિસ્તારના દરિયા કિનારાઓ પર આવેલી છે. તેના પર કોઈ પણ જાતનું નિયંત્રણ હાલ નથી. પોલીસ, બીએસએફ તો ઠીક જીઆરડીનો કોઈ પણ જવાન પણ તેના પર તહેનાત નથી. કોણ આવે છે અને કોણ જાય છે તેની કોઈ નોંધ પણ નથી હોતી. અમુક કંપનીઓના ગેસ્ટહાઉસમાં વિદેશી ક્રુ મેમ્બરો આવતા હોવાની ચર્ચાઓ છે પણ સત્તાવાર કોઈ તેને સમર્થન નથી મળતુ.
આ કંપનીઓની જેટીથી ઉંડા દરિયામાં ઉભેલી શીપમાં સિમેન્ટ તથા મીઠાને લોડ કરવામાં વપરાતા બાર્જો પણ ખખડધજ અને ડીપાર્ટમેન્ટ ઓફ વેસલ્સના સર્ટીફીકેટ વગરના ચાલતા હોવાના બનાવો અગાઉ બની ચુક્યા છે અને આવા બાર્જો તુટી જવાથી ખુવારી થયાના અગાઉ જખૌ બંદરે બનાવો પણ બની ચુક્યા છે. તેમાં માલ લોડ કરવા કોણ જાય છે અને કોણ પરત આવે છે તેની કોઈ નોંધ પણ ગૃહ ખાતુ રાખે કે નહીં ? તેવી ચર્ચા પણ થઈ રહી છે. આમ માછીમારો સાથે ખાનગી કંપનીની નધણિયાતી ખાનગી જેટીઓની પણ તપાસ કરાવી તેના પર થતી અવર – જવરને કન્ટ્રોલ કરવાનો પણ હવે સમય આવી ગયો છે તેવું જાણકાર સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.