કોરોના મહામારીથી વિલંબ બાદ હવે : ભુજના બસપોર્ટને નડ્યું આચારસંહિતાનું ગ્રહણ

0
52

નવા બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય પહોંચ્યું પૂર્ણતાના આરે, પરંતુ નગરપાલિકાની દુકાનોનું કોકડું ઉકેલાયું નહીં : ચૂંટણી ટાંકણે વેપારીઓની નારાજગીના ભયે ન લેવાયો કોઈ નિર્ણય : બસ પોર્ટમાં કામ પુર્ણ થતા સજાવટ, એ.સી. સહિત લગાવવાની કામગીરી પુર્ણતા આરે : શહેરીજનોને હવે ર૦ર૩માં મળશે નવા બસપોર્ટની ભેટ

ભુજ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ બસમથકોને અત્યાધુનિક બનાવવામાં આવ્યા છે. મહાનગર અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટ સમાન બસપોર્ટ મળ્યા છે. જિલ્લા મથક ભુજનું બસ સ્ટેશન પણ નવનિર્માણ પામી રહ્યું છે. ભુજના જુના બસ સ્ટેશનના સ્થાને કરોડોના માતબર ખર્ચે નવું બસપોર્ટ બનાવવાનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિવિધ વિભાગોની મંજૂરી મેળવ્યા બાદ નિર્માણ કાર્ય શરૂ થયું હતું. વર્ષ ર૦૧૯ના અંતિમ ભાગે કોરોના સંકટ આવ્યું હતું. કોવિડ લોકડાઉનના પગલે ર૦ર૦ અને ર૦ર૧માં બસપોર્ટનું કામ ખોરભે ચડી જતા નિર્માણ કાર્યમાં વિલંબ થયો છે.

કોરાના કારણે ધીમી ગતિએ કામ આગળ થયા બાદ નિર્માણ કાર્યમાં ઝડપ લાવવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ નવા બસપોર્ટનું લોકાર્પણ થાય તે માટે પ્રયાસો થયા હતા, પરંતુ જુના બસ સ્ટેશન બહાર નગરપાલિકા શોપીંગ સેન્ટરની દુકાનો અંગેનો કોઈ નિર્ણય ન થઈ શકતા અને નવા બસ સ્ટેશનની અંદર કામગીરીની પૂર્ણતા પણ ઘોંચમાં પડી જતા ચૂંટણી પહેલા નવું બસપોર્ટ ખુલ્લું મુકવાનું શકય બન્યું ન હતું.

વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા પૂર્વે એક માસ દરમ્યાન કચ્છ સહિત રાજ્યભરમાં જે રીતે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તોનો ધમધમાટ જાેવા મળ્યો હતો. તે જાેતા જાણકારો ભુજનું નવ બસપોર્ટ પણ વિધાનસભા ચૂંટણી પૂર્વે જ લોકાર્પિત થઈ જશે તેવી અપેક્ષા રાખતા થયા હતા. ભુજના જુના વાણિયાવાડ બસ સ્ટેશનની બહાર નગરપાલિકા દ્વારા શોપીંગ સેન્ટર બનાવાયું છે. સોનાની લગડી સમાન ગણાતી આ દુકાનોને ખસેડી નવા બસપોર્ટને ખુલ્લું કરવાની યોજના બની હતી. જાેકે, વર્તમાન દુકાન ધારકોનેનવા બસપોર્ટમાં જગ્યા ફાળવવી કે અન્યત્ર ખસેડવા તે અંગે કોઈ નીતિગત નિર્ણય લેવાયો ન હતો. વિધાનસભા ચૂંટણી પૂર્વે દુકાન ધારકો અને વેપારીઓને નારાજ કરવા પરડવે નહીં તેવું શાસન પક્ષના લોકોને જણાયું હતું. જેથી નગરપાલિકા શોપીંગ સેન્ટરની દુકાનો અંગે કોઈ નિર્ણય આજદીન સુધી લઈ શકાયો નથી.

વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપમાં નગરપાલિકાનું શોપીંગ સેન્ટર ક્ષતિગ્રસ્ત થયું હતું. ભુજનું જુનું બસ સ્ટેશન પણ ક્ષતિગ્રસ્ત થતા તેના સ્થાને નવું બસ સ્ટેશન બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. જાેકે, રાજ્યના બસ સ્ટેશનોને આદ્યુનિક બનાવવાના અભિયાન હેઠળ ભુજના બસ સ્ટેશનના નવનિર્માણનો માર્ગ મોકળો થયો હતો. નવનિર્મિત બસ સ્ટેશનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે રેસ્ટ હાઉસ અને શોપીંગ મોલ પણ બન્યા છે, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે વેપારીઓ સાથે સંકલન ન થતા નગરપાલિકા શોપીંગ સેન્ટરનો મામલો વણઉકેલ્યો જ રહ્યો છે.

કોરોના મહામારી દરમ્યાન બે વર્ષના વિલંબ બાદ હવે વિધાનસભા ચૂંટણીની વિધિવત જાહેરાત થઈ જતા આચારસંહિતાનું ગ્રહણ ભુજના નવા બસપોર્ટને નડી ગયું છે. પૂર્ણતાના આરે પહોંચેલા નવનિર્મિત બસપોર્ટમાં નિર્માણ કામગીરીને આખરી ટચ અપાઈ રહ્યો છે, પરંતુ ભુજવાસીઓને નવા બસપોર્ટની ભેટ હવે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ નવી રાજ્ય સરકાર બન્યા બાદ જ મળશે તેવું જાણકારો  કહી રહ્યા છે.