ઝરપરામાં બે જીગરજાન મિત્રો વચ્ચે બોલાચાલી બાદમાં ઢીમ ઢાળી દેવાયું

0
70

  • દોસ્ત દોસ્ત ના રહા..!

ગામની શાળા પાછળ મોડી રાત્રે ૪૦ વર્ષિય યુવકને માથાના ભાગે ઘા માર્યા બાદ આરોપીએ છોટાહાથી ચડાવી દીધું : પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)મુંદરા : તાલુકાના ઝરપરા ગામે રોજના નિત્યક્રમ પ્રમાણે બે જીગરજાન મિત્રો મહેફીલ જમાવવા માટે ભેગા થયા પરંતુ ગઈકાલે રાત્રે બન્ને વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ અને આ મુદ્દો એટલી હદે વણસી ગયો કે, મિત્ર એ મિત્રના માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દેતા ૪૦ વર્ષનો યુવાન ઢળી પડયો હતો. તે બાદ આરોપીએ પોતાના કબજાનું છોટાહાથી ચાલુ કરી મિત્ર પરથી ચડાવી દેતા ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નિપજયું હોવાનું સામે આવવા પામી રહ્યું છે.મુંદરા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાત્રે ૧૦ વાગ્યા પછી આ બનાવ બન્યો હતો. મરણજનારના કૌટુંબીક ભાઈ પુનશીભાઈ સામરાભાઈ સેડા (ગઢવી)એ જણાવ્યું કે, આરોપી ઝરપરાના નારાણ સવરાજ વેજાણી અને મરણજનાર કૌટુંબીક ભાઈ આસ્પન ઉર્ફે આપો ભારૂ સેડા (ગઢવી) (ઉ.વ.૪૦) બન્ને મિત્રો થાય છે અને તેઓ ગઈકાલે ગામની શાળાની પાછળ ભેગા થયા હતા. બનાવ સમયે આ બન્ને જણા જ હાજર હતા. આરોપી નારાણે કોઈ અંગત કારણોસર બોલાચાલી કરી આસ્પનને માથાના ભાગે શરીરે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. બાદમાં આરોપીએ તેના કબજાના છોટાહાથી વાહનને ચાલુ કરી આસ્પન પર ચડાવી દેતા ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ તેનું મોત આંબી ગયું હતું. બનાવને અંજામ આપ્યા બાદ આરોપી વાહન લઈને નાસી ગયો હતો. જેથી મુંદરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. હતભાગીને ચાર સંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે. મિત્રએ કરેલી હત્યાના કારણે એક સાથે ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.આ બાબતે મુંદરા પીઆઈ હાર્દિક ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી અને આરોપી એકબીજાના ખાસ મિત્ર થાય છે, ત્યારે બનાવ કયા સંજોગોમાં બન્યો તે મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ઘટના સ્થળે અન્ય પુરાવા એકત્ર કરવાની સાથે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોને રવાના કરી દેવાઈ છે.