કચ્છમાં વહીવટી તંત્ર વ્યસ્ત : ખનીજ ચોરો મસ્ત

0
42

  • ઈલેકશન ઈફેકટ

વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે કચ્છમાં રેતી ચોરી – ખનીજ ચોરીનો પારો ઉંચકાયો : વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત થઈ જતા ષડયંત્રકારીઓને મળ્યું મોકળું મેદાન : કુનરીયા – સુમરાસરમાં મોટા પાયે ખનીજચોરીનો ધમધમાટ : ખાવડા પટ્ટામાં ચાલતા વિકાસકામોમાં ગેરકાયદેસર ખનીજનો જમાવડો

ભુજ : પોતાની ભૌગોલિક વિશેષતાના કારણે કચ્છ જિલ્લો પાકૃતિક ખનીજ સંપદાઓથી સમૃદ્ધ છે. કચ્છ જિલ્લામાં અનેકવિધ કિંમતી ખનીજ સંપત્તિ મળી આવે છે. ખનીજ સંપત્તિની લીઝ અને રોયલ્ટીના સ્વરૂપે સરકારની તિજોરીને માતબર આવક થાય છે. તો સમાંતરે ખનીજ ચોરીનું દુષણ પણ જિલ્લામાં વ્યાપક બન્યું છે. કચ્છનું ખાણ-ખનીજ વિભાગ સમયાંતરે ખનીજ ચોરીના દુષણને ડામવા કડક કાર્યવાહી કરે છે તેમ છતાં કચ્છમાં ખનીજ ચોરી અને રેતી ચોરીના મોટા ષડયંત્રો ધમધમતા રહે છે. કુનરીયા – સુમરાસરમાં હાલ મોટા પાયે ખનીજ ચોરી થાય છે. જેમાં નદીની રેતી ખાવડા પટ્ટામાં અને ભુજ સહિત વિસ્તારમાં ડાલવામાં આવી રહી છે. હાલ આજુ – બાજુમાં ખનીજ ચોરી કરીને જે – તે નજીકના વિસ્તારની રોયલ્ટી મેળવીને આ કૌભાંડ ચાલી રહ્યો છે.હાલે કચ્છ સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી જંગનો ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે તબક્કામાં રાજ્યની ૧૮૩ વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેના પગલે સરકારી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ ગયું છે. સરહદી કચ્છ જિલ્લામાં પણ વહીવટી અને પોલીસ વિભાગ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવાથી ખનીજ અને રેતી ચોરોને મોકળું મેદાન મળી ગયું છે.સુત્રો જણાવી રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો થયા બાદ કચ્છમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીના પરિવહનનો સિલસિલો વધ્યો છે. રેતી ચોરો સરકારી તિજોરીને ચૂનો ચોપડી મોટાપાયે રેતી ચોરીમાં સક્રિય બન્યા છે. બીજીતરફ જવાબદાર સરકારી વિભાગો અને પોલીસ તંત્ર ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી રેતી અને ખનીજ ચોરો બે લગામ બન્યા છે. નદીઓની જમીનમાંથી રેતીનું ગેરકાયદેસર પરિવહન ધમધમી રહ્યું છે. તો બેન્ટાનાઈટ,બોક્સાઈટ સહિતની ખનીજ સંપત્તિઓનું પણ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાનું જાણકારો ઉમેરે છે. વિધાનસભા ચૂંટણીના પગલે રેતી અને ખનીજ ચોરો પર વોચ રાખવાનું ઘટી જતા ખનીજ ચોરો બિન્દાસ બની પોતાના ષડયંત્ર ચલાવી રહ્યા છે.

નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પર.૧૮ લાખની ખનીજ ચોરી પકડાઈ હતી

લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં ૭૪ લાખથી વધુનો મુદ્દામાલ કરાયો હતો કબ્જે

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થઈ હતી. તે સપ્તાહમાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં પર.૧૮ લાખ જેટલી ખનીજ અને કુલ્લ ૭૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યો હતો. માંડવીના જખણીયા નજીક રૂકમાવતી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીના પરિવહનના કિસ્સામાં ર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મુંદરાના નવીનાળ નજીક ૭૧ ટન રેતીના જથ્થા સાથે ર૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે થયો હતો. અબડાસાના કોઠારા નજીક મિયાણી સમીપે ગેરકાયદેસર બેન્ટોનાઈટના ખોદકામના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જેમાં ૧૦ હજાર જેટલા મેટ્રીક ટન બ્લેક ટ્રેપ અને ૯૪પ મેટ્રીક ટન બેન્ટોનાઈટનું ઉત્ખન્ન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અંદાજે રૂપિયા પર લાખની કિંમતના ખનીજ ચોરીના કારસાનો ખુલાસો થયો હતો. નવેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ ખનીજ ચોરીનો કોઈ મોટી ઘટના ચોપડે નોંધાઈ નથી. વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન હાલે ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોઈ ખનીજ ચોરોને કચ્છમાં મોકળુ મેદાન મળી રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.