એઆઈએમઆઈએમ કચ્છના પ્રમુખની બ્લેકટ્રેપની લીઝ પર કાર્યવાહી : ૬ લાખનો દંડ

0
44

૧લી તારીખે માપણી કરાઈ અને અંતે ૧૪ર૬ મેટ્રીક ટન ગેરકાયદેસર ખનન સામે આવ્યું : અન્ય એક લીઝમાંથી પણ ૮પ૩ મેટ્રીક ટન ગે.કાયદેસર ખનન થયું

નલિયા : અબડાસા તાલુકાના રાયધણજર ગામમાં બે લીઝમાં હદ બહાર ખનન થતુ હોવાની હકીકત આધારે કોઠારા પોલીસ પહેલી નવેમ્બરના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સાથે સ્થાનિક લીઝ પર પહોંચી સર્વે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. માપણી અને સર્વેના અંતે બે લીઝમાંથી ૧૦.રપ લાખનું ગેરકાયદેસર ખનન થયું હોવાનું સામે આવ્યું હતું. કોઠારા પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિધાનસભાની ચુંટણી ટાણે જ અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિતરક્ષક સમિતિના પુર્વ પ્રમુખ અને એ.આઈ.એમ.આઈ.એમ. રાજકીય પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખની લીઝ ઉપર કાર્યવાહીથી આ કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની છે.કોઠારા પોલીસ મથકે જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં આવેલી દેવેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજાના સર્વે નંબર ૧પ૪ પૈકી ર તથા ઈબ્રાહીમ જાફર હાલેપોત્રાની સર્વે નંબર ૧પ૭-રવાળી લીઝ બહાર ગેરકાયદેસર ખનન થયું હોવાની હકીકત મળી હતી. પોલીસે તા. ૧ના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક જગ્યાએ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની માપણી અને સર્વે કર્યા બાદ ગેરકાયદેસર ખનન સામે આવ્યું હતું. દેવેન્દ્રસિંહ જાડેજાની લીઝ વિસ્તાર બહાર ૮પ૩ મેટ્રીક ટન બ્લેક ટ્રેપ કિંમત ૩,૭૮,૮૧૭ રુપીયા અને ઈબ્રાહીમ જાફર હાલેપોત્રાની લીઝ વિસ્તાર બહાર ૧૪ર૬ મેટ્રીક ટન બ્લેક ટ્રેપ કિંમત ૬,૪૬,૯૮૦ રુપીયાનું ગેરકાયદેસર ખનન સામે આવ્યું હતું. આમ બંને લીઝમાં હદ વિસ્તાર કરતા રર૬૧ મેટ્રીક ટન કિંમત ૧૦.રપ લાખ રુપીયા ગેરકાયદેસર ખનન સામે આવ્યું હતું. નોંધનીય છે કે, એ.આઈ.એમ.આઈ.એમ.ના કચ્છ જીલ્લાના પ્રુમખ ઈબ્રાહીમ હાલેપોત્રાની લીઝ ઉપર ગેરકાયદેસર ખનનની કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની છે, બીજી તફર એ.આઈ.એમ.આઈ.એમ. પાર્ટીએ ભુજ અને માંડવી સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે ત્યારે અબડાસા વિધાનસભામાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવાર ઉભો રાખ્યો હોવાથી ત્યાં પોતાનો ઉમેદવાર ઉભો ન રાખવાનું મુનાસીબ માન્યું હતું.