આર.ટી.ઓ.ના નિયમ મુજબ ટેક્સ ભર્યા વગર ગાડી વેંચાણ થઈ શકે જ નહીં ! :: ટેક્સ ભર્યા વગર રોડ પર દોડતી એકટીવા ડિટેઈન થઈ, ટીસી બ્લોક થવાના એંધાણ

0
36

ગત સપ્તાહે ચેસીસ નંબર પરથી પેનલ્ટી સહિત ટેક્સ ભરી એકટીવા છોડાવી જવાઈ

ભુજ : ઓટોમોબાઈલ ડિલર દ્વારા વાહન વેંચતા પહેલા આર.ટી.ઓ.નું ટેક્સ અને વીમો ભરવાનું રહે છે. જાે કે, ગત સપ્તાહે આર.ટી.ઓ.માં ટેક્સ ભર્યા વગર અને રજીસ્ટ્રેશન વગર જ રોડ પર દોડતી એક્ટીવા ડિટેઈન થઈ ગઈ હતી, જે એકટીવાના ચેસીસ નંબર પરથી પેનલ્ટી સમેત ટેક્સ ભરી ડિટેઈનનો દંડ ભરીને છોડાવી જવાઈ હતી. આ કીસ્સામાં ડીલરનું ટી.સી. બ્લોક થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

ગત સપ્તાહે પુર્વ કચ્છ વીસ્તારમાં ડિટેઈન થયેલી એક્ટીવાનું દંડ ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પોલીસ દ્વારા ચેસીસ નંબર પરથી ડિટેઈન મેમો બનાવાયો હતો. આર.ટી.ઓ.માં ચેક કરાતા તે વાહન પાસિંગ જ નહોતુ થયું. આમ, ડિટેઈન થયેલી એકટીવા ટેક્સ અને વીમો ભર્યા વગર ડિલર દ્વારા ઉપયોગમાં લેવાતી હતી કે વેંચાઈ હતી તે પ્રસ્થાપિત થઈ ગયું હતું. ટેક્સ-વીમો ભર્યા વગર કોઈપણ ડિલર વાહન વેંચી શકે નહીં ત્યારે રોડ પર દોડતી આ એકટીવા નિયમના ભંગ બદલ ડિટેઈન થઈ જતા આર.ટી.ઓ.માં દંડ ભરવાની તજવીજ હાથ ધરાઈ હતી. સૌપ્રથમ ટેક્સ પેનલ્ટી સમેત ભરાયું હતું બાદમાં ડિટેઈનનો દંડ ભરી વાહન પોલીસમાંથી છોડાવાયો હતો.

આમ, આર.ટી.ઓ.ના ટ્રેડીંગ સર્ટીફીકેટ (ટી.સી.)ના નિયમ મુજબ કોઈપણ વાહન ટેક્સ, વીમો અને સી.આર.ટી.એમ. બનાવ્યા વગર વેંચવાનો રહેશે નહીં ત્યારે આ ડિલર વગર રોડ ટેક્સ, વીમો અને સીઆરટીએમ બનાવ્યા વગર વાહન ઉપયોગમાં લેવાયો હોવાનું કે વેંચાયો હોવાનું સામે આવતા આર.ટી.ઓ. દ્વારા ડિલરનું ટી.સી. એકાદ મહિના માટે બ્લોક થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

ટી.સી.ના અનેક નિયમો પણ કોઈ પાલન કરતું નથી

ટ્રેડ સર્ટીફીકેટ મેળવવા માટે આર.ટી.ઓ. દ્વારા અનેક નિયમોનું પાલન કરવાનું ડિલર પાસેથી લખાવી લેવાય છે. ટીસીના નિયમ મુજબ મોટાભાગના ડિલરો નિયમનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે તેમ છતાંય આર.ટી.ઓ. દ્વારા કોઈ પગલા ભરાતા નથી. જાે કે, આ કિસ્સામાં ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આ કિસ્સામાં ડિલર સામે એક માસનું ટીસી રદ્દ કરવાના ભણકારા વાગી રહ્યા છે.