કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અન્વયે :: મોટા નાણાકીય વ્યવહારો પર નજર રાખવા ઈન્કમટેેકસની ૯ ટીમ સક્રિય

0
49

રાજકોટ ઝોનલ હેઠળ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ૯ સર્વેલન્સ ટીમ થઈ કાર્યરત : લાખોની રોકડ સાથે કોઈ ઝડપાશે તો થશે પુછપરછ

ભુજ : ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આવક વેરા વિભાગ દ્વારા નાણાકીય હેરફેર પર નજર રાખવા રાજકોટ ઈન્કમટેકસની ૯ ટીમો કાર્યરત થઈ છે. આચારસંહિતા લાગુ પડતાની સાથે જ રોકડની અવર જવર પર ચૂંટણીપંચની સૂચનાથી ઈન્કમટેકસ વિભાગ એકિટવ થયું છે. એરપોર્ટ પર પણ આઈટીની નજર ઉપરાંત અનેક સ્થળો પર અથવા તો કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ થશે ત્યાં આવકવેરા વિભાગની ટીમ તપાસ કરશે.

આચારસંહિતા સાથે જ ઈન્કમટેકસ વિભાગનો ચોવીસ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત થઈ ગયો છે. તો બીજીતરફ મોટા નાણાકીય હેરફેર કરનારાઓ પણ એલર્ટ થઈ ગયા છે. આ વર્ષે ઈન્કમટેકસ વિભાગે જાહેર કર્યું છે કે, જાે કોઈ પણ શંકાસ્પદ વ્યકિત રોકડ કે અઘોષિત રકમ લઈને જતી હોય તો તે અંગે ઈન્કમટેકસ વિભાગને જાણ કરવાની રહેશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી તે પૂર્વે જ આઈટી વિભાગે કવાયત શરૂ કરી દીધી હતી. રાજકોટ ઝોનલ હેઠળ કચ્છ – સૌરાષ્ટ્રના ૯ જિલ્લા માટે અધિકારીઓની સ્કવોડ બનાવાઈ છે. આ સ્કવોડ કલેકટર તંત્રથી લઈ દરેક યુનિટ સાથે સંકલન સાધીને કામ કરશે. ચૂંટણી દરમિયાન રૂપિયાની અવર જવર પર પોલીસ અને આઈટી વિભાગની નજર રહેતી હોય છે. જાે કે, મોટો વેપારી વર્ગ પણ રોકડની હેરફેર કરે છે ત્યારે સ્કવોડની નજરમાં ચડી જાય છે. જાે કે પુરતા પુરાવા હોય તો કોઈ મુશ્કેલી થતી નથી.

આઈટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૦ લાખથી વધુ રોકડ વ્યવહાર પકડાય તો જે તે વ્યકિતને ખુલાસો માંગવામાં આવે છે. આચારસંહિતા દરમિયાન પાંચ લાખની રકમ કે તેથી વધુની રકમ પકડાય તો પણ ઈન્કમટેકસ વિભાગને જાણ કરવાની હોય છે.

અત્રે નોંધનીય છે કે, ચૂંટણીમાં કોથળા ભરીને રૂપિયાઓ ઠલવાતા હોય છે. મોટાભાગનો આ હવાલો ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી થતો હોય છે. આથી આ ૯ સ્કવોર્ડ જેમાં કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્રારકા, જામનગર અને પોરબંદર આ ટીમ સ્ટેન્ડ ટૂ રહેશે.