જિલ્લામાં અકસ્માત – અપમૃત્યુના બનાવોમાં ૪ માનવ જિંદગીઓ હોમાઈ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : કચ્છમાં અકસ્માત અપમૃત્યુના બનાવોમાં પાંચ માનવ જિંદગીઓ પર પૂર્ણવિરામ મુકાયું હતું. અપમૃત્યુના બનાવોને કારણે યમરાજાએ કચ્છમાં લટાર મારી હોય તેમ અનેક પરિવારોમાં મોતના બનાવને કારણે અરેરાટી સાથે શોક ફેલાયો હતો. માધાપર નવાવાસ કારીમોરી વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. ચાંદ્રાણી અંજાર રોડ પર અકસ્માતમાં પ્રૌઢને કાળ આંબી ગયો હતો. અંજારમાં પાણીના ટાંકામાં પડી જતા મહિલા મોતને ભેટી હતી. તો કંડલામાં પગે ચાલીને જતો યુવાન પડી જતા મોતને ભેટ્યો હતો. જિલ્લામાં બનેલા અકસ્માત – અપમૃત્યુની વિગતે વાત કરીએ તો ભુજના માધાપર નવાવાસમાં કારીમોરી વિસ્તારમાં રહેણા કરણ પન્નાભાઈ ભાડકા (ઉ.વ.ર૮) નામના યુવાને અગમ્ય કારણોસર વડના ઝાડ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાધો હતો. ગંગેશ્વર રોડ પર આવેલ દુન પબ્લિક સ્કૂલ પાસે હતભાગીએ ઝાડ સાથે દોરડું બાંધીને આત્મઘાતી પગલું ભર્યું હતું. મોડી રાત્રે હતભાગીએ ભરેલા પગલા બાદ વહેલી પરોઢે બનાવ પ્રકાશમાં આવતા હતભાગીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની જાણ ભુજ શહેર બી ડિવિઝન પોલીસને કરાતા તપાસ હાથ ધરાઈ છે.અંજાર તાલુકાના ચાંદ્રાણી માર્ગ પર ગૌશાળા પાસે અકસ્માતે પ્રૌઢનું મોત નિપજયું હતું. બનાવ અંગે રાજાભાઈ કરશનભાઈ રબારીએ ચાંદ્રાણી ગામમાં રહેતા સુરેશ કરશનભાઈ વાણિયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેમાં આરોપી પોતાના કબજાની જી.જે.૧ર.બી.કે. ૧૩૦પ નંબરની બાઈક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પગપાળા જતા ફરિયાદીના કાકા લધાભાઈ કમાભાઈ રબારી (ઉ.વ.પ૦) ને હડફેટમાં લેતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજયું હતું. અકસ્માતના બનાવમાં બાઈક ચાલક આરોપીને પણ ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે દુધઈ પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ પી. કે. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.આ તરફ અંજારના વોર્ડ નં. ૭માં આવેલા કુંભાર ફળિયામાં પણ અપમૃત્યુનો બનાવ સામે આવ્યો હતો. ઘટના અંગે હનિફભાઈએ અંજાર પોલીસ મથકે અકસ્માત મોત અંગેની નોંધ કરાવી હતી, જેને આધારે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, કુંભાર ફળિયામાં રહેતી મરીયમ અબ્દુલ શેખ (ઉ.વ.૩૩) પાણીના ટાંકામાં પડી જતા મોતને ભેટી હતી. પોલીસમાં અપાયેલી કેફિયત મુજબ હતભાગીની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી તે અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગઈ હતી. બનાવને પગલે હતભાગીને અંજાર સીએચસીમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા અંજાર પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો દર્જ થયો હતો. જેને પગલે પીએસઆઈ સી. બી. રાઠોડે આગળની તપાસ હાથ ધરી છે.તો કંડલામાં આવેલી સિરોક હોટલ નજીક પગે ચાલીને જતા યુવાન કોઈ પણ કારણોસર પડી જતા મોત આંબી ગયું હતું. બનાવને પગલે કંડલા મરીન પોલીસ મથકે સૌરભકુમાર યાદવે અકસ્માત મોત અંગેની નોધ કરાવી હતી. જેને ટાંકીને પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે, મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે રહેતા અને હાલ ઝુપડપટ્ટી કંડલામાં રહેતા શેખર રાજાભાઈ ગુણાભાઈ (ઉ.વ.૪૦)નું મોત નિપજયું હતું. હતભાગી સિરોક હોટલ પાસેના રોડ પર પગે ચાલીને જતા હતા તે દરમ્યાન કોઈ પણ કારણોસર પડી જતા તેને આદિપુરની રામબાગ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જેને પગલે કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા એએસઆઈ રણધીરસિંહ ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.