માતાનામઢ દર્શનાર્થે જતા ગળપાદરના પરિવારને કુકમા-શેખપીર પાસે નડયો અકસ્માત : ૧૦ ઘવાયા

0
40

આજે પરોઢીયે ઈકો ગાડી પલ્ટી જતા બન્યો બનાવ : બાળકો સહિત ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ભુજ : નવરાત્રીને પગલે દેશ-દેશાવરથી ભાવિકો માતાનામઢ દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે ગાંધીધામના ગળપાદરથી પણ એક પરિવાર માતાનામઢ દર્શનાર્થે જવા નિકળ્યો હતો પરંતુ ભુજના કુકમા – શેખપીર પાસે અકસ્માત નડતા એક જ પરિવારના ૧૦ લોકો ઘવાયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
હોસ્પિટલ ચોકીએથી જાણવા મળતી વિગતો મુજબ ગળપાદરના શાંતિધામમાં રહેતા ર૬ વર્ષિય પંકજ શૌર્ય લક્ષ્મણ ગુપ્તા, ૩૧ વર્ષિય સુધાદેવી અમિત મિશ્રા, ૩પ વર્ષિય અમીત અજય મિશ્રા, ર૭ વર્ષિય સંજય સુલચંદ ગુપ્તા, ર૮ વર્ષિય પુનમ સંજય ગુપ્તા, ૧૧ વર્ષિય પ્રિન્સ મનોજ પાઠક, ૩૮ વર્ષિય મનોજ રામકુમાર પાઠક, ૩પ વર્ષિય વંદના મનોજ પાઠક, ર૬ વર્ષિય ગુડીયા પંકજ ગુપ્તા અને ૮ વર્ષિય પિયુષ સંજય ગુપ્તા ઈકો ગાડીમાં બેસીને માતાનામઢ જવા નિકળ્યા હતા, ત્યારે આજે વહેલી પરોઢે ર થી ર.૩૦ વાગ્યાના અરસામાં સામેથી ટ્રેઈલર ધસમસતું આવ્યું અને બાજુમાંથી બોલેરો ગાડી પસાર થતી હોઈ ચાલકે કાબુ ગુમાવતા ઈકો ગાડી પલ્ટી મારી ગઈ હતી. જેમાં ગાડીમાં સવાર તમામ ૧૦ જણાઓને ઈજાઓ થતા ૧૦૮ બોલાવીને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

માધાપર – ભીરંડીયારા – સાપેડા – મમુઆરા અને દબડા ચોકડી પાસે અકસ્માતમાં છ ઈજાગ્રસ્ત

આ તરફ અન્ય વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં માધાપર લોકલ બોર્ડ પાસે ઓમ મહેશ ભાનુશાલી અને પ્રેમ મહેશ ભાનુશાલી નામના તરૂણો એક્ટિવાથી ટ્યુશન જતા હતા ત્યારે એક કાર ચાલકે અચાનક ટર્ન મારતા કાબુ ગુમાવી લેતા બન્ને ભાઈઓને છોલ-છાંભની ઈજાઓ થવા પામી હતી.તો ભીરંડીયારા ભુજ હાઈવે રોડ પર ખાવડાથી મીઠું ભરીને કંડલા જતી વેળાએ ટ્રેઈલર સામ સામે ભટકાતા રાજસ્થાનના પચાણસિંગ હાલુસિંગ રાજપુત નામનો ચાલક ઘવાયો હતો. બીજીતરફ સાપેડાથી અંજાર જતા રોડ પર રાતના સમય સામેથી ફુલ લાઈટનમાં ગાડી આવતી રસ્તાનો ખાડો ન દેખાતા વાહન સ્લીપ થવાની ઘટનામાં અંજારના દિલીપ શાંતિલાલ પ્રજાપતિને ખંભાના ભાગે અને દાઢીમાં ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવાયો હતો. તો મમુઆરાથી બીકેટી તરફ જતા રોડ પર ગાડી સ્લીપ થઈ જવાની ઘટનામાં બનાસકાંઠાના દિયોદરના વિક્રમ કાળુભાઈ ઠાકોર અને લીલાધરભાઈ માણાભાઈ નાઈને માથાના ભાગે ઈજાઓ થતા સારવાર માટે જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા. જયારે દબડા ચોકડી પાસે સામેથી લાઈટ વગરના છકડા સાથે આવતા વાહન સાથે બાઈક ભટકાતા પ્રભાતનગરમાં રહેતા ભરત શાંતિલાલ વાઘમશીને ઈજાઓ થઈ હતી.