ભુજમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ર૦ હજાર જેટલા કેસો મુકાયા

સરકારી વિભાગો ઉપરાંત ભરણ પોષણ, લગ્ન જીવનની તકરાર, લોન માંડવાણ સહિતના કેસોમાં સમાધાનકારી વલણ અપનાવી મહત્તમ કેસોનો લવાયો સુખદ ઉકેલ

ભુજ : સર્વને સમાન ન્યાય મળી રહે એ માટે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદની અનુશ્રામાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભુજ કચ્છ દ્વારા આજે શનિવારે ભુજની જિલ્લા અદાલત ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ર૦ હજાર જેટલા કેસો મુકવામાં આવ્યા હતા. ખાસ તો સરકારી તંત્રો તેમજ ભરણ પોષણ, લગ્ન જીવનની તકરાર, લોન સહિતના કેસોમાં સમાધાનકારી વલણ સામ સામે પક્ષે અપનાવી મહત્તમ કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો.ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ શ્રી પી.એફ. ગઢવી દ્વારા જણાવાયું કે, જિલ્લામાં ટૂંકા સમયગાળામાં બીજી વખત લોક અદાલત યોજવામાં આવી છે, જેમાં કલેકટર તંત્ર, પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ, પીજીવીસીએલ સહિતના સરકારી વિભાગોના અંદાજે ૧૮ હજાર જેટલા કેસો મુકવામાં આવ્યા છે.આ ઉપરાંત ભરણ પોષણના દાવા, લગ્ન જીવનમાં થતી તકરાર, રાષ્ટ્રીય કે સહકારી બેંકમાંથી લોન લીધી હોય પરંતુ આર્થિક સંકટના કારણે લોન ભરી ન શકયા હોય તે સહિતના મોટાભાગના કેસો આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાવી લેવાય છે.દરમિયાન એવા પણ પ૦૦ જેટલા કેસો છે, જે હજુ સુધી કોર્ટમાં નથી આવ્યા તેઓનો પણ ઉકેલ લાવવામાં આવશે. સામ સામે બંને પક્ષોને સાંભળી બંને પક્ષને ન્યાય મળે તે રીતે સમાધાનકારી વલણ અપનાવી પડતર કેસોનો નિકાલ લાવવામાં આવતો હોય છે.આજના દિવસે અંદાજે ૧પ હજાર કેસોના નિકાલની અપેક્ષા છે. જે કિસ્સાઓમાં સમજુતી ન થાય તો તેની આગળ સૂનાવણી કરવામાં આવે છે. સમાધાન ન થાય તો પક્ષકારને કનડગત કરવામાં આવતી નથી. લોક અદાલતનો મુખ્ય ઉદેશ પડતર કેસોનો નિકાલ લાવી તેનો સુખદ ઉકેલ લાવવાનો છે.આજની આ લોક અદાલતમાં ડી.એન. પટેલ સહિત ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. અલગ અલગ ટેબલો ગોઠવી કેેસોના નિકાલની વ્યવસ્થા ગોઠવાઈ હતી.