ભ્રષ્ટાચારમાં લિપ્ત અબડાસા પોલીસ નિર્દોષ જનતાને કરી રહી છે હેરાન

ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએે ગૃહમંત્રીને પત્ર લખી પગલાં લેવા માંગ કરી

નખત્રાણા : ભ્રષ્ટાચારમાં લિપ્ત અબડાસા પોલીસ નિર્દોષ, નાના – ગરીબ માણસોને હેરાન – પરેશાન કરી રહી છે, તેવા આક્ષેપો સાથે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ગૃહમંત્રીને પત્ર પાઠવી પગલાં લેવા માંગ કરી છે.
ધારાસભ્ય શ્રી જાડેજાએ પત્રમાં જણાવ્યું કે, નખત્રાણા, લખપત, અબડાસા તાલુકામાં પોલીસ તંત્રના કર્મીઓ – અધિકારીઓ નાના- ગરીબ માણસો જે બીપીએલ યાદીના પીએમ આવાસ યોજનામાં મકાન બનાવવા રેતી લઈ જતા હોય ત્યારે અથવા જે ખેડૂત દ્વારા ટ્રેકટર મારફતે પોતાની ખેતી માટે કે વાડી, ઓરડી, ગોડાઉન બનાવવા અન્ય નાના- મોટા બાંધકામ માટે પણ રેતી ઉપાડવા આવે છે, ત્યારે નાના માણસો, ખેડૂતો વગેરેને ખોટી રીતે હેરાન કરી વાહન ડિટેઈન કરવામાં આવે છે. પોલીસ તંત્ર દ્વારા ચોરીના કેસો, દારૂ -જુગાર બંધ કરાવવા, ખનિજ ચોર પકડવા વગેરે જેવા કામો કરવામાં આવ્યા નથી.માસ્ક મુદ્દે પોલીસ કર્મચારીઓ દ્વારા ગામડાઓમાં ગાયો, ભેંસો કે, ઘેટા – બકરાના વાડાઓમાં જઈને, દુકાનમાં વેપારી એકલો બેઠો હોય તો ત્યાં જઈને પણ તેના માનસિક ત્રાસ આપવામાં આવે છે.
નખત્રાણા તાલુકામાં ઘણા ઉચ્ચ અધિકારીઓ જે રીઢા ગુનેગાર જેવા થઈ ગયા છે, તેવા નખત્રાણા તાલુકાના ઉચ્ચ પોલીસ અધિકારીની મીઠી અને રહેમ નજરથી મોટી મોટી કંપનીઓ, પવનચક્કી કે વીજ થાંભલાઓ ઉભા કરી ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપી કંપનીઓના ઓવરલોડ વાહનો કે મોટા મોટા બાંધકામો માટેના ખનિજ, રેતીની રોયલ્ટીનું કે કાગળિયાનું પણ પુછવામાં આવતું નથી, મત વિસ્તારમાં પોલીસ દ્વારા ખેડૂતોના મોટરના કેબલ ચોર, ઘરફોડ કે દુકાન ચોરી વગેરે જેવા એક પણ કેસ ડિટેકટ કરવામાં આવતા નથી કે એક પણ ચોર પકડાયો હોય તેવી કામગીરી કરવામાં આવતી નથી. પોલીસ દ્વારા પોતાની કામગીરી બતાવવા અને સિદ્ધાંતવાદી વાતો કરીને માણસો અને ખેડૂતોને રેતીના અને માસ્કના નામે ખોટી રીતે હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને રાજ્ય સરકારને બદનામ કરે છે. ત્રણેય તાલુકામાં ધોળા દિવસે ખુલ્લેઆમ બેફામ રીતે ચાની જેમ દારૂનું વેચાણ થાય છે અને રીતસર હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં અને પોલીસ ખાતાને બદનામ કરતા આવા જે જે પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ છે તેની તપાસ નીતિ નિયમ મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરીને પગલાં ભરવા માંગ
કરાઈ છે.