આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે : કૈલાશદાન ગઢવી

0
41

મુંદરા-માંડવી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારે નામાકંન પત્ર ભર્યું : બહોળી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો સાથે જાેડાયા : પ્રાગપર ચોકડી ખાતે જંગી જનસભાને કર્યું સંબોધન : ગુજરાતની ભાજપા સરકાર પર કર્યા આકરા પ્રહારો

ભુજ : વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તૈયારીમાં જાેતરાઈ ગયા છે. રાજકીય પાર્ટીના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેઓએ પણ ફોર્મ ભરવા સહિતની તૈયારીઓ આરંભી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા માંડવી-મુંદરા વિધાનસભાની બેઠક પર કૈલાશદાન ગઢવીને ટિકિટ આપવામાં આવી છે. આજે આમ આદમીના ઉમેદવાર કૈલાશદાન ગઢવીએ મુંદરા પ્રાંત કચેરી ખાતે પોતાનું નામાકંન પત્ર રજૂ કર્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભાજપના છેલ્લા ર૭ વર્ષના શાસનમાં કચ્છ અને રાજ્યની પ્રજા પાયમાલ થઈ છે. લોકોને હવે વેચાઉ કોંગ્રેસ પર વિશ્વાસ રહ્યો નથી ત્યારે આવનારી ચૂંટણીમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના સરકાર બનવા જઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ખુબ વધ્યો છે. લોકો ભાજપના નેતાઓ દાદાગીરી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થયા છે. આ વખતે કચ્છ અને ગુજરાતના લોકોએ ભાજપને સબખ શિખવાડવાનું મન બનાવી લીધું છે.મતદારો આમ આદમી પાર્ટી તરફ આશાભરી નજરે જાેઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં આમ આદમીની સરકાર બનશે તે નિશ્ચિત છે.

રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા લોકોને સુશાશન  આપી સુખાકારીમાં વધારો કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પ્રજાજનોને આપેલા તમામ વચનો સરકાર બનતા જ પુરા કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પત્ર ભરવા જતા પહેલા તેમણે કોડાય ગામે પૂ. આઈશ્રી ગંગામાના દર્શન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચારણ પુત્ર હોવાના કારણે તેમને માતા શક્તિ પર પૂૂર્ણ આસ્થા છે. આજે માતાશ્રીએ વિજયીભવના આશિર્વાદ આપી દેતા લડાઈ માટે તેમના આત્મવિશ્વાસ પર વધારો થયો છે. કોડાય ગામે ગંગામાના આશિષ મેળવી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે રેલી સ્વરૂપે પ્રાગપર ચોકડી પહોંચ્યા હતા. જયા તેમણે જાહેર સભાને સંબોધન કર્યું હતું.

ઉમેદવાર કૈલાશદાન કે. ગઢવીએ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સર્વપ્રથમ કોડાય ખાતે પૂજ્ય આઈશ્રી ગંગામાના દર્શન કરીને દાવેદારી નોેંધાવવાનો કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો. સર્વપ્રથમ સવારે ૦૯ઃ૩૦ કલાકે રેલીનું આયોજન કરાયુંં હતું. ત્યાંથી તલવાણા, બિદડા, મોટી ભુજપુર થઈ આ રેલી અહીંસાધામ પ્રાગપર ચોકડી પાસે પહોંચી હતી. રેલીનું સ્થાનિક લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યાંથી મોટા કપાયા, નાના કપાયા, ન્યૂ મુંદરા રોડ, ડાક બંગલો, શ્રીધણીમાતંગ દેવ રોડ, વીર મહારાણા પ્રતાપ માર્ગ થઈને ગોકુલમ, જુની ગ્રામ પંચાયત બારોઈ રોડ, તા.પં., બસ સ્ટેશન, જુના બંદર થઈને રામેશ્વર મંદિર ખાતે આ રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. જ્યાં તેમણે લોકોને એક મોકો કેજરીવાલને આપી ભ્રષ્ટાચારમાંથી ગુજરાતને મુક્ત કરવા આહવાન કર્યું હતું. સાથે જ આમ આદમી પાર્ટીને જંગી બહુમતિથી જીતાવવા લોકોને અપીલ કરી હતી. સભા યોજાયા બાદ કૈલાશદાન ગઢવીએ શુભમુહૂર્તમાં વિધાનસભા ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું.

આ વેળાએ રોહિત ગોર, અંકિતાબેન ગોર, ગજેન્દ્રસિંહ જાડેજા, મજીદ સમા, સંજય બાપટ, કુલદીપસિંહ જાડેજા, હરેશગર ગોસ્વામી, અભાભા ગઢવી, રતન ગઢવી, ભીખુભા જાડેજા, મેહુલ ગોર, વિજેન્દ્રસિંહ જાડેજા, વનિતાબેન, પારૂલબેન, લીલાબેન, નીતાબેન, કિશન ગઢવી, સંદિપ શર્મા, અમિત કુમાર, પ્રશાંત ગોર, જગદીશ મહેશ્વરી વગેરે ઉપરાંત બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરતાઓ, સમર્થકો જાેડાયા હતા.