રાપર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ આંબાભાઈ પટેલને ફાળવી ટિકીટ

0
53

ભુજઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી પહોંચી છે ત્યારે કચ્છમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ માંડવી અને ભુજ બેઠક બાદ કચ્છની રાપર બેઠક પર પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. રાપર બેઠક પર આમ આદમી પાર્ટીએ આંબાભાઈ પટેલ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી જે ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર થઈ ચુક્યા છે. જેમાં પટેલ સમાજના બે ઉમેદવારોને ટિકીટ ફાળવવામાં આવી છે. ભુજ બેઠક પર પણ આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના રાજેશભાઈ પિંડોરીયાને ઉમેદવારીની તક આપી છે. રાપર બેઠક પર પણ આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારની પસંદગી કરી છે. જ્યારે માંડવી બેઠક પર ગઢવી સમાજના કૈલાશદાન ગઢવીને પાર્ટીએ ટિકીટ ફાળવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત રાજ્યના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. જેમાં રાજ્યની વિવિધ 14 બેઠકો પર ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવી હતી. આ યાદીમાં કચ્છની રાપર બેઠક પર આંબાભાઈ પટેલનું નામ જાહેર થયું હતું. કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી આમ આદમી પાર્ટીએ નગારે ઘા મારી દીધો છે.